મોબાઇલ-ઍપથી હવે સેકન્ડ ક્લાસની 4 ટિકિટ ખરીદી શકાશે

28 December, 2014 04:46 AM IST  | 

મોબાઇલ-ઍપથી હવે સેકન્ડ ક્લાસની 4 ટિકિટ ખરીદી શકાશે




લોકલ ટ્રેનની અનરિઝર્વ્ડ ટિકિટો હવે મોબાઇલ-ઍપ્લિકેશન દ્વારા ખરીદી શકાશે. ગઇ કાલે રેલવે મિનિસ્ટર સુરેશ પ્રભુએ એનુ દાદર રેલવે સ્ટેશન પર ઉદઘાટન કર્યું હતું. સેન્ટ્રલ રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (CRIS) ઍન્ડ્રૉઇડ અને વિન્ડોઝ ફોન દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવશે. ત્યાર બાદ અન્ય ફોન પર પણ આ સુવિધાનો વિસ્તાર કરવામાં આવશે.

શરૂઆતમાં આ સુવિધા માત્ર દાદર સ્ટેશને જ ઉપલબ્ધ હશે. ત્યાર બાદ CST, કુર્લા, થાણે અને કલ્યાણ સ્ટેશનોએ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર ધોરણે અન્ય સ્ટેશનોએ આ સુવિધા શરૂ થશે. ગઇ કાલે ઉદઘાટન દરમ્યાન કેન્દ્રીય રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ કયુ હતે કે ભારતીય રેલવેમાં ૨ કરોડ પ્રવાસીયો પ્રવાસ કરે છે અને ૯૦ કરોડ ભારતીય મોબાઇલધારક છે એટલે મોબાઇલ ટિકિટિંગ સિસ્ટમ આ પ્રવાસીઓ માટે સુવિધાપુરી પાડનારી રહેશે.

કાર્યક્રમ દરમ્યાન સુરેશ પ્રભુએ કહ્યું હતું છે કે તેઓ હાર્બર લાઇનના વિસ્તરણ માટે બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ (BPT)ની જગ્યાના વપરાશની દરખાસ્ત વિશે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનની જવાબદારી માત્ર રાજ્ય સરકારની જ નહીં, પરંતુ કેન્દ્ર સરકારની પણ છે. નવી ટેક્નૉલૉજીના વપરાશ સાથે પ્રવાસીઓને સારી સુવિધાઓ આપવાની વાત પર પણ પ્રભુએ ભાર મૂક્યો હતો.

આ સુવિધાનો ખર્ચ

હાલમાં જનસાધારણ ટિકિટ બુકિંગ સિસ્ટમ હેઠળ રેલવે-સ્ટેશનોની નજીકની દુકાનોમાં લોકલ ટ્રેનની ટિકિટો મળે છે જેમાં એક રૂપિયાનો સરચાર્જ આપવો પડે છે. અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS)માં SMSનો ચાર્જ ચૂકવવો પડે છે, પણ મોબાઇલ-ઍપથી ટિકિટ કઢાવતાં કોઈ સરચાર્જ ચૂકવવો નહીં પડે.

કઈ રીતે કામ કરે છે?  

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનધારકે ગૂગલ પ્લે સ્ટોર કે વિન્ડોઝ સ્ટોરમાંથી ઍપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને એક વાર પાસવર્ડ જનરેટ કરવો પડશે. એ માટે  પૅસેન્જરે તેનો મોબાઇલ-નંબર, નામ અને શહેર તરીકે મુંબઈ રજિસ્ટર કરાવવું પડશ.

આમ કર્યા બાદ ઝીરો-બૅલૅન્સ સાથે તમારું ‘R વૉલેટ’ ખૂલશે, જેનો ID તમારો મોબાઇલ-નંબર હશે.

R વૉલેટ પસંદગીનાં UTS બુકિંગ-કાઉન્ટરો પર રીચાર્જ થઈ શકશે. આ રીચાર્જ ૧૦૦ રૂપિયાથી ૫૦૦૦ રૂપિયા સુધીનું હશે.

આ સુવિધાનો ઉપયોગ કરીને પૅસેન્જરો અનરિઝર્વ્ડ ઉપનગરીય સિંગલ અને રિટર્ન ટિકિટો ખરીદી શકશે. પૅસેન્જરો એક સમયે સેકન્ડ ક્લાસની ચાર અને જરૂર હોય તો ફસ્ર્ટ ક્લાસની એક ટિકિટ ખરીદી શકશે. આ સુવિધા હેઠળ સીઝન ટિકિટ પણ મળશે.

R વૉલેટ દ્વારા ટિકિટ બુક કર્યા પછી પૅસેન્જરને કન્ફર્મેશન મેસેજ મળશે જેમાં બુકિંગ ID હશે. આ બુકિંગ IDની મદદથી પૅસેન્જરો સ્ટેશનો પર ATVM મશીનોમાં પોતાની ટિકિટ પ્રિન્ટ કરી શકશે.

અમુક શરતોને આધીન રહી આ ટિકિટો કૅન્સલ પણ કરી શકાશે. જોકે રિફંડ માટે UTS કાઉન્ટર પર લાઇન લગાવણ પડશે. એજ રીતે R વૉલેટ બંધ કરતાં જમા રકમ UTS કાઉન્ટર પરથી પાછી મળશે.