કરણ જોહરની કાકલૂદીની MNS પર કોઈ અસર ન થઈ

20 October, 2016 03:13 AM IST  | 

કરણ જોહરની કાકલૂદીની MNS પર કોઈ અસર ન થઈ



ફિલ્મમેકર કરણ જોહરની કાકલૂદીઓ અને ભવિષ્યમાં ક્યારેય મારી ફિલ્મમાં પાકિસ્તાનની ટૅલન્ટનો ઉપયોગ નહીં કરું એવી બાંયધરીઓની MNS પર કોઈ અસર થઈ નથી. કોઈ પણ સંજોગોમાં ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’ સિંગલ થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થવા ન દેવાના સંકલ્પ સાથે MNSના કાર્યકરોએ સાઉથ મુંબઈના મેટ્રો થિયેટરની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરનારા ૧૨ કાર્યકરોને પછીથી પોલીસે અટકાયતમાં લીધા હતા.

MNSના પ્રદર્શનકારી કાર્યકરોએ થિયેટરના મૅનેજમેન્ટને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’નો એક પણ શો ન યોજવાનો અનુરોધ કર્યો હતો. આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ઘટના વિશે જણાવ્યું હતું કે ‘MNSના કાર્યકરો મેટ્રો થિયેટરની બહાર સૂત્રોચ્ચાર કરતા હતા. પોલીસે તેમને શાંતિપૂર્વક વિરોધ-પ્રદર્શન કરવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ એ લોકો અમારી વાત સાંભળવાના મિજાજમાં નહોતા. અત્યાર સુધીમાં અમે MNSના ૧૨ કાર્યકરોને અટકાયતમાં લીધા છે.’

દરમ્યાન કરણ જોહરના બયાન બાબતે રાજ ઠાકરે પ્રણિત MNS તરફથી જણાવવામાં આવ્યું હતું કે કરણ જોહરને ખૂબ મોડી વાસ્તવિકતા સમજાઈ છે. MNSની ચિત્રપટ સેનાના હોદ્દેદાર અમેય ખોપકરે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને રાજ ઠાકરેને મYયા બાદ જણાવ્યું હતું કે ‘અમે ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝ રોકવા બાબતે મક્કમ છીએ. જે રીતે મેટ્રો થિયેટરની બહાર દેખાવો કરવામાં આવ્યા એ રીતે બધાં થિયેટરોની બહાર પક્ષના કાર્યકરો દેખાવો કરશે.’

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ભૂમિકાને કારણે ‘અય દિલ હૈ મુશ્કિલ’ના વિરોધની MNSની ધમકીને પગલે ફિલ્મના નિર્માતા કંપની ધર્મા પ્રોડક્શન્સ તથા નિર્માતાઓના સંગઠનને શહેરના પોલીસ-કમિશનર દત્તા પળસળગીકરે પોલીસ-રક્ષણની બાંયધરી આપી હતી. એથી એ ફિલ્મ રિલીઝ કરવાની તારીખ ૨૮ ઑક્ટોબરે સંબંધિત થિયેટરોની આસપાસ પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવશે.

ફિલ્મ રિલીઝ કરવા બાબતે MNS તરફથી શહેરનાં તમામ ટોચનાં મલ્ટિપ્લેક્સને ચેતવણી આપવામાં આવી છે. ફિલ્મના બહિષ્કારમાં જોડાયેલી કામગાર સેનાના પ્રમુખ મનોજ ચવાણે જણાવ્યું હતું કે ‘થિયેટરોમાં ૭૫ ટકા સ્ટાફ અમારા સંગઠનના સભ્ય છે. એથી જો એક્ઝિબિટર્સ ફિલ્મ રિલીઝ કરે તો પણ અમારા સંગઠનના સભ્ય કર્મચારીઓ ફિલ્મના પ્રદર્શન વખતે અસહકાર કરશે અને એને કારણે ક્રાઉડ-મૅનેજમેન્ટ તથા સ્ક્રીનિંગનાં કામો ખોરવાશે. મલ્ટિપ્લેક્સ બહારથી કર્મચારીઓની મદદ મેળવી શકે એમ નથી, કારણ કે આ કામો ટેક્નિકલ છે અને એમાં સ્પેશ્યલિસ્ટ્સ જોઈએ. જોકે બહિષ્કારમાં હિંસા નહીં થાય. અમે લોકતાંત્રિક રીતે વિરોધ વ્યક્ત કરીશું.’