મોનોરેલ માટે ચીનની કંપનીઓનાં ટેન્ડર MMRDAએ ફગાવ્યાં

20 June, 2020 01:04 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મોનોરેલ માટે ચીનની કંપનીઓનાં ટેન્ડર MMRDAએ ફગાવ્યાં

મોનોરેલ

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના તંત્રે મોનોરેલના દસ પ્રોજેક્ટ માટે ચીની કંપનીઓનાં ટેન્ડર ફગાવી દીધાં હતાં. ભારત અને ચીન વચ્ચે સરહદ પર તનાવના માહોલમાં રેલવે અને ભારત સંચાર નિગમ પછી રાજ્ય સરકારના તંત્રે પણ ચીન સાથે આર્થિક અસહકારની દિશામાં સક્રિયતા દાખવી હતી. એમએમઆરડીએના દસ મોનોરેલ પ્રોજેક્ટ માટે બે ચીની કંપનીઓનાં ટેન્ડર આવ્યાં હતાં. ટેન્ડર મોકલ્યા પછી એ કંપનીઓ વારંવાર ધારાધોરણો, નીતિનિયમો-શરતોમાં ફેરફારો-સુધારા કરવાની માગણીઓ કરતી હતી; પરંતુ હવે ચીની કંપનીઓ જોડેની સમગ્ર ટેન્ડરિંગ પ્રોસેસ રદબાતલ કરવામાં આવી છે.

હવે એ એમએમઆરડીએના મોનોરેલ પ્રોજેક્ટ માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને અગાઉ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ નામે ઓળખાતી બીઈએમએલ લિમિટેડ જેવી કંપનીઓને કૉન્ટ્રૅક્ટ સોંપવાની તૈયારી ચાલે છે. ભારત અને ચીન વચ્ચે સરહદી તંગદિલીને ધ્યાનમાં રાખતાં અગાઉ ભારત સંચાર નિગમને ચીની બનાવટનાં સાધનોનો વપરાશ ઘટાડવાના નિર્દેશો આપ્યા છે. દૂરસંચાર મંત્રાલયે ભારત સંચાર નિગમને ચીની કંપનીઓ સાથેના સંબંધો ઘટાડવાની સૂચના આપી છે. એ ઉપરાંત ગલવાન સરહદે અશાંતિને કારણે ભારતીય રેલવેએ ચીની કંપનીઓ જોડેના 400 કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ્સ રદ કર્યા છે. બીજિંગ નૅશનલ રેલવે રિસર્ચ ઍન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિગ્નલ ઍન્ડ કમ્યુનિકેશન્સ સાથેના 471 કરોડ રૂપિયાના કાનપુર દીનદયાલ ઉપાધ્યાય સેક્શનની 417 કિલોમીટરના કૉરિડોરના કૉન્ટ્રૅક્ટ્સનો પણ સમાવેશ છે.

mumbai mumbai monorail mumbai news