BMCની ત્રણ વર્ષથી ચૂંટણી ન થતી હોવાથી MNS ૨૬ એપ્રિલે મુંબઈમાં ભરશે શૅડો પાલિકા સભાગૃહ

22 April, 2025 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમામ રાજકીય પક્ષોના પ્રમુખ સહિત આદિત્ય ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું

રાજ ઠાકરે

રાજ્યના કારભાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગયા વર્ષે શૅડો કૅબિનેટ બનાવી હતી. જોકે રાજ ઠાકરેનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. હવે MNSએ ૨૬ એપ્રિલે પ્રતિપાલિકા સભાગૃહ એટલે કે શૅડો પાલિકા સભાગૃહ ભરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. ત્રણ વર્ષથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી નથી થઈ રહી અને કારભાર રાજ્ય સરકાર ચલાવી રહી છે ત્યારે એના પર નજર રાખવા માટે આવું આયોજન કરવામાં આવ્યું હોવાનું MNSના મુંબઈ અધ્યક્ષ સંદીપ દેશપાંડેએ કહ્યું હતું. શૅડો પાલિકા સભાગૃહમાં હાજર રહેવા માટે તમામ રાજકીય પક્ષોના પ્રમુખોની સાથે આદિત્ય ઠાકરેને પણ આમંત્રણ આપતો પત્ર તેમણે લખ્યો છે.

આ પત્રમાં સંદીપ દેશપાંડેએ લખ્યું છે કે ‘શૅડો પાલિકા સભાગૃહમાં જનતાના તમામ વિષય પર ચર્ચા કરવામાં આવે. MNS વતી ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના કાર્યાધ્યક્ષ સિદ્ધાર્થ કાંબળે, સમાજવાદી પાર્ટીના નેતા સઈશ શેખ, કૉન્ગ્રેસનાં મુંબઈ અધ્યક્ષ વર્ષા ગાયકવાડ, શિવસેનાના કૅબિનેટ પ્રધાન ઉદય સામંત અને આદિત્ય ઠાકરે સહિત તમામ રાજકીય પક્ષના પ્રમુખોને ૨૬ એપ્રિલે સાંજે ૬ વાગ્યે BMCના મુખ્યાલયની સામે આવેલા પત્રકાર ભવનમાં આયોજિત કરવામાં આવેલા શૅડો પાલિકા સભાગૃહમાં હાજર રહેવા માટેનું આમંત્રણ આપ્યું છે. ત્રણ વર્ષથી BMCની ચૂંટણી નથી થઈ રહી અને જનપ્રતિનિધિઓની ગેરહાજરી છે ત્યારે કારભાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.  

ઉદ્ધવ ઠાકરે સાથે યુતિ વિશે કંઈ ન બોલો : રાજ ઠાકરેનો આદેશ
MNSના નેતા સંદીપ દેશપાંડે અને પ્રકાશ મહાજન સહિતના અનેક નેતાઓએ ઉદ્ધવ ઠાકરે સાથે યુતિ કરવા બાબતે ચાલી રહેલી ચર્ચાનો જોરદાર વિરોધ કર્યો છે. તેઓ ઉદ્ધવ ઠાકરેએ ભૂતકાળમાં કરેલા વિશ્વાસઘાત મીડિયામાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને ગણાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે યુતિ બાબતે ૨૯ એપ્રિલ સુધી કંઈ ન બોલવાની સૂચના આપી હતી. રાજ ઠાકરે પરિવાર સાથે ઇન્ડોનેશિયાના બાલીમાં વેકેશન પર છે. તેમણે MNS અને ઉદ્ધવ ઠાકરે સાથેની યુતિની ‌સંવેદનશીલ બાબતે કોઈ નિવેદન ન કરવાનો મેસેજ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

maharashtra navnirman sena raj thackeray brihanmumbai municipal corporation bmc election aaditya thackeray political news maharastra maharashtra news news mumbai mumbai news