04 August, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાઈરલ વિડિયોમાંથી સ્ક્રીન શૉટ
નવી મુંબઈના પનવેલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ એક ડાન્સ-બારમાં તોડફોડ (MNS on Panvel Bar) કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ એક બયાન આપ્યું હતું અને જેમાં રાયગઢમાં ડાન્સ-બારની વધતી સંખ્યાને લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાનીમાં આટલા બધા ડાન્સ-બાર હોવા એ બિલકુલ શોભનીય નથી. બસ, પછી તો શનિવારની મોડી રાત્રે કાર્યકર્તાઓએ લાકડીઓ ફટકારીને પનવેલમાં આવેલા નાઈટ રાઈડર નામના ડાન્સ-બારમાં તોડફોડ કરી હતી. મનસેએ આરોપ લગાવ્યો છે કે પનવેલ વિસ્તારમાં ઘણા ગેરકાયદે ડાન્સ-બાર ચાલી રહ્યા છે. આવા ડાન્સ-બાર એ સામાજિક દુષણ છે.
રિપોર્ટ પ્રમાણે શનિવારે રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ મનસેના કાર્યકરોએ પનવેલમાં આવેલા `નાઇટ રાઇડર` નામના ડાન્સ-બારમાં છાપો માર્યો (MNS on Panvel Bar) હતો. મુંબઈ-પુણે એક્સપ્રેસવેની નજીક સ્થિત આ ડાન્સ-બાર મોડી રાત સુધી ખુલ્લો જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા મનસેના કાર્યકર્તાઓએ લાકડીઓ અને સળિયાઓ લઈને બારમાં તોડફોડ કરી મૂકી હતી. યોગેશ છિલેના નેતૃત્વમાં ગઈકાલે રાત્રે ડાન્સ-બાર `નાઇટ રાઇડર્સ`માં તોડફોડ કરવામાં આવી હતી. શરૂઆતમાં કાર્યકર્તાઓએ ત્યાં પહોંચીને ડાન્સ-બાર વિરુદ્ધ નારાબાજી કરી હતી. ત્યારબાદ કાર્યકર્તાઓએ બારમાં અન્ડર ઘુસી જઈને ખુરશીઓ, ટેબલ અને અન્ય સામગ્રીઓને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું.
આ ઘટનાનો વિડિયો અહીં જોઈ શકાય છે
આ સમગ્ર ઘટના (MNS on Panvel Bar) અંગે યોગેશ છિલેએ જણાવ્યું હતું કે, "આ છત્રપતિ શિવાજીની ભૂમિ છે. અમે અહીં આવી ગંદી પ્રવૃત્તિને જરાય ચલાવી નહીં લઈએ. અધિકારીઓએ વારંવાર આ અંગે ફરિયાદ કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તો માત્ર એક ઈશારો છે. પનવેલના તમામ ગેરકાયદે ડાન્સ-બાર બંધ થવા જોઈએ, નહીં તો મનસે તેની પોતાની સ્ટાઇલમાં જવાબ આપશે."
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાયગઢમાં ડાન્સ-બારની વધતી (MNS on Panvel Bar) સંખ્યાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. રાજ ઠાકરે શેતકારી કામગાર પાર્ટીની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં ત્યાં પહોંચ્યા હતા તે સમયે તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાયગઢ એ છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની છે. આ જિલ્લાનું નામ તેના કિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે જ્યાંથી મહારાજાએ શાસન કર્યું હતું. છત્રપતિ શિવાજીના પવિત્ર સ્પર્શથી પવ્મ થયેલ એવા રાયગઢ જિલ્લામાં જ સૌથી વધુ ડાન્સ-બાર ચાલી રહ્યા છે. અને આ બધા ડાન્સ-બાર કોના માલિકીના છે? અમરાઠી લોકો છે. અને મરાઠી લોકોને અહીં-તહીં નીચોવવામાં આવી રહ્યા છે. તમને લાગે કે તમારી પ્રવૃત્તિઓથી મહારાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે, તો ભાનમાં આવી જજો. આંખો અને કાન બંધ ન કરશો. આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપો, નહીં તો આપણે ભવિષ્યમાં અફસોસ થશે.
રાજ ઠાકરેના આ નિવેદનના થોડાક જ કલાકોમાં તો સમર્થકોએ મોડી રાત્રે પનવેલમાં એક ડાન્સ-બાર પર છાપો મારીને તોડફોડ કરી મૂકી હતી.