તમારી ઇમ્પોર્ટન્ટ ઇન્ફર્મેશન રદ્દીમાં

28 November, 2011 11:10 AM IST  | 

તમારી ઇમ્પોર્ટન્ટ ઇન્ફર્મેશન રદ્દીમાં

 

 

(શશાંક રાવ)

મુંબઈ, તા. ૨૮

કોઈ ચાર રસ્તાના નાકે ઊભાં-ઊભાં ભેળની મજા માણતા હોઈએ અને જે કાગળમાં ભેળ આપવામાં આવી હોય એમાં કોઈકનાં નામ-સરનામાં તથા પૅન (પર્મનન્ટ અકાઉન્ટ નંબર)ની વિગતો જોઈએ તો આંચકો જરૂર લાગે. આવું જ કંઈક ગુજરાતી ધીરેન ઝવેરી સાથે બન્યું હતું તેણે તાડદેવના એક ભેળવાળા રાજેશ ગુપ્તાને ત્યાંથી એક મોબાઇલ કંપની ઍરટેલનાં કસ્ટમર રિલેશનશિપ ફૉર્મ માટે ભરેલાં પેપર્સ મળી આવ્યાં હતાં. ગ્રાહકોની તમામ માહિતી ધરાવતાં આ ફૉર્મર્ વિશે ભેળવાળાને પૂછતાં તેણે આ ફૉર્મ નજીકના પસ્તીવાળા પાસેથી લીધાં હોવાનું જણાવ્યું હતું. ધીરેન ઝવેરીએ તમામ ફૉર્મ ભેળવાળાને ત્યાંથી લેવાનો પ્રયાસ કરી જોયો હતો, પરંતુ એમ ન થતાં તે ત્રણ ફૉર્મ આંચકવામાં સફળ થયો હતો. આ ફૉર્મમાં ગ્રાહકનું નામ, ઘરનું સરનામું, પૅન તથા સિમ-કાર્ડર્ના નંબરનો સમાવેશ હતો. તેણે આ તમામ ફૉર્મ ‘મિડ-ડે’ને ઈ-મેઇલ કર્યા હતાં. આ ફૉર્મ ભર્યાની તારીખ નવેમ્બર ૨૦૦૯ હતી. ભેળવાળાએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૪૦ વર્ષથી હું ભેળ વેચું છું. કયા પેપરમાં શું વિગતો છે એની મેં કદી પરવા નથી કરી.’

‘મિડ-ડે’એ જેમનાં ફૉર્મ હતાં તેમનો સંપર્ક કર્યો હતો. તેમનામાંની એક વ્યક્તિ એક પ્રાઇવેટ કંપનીમાં સિક્યૉરિટી ઑફિસર છે. ઍરટેલના એક અધિકારીએ પોતાનું નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે આ એક ગંભીર બાબત ગણાય. વિરારના અન્ય એક ગ્રાહકે પણ આને અત્યંત ગંભીર બાબત ગણાવી હતી. એ. મ્હાત્રે નામના બીજા એક ગ્રાહકે બે વર્ષ અગાઉ જેમને ત્યાંથી આ કનેક્શન લીધું હતું તેમનો સંપર્ક કર્યો હતો. મહેશ સોની નામના તે ડીલરે કહ્યું હતું કે ‘મ્હાત્રેનું ફૉર્મ નિયમ મુજબ ઍરટેલની ઑફિસમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી ભેળવાળાને ત્યાં કઈ રીતે પહોંચ્યું એ તપાસનો વિષય છે.’

ઍરટેલના અધિકારીઓનું શું કહેવું છે?

ઍરટેલના અધિકારીઓએ કહ્યું હતું કે ‘આ ભૂલ ગ્રાહક દ્વારા જ ઝેરોક્સ કરાવતી વખતે થઈ હોવી જોઈએ. અહીં આવતાં તમામ ફૉર્મની સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવામાં નથી આવતી. સરકારના આદેશ પ્રમાણે ગ્રાહકોની ગુપ્ત માહિતી સાથે કોઈ ચેડાં કરવામાં નથી આવતાં.’