અણ્ણાના આંદોલન માટે મેદાનનું ભાડું કન્સેશન બાદ હવે ૭.૭૮ લાખ રૂપિયા

24 December, 2011 05:05 AM IST  | 

અણ્ણાના આંદોલન માટે મેદાનનું ભાડું કન્સેશન બાદ હવે ૭.૭૮ લાખ રૂપિયા



અનેક તર્કવિતર્ક બાદ સરકારી લોકપાલ વિરુદ્ધ અણ્ણા હઝારેના ઉપવાસ આંદોલન માટે છેવટે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)નું ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યું છે.  પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા આ મેદાનને ભાડે લેવામાં આવ્યું છે. મેદાનને ભાડે આપતાં પહેલાં કોઈ પણ જાતનું કન્સેશન આપવાનું અગાઉ એમએમઆરડીએ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો, પણ પછી કન્સેશન આપવામાં તો આવ્યું. આ અગાઉ ભાડું ૧૦.૮૦ રૂપિયા પ્રતિચોરસ મીટર હતું, જે કન્સેશન આપી ૬.૮૦ રૂપિયા પ્રતિચોરસ મીટર કરવામાં આવ્યું હતું. જોકે અણ્ણાના સમર્થકો એનાથી બહુ ખુશ નહોતા જણાયા.


આઇએસી (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન)ના સભ્યોમાંના પ્રફુલ વોરા તથા મયંક ગાંધી મેદાનના ભાડાની રકમ ચૂકવવા માટે ગઈ કાલે સાંજે બીકેસીમાં આવેલા એમએમઆરડીએના હેડક્વૉર્ટર્સમાં આવ્યા હતા. ડેપ્યુટી મેટ્રોપૉલિટન કમિશનર અનિલ વાનખેડે સાથેની વાતચીત દરમ્યાન કેટલાક સભ્યોએ અન્ય મેદાન આપવાની માગણી કરી હતી. જોકે એને નકારી કાઢવામાં આવી હતી. અત્યારે અણ્ણાના આંદોલન માટે આપવામાં આવેલા મેદાનમાં ઘણા ખાડા છે અને એ અસમથળ છે  જેની ચિંતા સભ્યોને સતાવતી હતી.


એમએમઆરડીએ દ્વારા  ૨૬થી ૩૦ ડિસેમ્બર સુધી આઇએસીને સોંપવામાં આવેલું મેદાન ૨૦,૦૦૦ સ્ક્વેરફૂટનું છે, જેમાં ૧૦,૦૦૦ સ્ક્વેરફૂટ પાર્કિંગની જગ્યા છે. પહેલો તથા અંતિમ દિવસ પંડાલ બાંધવાના તથા કાઢવાના કામ માટે ઉપયોગમાં લેવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ ૨૭ ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બર સુધીનો છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર એનજીઓ (નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન) એ એમએમઆરડીએને પાંચ દિવસના ભાડા પેટે ૭.૭૮ લાખ રૂપિયા તથા વધારાની રીફન્ડેબલ સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે ૫.૨૯ લાખ રૂપિયા ભર્યા હતા.

હાઈ ર્કોટમાં ‘અણ્ણા’ને નો એન્ટ્રી

ભ્રષ્ટાચાર સામે લડી રહેલા સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને પોતાનો આદર્શ માનતા અને તેમને આજના ગાંધી માનતા રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહ ગઈ કાલે હાઈ ર્કોટમાં ‘મી અણ્ણા હઝારે આહે’ની ટોપી અને જેના પર માત્ર અણ્ણા હઝારેનો ફોટોગ્રાફ હતો એવો કુરતો પહેરીને ગયા હતા, પણ પોલીસે તેમને ટોપી ર્કોટના પ્રિમાઇસિસમાં જ કાઢી નાખવા કહ્યું હતું અને તેમણે અણ્ણા હઝારેના ફોટોગ્રાફ્સવાળો કુરતો પહેર્યો હોવાથી ર્કોટમાં પણ એન્ટ્રી આપી નહોતી. વીરેન શાહે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું હું અણ્ણાને મારા આદર્શ માનું છું અને તેમના ફોટોગ્રાફવાળો કુરતો પહેરી ર્કોટમાં જવા માટે મને કેમ રોકવામાં આવ્યો છે એવા સવાલનો પોલીસ પાસે કોઈ જવાબ નહોતો. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડ સંબંધી અરજીની સુનાવણીમાં હાજરી આપવા તેઓ હાઈ ર્કોટ ગયા હતા.