કમિશનર મળતા ન હોવાથી એમએનએસના કાર્યકરોનો કાર્યક્રમમાં રાડો

06 January, 2021 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમિશનર મળતા ન હોવાથી એમએનએસના કાર્યકરોનો કાર્યક્રમમાં રાડો

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરાર મહાનગરપાલિકાની પરિવહન સેવાનું નૂતનીકરણ કર્યા પછીનો લોકાર્પણનો કાર્યક્રમ ગઈ કાલે નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેના હસ્તે વસઈ-ઈસ્ટના વસંતનગરી મેદાનમાં યોજાયો હતો. પરિવહન સેવાની નવી બસમાં જીપીએસ સિસ્ટમ, ઑનબોર્ડ ડાયગ્રોસ્ટિક સિસ્ટમ, ઑનલાઇન ઇલેક્ટ્રૉનિક ટિકિટ મશીન, એલ.ઈ.ડી. ડેસ્ટિનેશન બોર્ડ વગેરે અત્યાધુનિક ટેક્નૉલૉજીની સુવિધા છે. પહેલાંની જેમ સિનિયર સિટિઝન, દિવ્યાંગજનો સહિત કૅન્સર પેશન્ટ, ડાયાલિસિસ વ્યક્તિને નિ:શુલ્ક પાસ સુવિધા અને વિદ્યાર્થીઓને સવલત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ‘ના નફા ના તોટા’ પર પરિવહન સેવા આપનારી વસઈ-વિરાર મહાનગરપાલિકા પ્રથમ જ પાલિકા છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત શિવસેનાના પદાધિકારીઓ, સંસદસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાર્યક્રમમાં અચાનક મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અમુક કાર્યકરો આવી પહોંચ્યા અને રાડો કરવા લાગ્યા હતા. વસઈ-વિરારમાં ગેરકાયદે થઈ રહેલાં બાંધકામોના સંદર્ભમાં કમિશનર અમને મળવાનો સમય આપે એવા સૂત્રોચ્ચાર સાથે ધમાલ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને તાબામાં લીધા હતા.

૨૦૧૨થી પરિવહન સેવા લોકો માટે શરૂ કરાઈ હતી, પરંતુ લૉકડાઉનના કાળમાં આ સેવા બંધ થઈ હતી. હવે નવો કૉન્ટ્રૅક્ટર નિયુક્ત કરીને ફરી પરિવહન સેવા શરૂ કરાઈ હતી, જેનું એક જાન્યુઆરીએ સ્થાનિક પક્ષ બહુજન વિકાસ આઘાડીએ ઉદ્ઘાટન ન કરતાં લોકોની સેવા માટે એને શરૂ કરી દીધી હતી.

mumbai mumbai news maharashtra navnirman sena