મોબાઇલની બેટરીઓ ફટાકડાની જેમ ફુટી

12 July, 2020 10:15 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

મોબાઇલની બેટરીઓ ફટાકડાની જેમ ફુટી

ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરતા ફાયરબ્રિગેડના જવાનો. તસવીર : પી.ટી.આઇ.

ગુજરાતીઓના ગઢ ગણાતા બોરીવલી-વેસ્ટમાં સ્ટેશન પાસે એસ. વી. રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં શુક્રવારે મધરાત બાદ શનિવારે સવારે ૨.૪૫ વાગ્યે ભયાનક આગ ફાટી નીકળી હતી. બેઝમેન્ટમાં આવેલી મોબાઇલ માર્કેટની અનેક દુકાનો એમાં બળીને ખાખ થઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ પર બપોરે ૧૨.૩૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. જોકે એ પછી પણ કૂલિંગ ઑપરેશન ચાલી રહ્યું હતું. સદ્ભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ જખમી થયું નથી, પણ કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.
ફાયર બ્રિગેડના ૧૪ ફાયરએન્જિન, ૧૩ જમ્બો ટેન્કર અને અન્ય વાહનોને આ આગ ઠારવાના ઉપયોગમાં લેવાયાં હતાં. એક ફાયર ઑફિસરના જણાવ્યા અનુસાર પહેલા લેવલ-૨ની આગ જાહેર કરાઈ હતી, પણ ત્યાર બાદ આગનો વ્યાપ વધતા સવારે ૪ વાગ્યે લેવલ ૩ અને ત્યાર બાદ લેવલ-૪નો કૉલ અપાયો હતો.
આગ લાગ્યાની જાણ થતાં જ વેપારીઓ, દુકાનદારો તરત જ ઇન્દ્રપ્રસ્થ પહોંચી ગયા હતા. જોકે આગના કારણે અંદર જઈ શકાયું નહોતું. ગઈ કાલે સવારે પણ તેઓ શૉપિંગ સેન્ટરની બહાર ચિંતાગ્રસ્ત સ્થિતિમાં ઊભેલા જોવા મળ્યા હતા. બેઝમેન્ટમાં મોબાઈલ માર્કેટ હતી જેમાંની દુકાનોમાંની અનેક દુકાનો ખાખ થઈ ગઈ હોવાની શંકા સેવાતી હતી, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે પણ ધુમાડો ગયો હોવાથી કપડાની અને અન્ય ચીજવસ્તુઓની દુકાનોમાં નુકસાન થયું હોવાનો અંદાજ હતો.
શુક્રવારે મધરાત બાદ ફરજ પર તહેનાત સિક્યૉરિટી સુપરવાઇઝર શેખને સૌથી પહેલા આગ લાગી હોવાની જાણ થઈ હતી. વળી આગ લાગવાથી ધુમાડો થતાં બીજા માળ પર ચોકિયાત ડૉગ પણ અસ્વસ્થ થઈ ભસવા માંડ્યો હતો. સુપરવાઇઝર શેખે તરત જ તેના સબઓર્ડિનેટ રાયને જાણ કરી હતી.
આ વિશે માહિતી આપતાં રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સૌથી પહેલા દોડીને બીજા માળે ગયો અને એ શ્વાનને સુખરૂપ બચાવી લીધો હતો. ત્યાર બાદ બેઝમેન્ટમાં જ્યાં આગ લાગી હતી એ દુકાનના શટરનું તાળું તોડ્યું હતું. મેં ફાયર એક્સટિંગ્વિશર સાથે રાખ્યું હતું, પણ જેવું શટર ખોલ્યું કે સામેથી આગની જ્વાળાઓ જોરદાર લબકારા મારી રહી હતી. એટલું જ નહીં મોબાઈલની બૅટરીઓ ફટાકડાની જેમ ફાટી અહીંતહીં ગમેતેમ ઊડી રહી હતી. બહુ જ ભયાનક હતું એ.’
બેઝમેન્ટમાં દુકાન ધરાવતા વીરુભાઈ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા નાના વેપારી છે. કોઈનો દુકાનનો ઇન્સ્યોરન્સ હોય એની જાણ નથી. ચાર મહિનાથી લૉકડાઉનને કારણે ઘરમાં બેઠા છીએ. હવે આ આગ લાગી, અમારે શું કરવું?’
અન્ય એક વેપારી પ્રવીણ જોશીએ કહ્યું હતું કે ‘અહીંના મોટાભાગના વેપારીઓ મધ્યમવર્ગના છે. મોટા ભાગની દુકાનો ભાડાં પર છે. ચાર મહિનાથી દુકાનો બંધ હોવા છતાં અહીંના શેઠિયાઓ ભાડું માગી રહ્યા હતા, એ લોકો ભાડું છોડવા તૈયાર નહોતા. અમારે તો આ પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.’
આગ લાગ્યાની જાણ થયા બાદ સવારે મુંબઈ મહાનગરપાલિકાના આર સેન્ટ્રલ વૉર્ડના વૉર્ડ ઑફિસર ભાગ્યશ્રી કાપસેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે શૉપિંગ સેન્ટર અપ્રૂવ્ડ હતું. વળી બીજો પણ ખાસ કોઈ પ્રોબ્લેમ નહોતો. લૉકડાઉનને કારણે છેલ્લા ચાર મહિનાથી શૉપિંગ સેન્ટર બંધ હતું. એનું ફાયર ઓડિટ પણ કરાયેલું હતું. આગ લાગ્યા બાદ ધુમાડો બહાર કાઢવા બેઝમેન્ટના વેન્ટિલેટર ખોલવા પડ્યા હતા. ફાયરબ્રિગેડે કટોકટીના સમયે આવા નિર્ણય લેવા પડતા હોય છે.

mumbai mumbai news