નોટિસ મળ્યા છતાં MNSના નેતા સવિનય કાનૂનભંગ કરવા માટે છે તૈયાર

21 September, 2020 10:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

નોટિસ મળ્યા છતાં MNSના નેતા સવિનય કાનૂનભંગ કરવા માટે છે તૈયાર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો સામાન્ય મુંબઈગરાઓ માટે શરૂ કરો, નહીંતર કાયદાનો સવિનય ભંગ કરીને અમે સોમવારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીશું એવી ચીમકી આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના સેક્રેટરી સંદીપ દેશપાંડેને મધ્ય રેલવે અને દાદર પોલીસે નોટિસ મોકલી છે. એ નોટિસમાં કહેવાયું છે કે કોરોનાના કટોકટીભર્યા કાળમાં નિયમનો ભંગ કરીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો નહીં. જો તમે સરકારી નિયમોનો ભંગ કરશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે નોટિસ મળ્યા છતાં તેઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરશે એવું જાણવા મળ્યું છે.

એમએનએસના સેક્રેટરી સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘દૂરનાં પરાંમાં રહેતા મુંબઈગરાઓને હાલમાં ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી ન હોવાથી તેમના કામ-ધંધા અને નોકરીના સ્થળે પહોંચવામાં બહુ હાડમારી વેઠવી પડે છે. કલાકો સુધી બાય રોડ પ્રવાસ કરવો પડે છે, જે આર્થિક રીતે તેમને મોંઘું પડી રહ્યું છે. બીજું, રોડ પર થતા પ્રચંડ ટ્રાફિક જૅમને કારણે તેમણે કલાકો સુધી પહેલાં તો બસની લાઇનમાં અને પછી ટ્રાફિકમાં અટવાવાને કારણે હાડમારી ભોગવવી પડે છે. એથી સામાન્ય લોકોને પણ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવી જોઈએ.’

તેમણે એ માટે સોમવારે તેમના કાર્યકરો સાથે ટ્રેનમાં પ્રવાસ કરીને કાયદાનો સવિનય ભંગ કરવાની હાકલ કરી છે. જોકે મધ્ય રેલવે અને દાદર પોલીસે તેમને મોકલાવેલી નોટિસમાં કહ્યું છે કે જો તેઓ કાયદાનો ભંગ કરીને તેમના કાર્યકરો સાથે પ્રવાસ કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે.

mumbai mumbai news mumbai local train indian railways western railway maharashtra navnirman sena