ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરની જાહેરાતથી વિવાદ

26 December, 2011 03:28 AM IST  | 

ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરની જાહેરાતથી વિવાદ



સપના દેસાઈ


મુંબઈ, તા. ૨૬

જેમાં તેમણે રાજ્યમાં તેમની સરકાર આવે તો વર્ષના ૩૬૫ દિવસ માટે રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપીશું એવી જાહેરાત કરી હતી. જોકે તેમની આ જાહેરાતને કૉન્ગ્રેસે વાહિયાત ગણાવી હતી, તો નૉઇઝ પોલ્યુશન સામે વર્ષોથી લડી રહેલી એક બિનસરકારી સંસ્થાએ તેમની આ જાહેરાતને એક નર્યો પૉલિટિકલ સ્ટન્ટ ગણાવી હતી.

શનિવારે સાંજે ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરે કાંદિવલી (વેસ્ટ)માં આવેલા ભૂરાભાઈ આરોગ્યભવનમાં એક ડાયરો રાખ્યો હતો. એમાં બીજેપીના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. ડાયરો મજાનો જામ્યો હતો એ દરમ્યાન જ સ્ટેજ પર ગુજરાતના એક વિધાનસભ્યના સ્વાગતસમારંભ દરમ્યાન ઉત્સાહમાં આવીને યોગેશ સાગરે મહારાષ્ટ્ર રાજ્યમાં મારી અને ગોપાલ શેટ્ટી (બોરીવલીના વિધાનસભ્ય)ની સરકાર આવે તો અમે વર્ષના ૩૬૫ દિવસ લાઉડસ્પીકર રાતે બાર વાગ્યા સુધી વગાડવાની મંજૂરી આપીશું એ પ્રકારની જાહેરાત કરી હતી. અત્યારે સુપ્રીમ ર્કોટના આદેશ મુજબ વર્ષના ફક્ત ૧૫ દિવસ જ રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી છે ત્યારે યોગેશ સાગરે મોટે ઉપાડે કરેલી આ જાહેરાતને ડાયરામાં હાજર રહેલા શ્રોતાઓની સાથે અન્ય પાર્ટીના નેતાઓએ પણ એક પૉલિટિકલ સ્ટન્ટ ગણાવ્યો હતો.

ગોપાલ શેટ્ટીએ હાથ ખંખેર્યા
‘મિડ-ડે’એ યોગેશ સાગર સાથે તેમની આ પ્રકારની જાહેરાત બાબતે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે પહેલાં તો તમામ વાત સાંભળી લીધી હતી અને જ્યારે જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે ‘પાંચ મિનિટમાં ફોન કરું છું’ કહીને ફોન મૂકી દીધો હતો. ત્યાર બાદ વારંવાર ફોન કર્યા અને મોબાઇલ પર મેસેજ મોકલ્યા છતાં તેમણે ‘મિડ-ડે’ સાથે વાત કરવાનું ટાYયું હતું, પણ ડાયરામાં હાજર રહેલા મુંબઈ બીજેપીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને બોરીવલીના વિધાનસભ્ય ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યોગેશ સાગર જે કાંઈ બોલ્યા હતા એ પાર્ટીનું નહીં પણ તેમનું પોતાનું અંગત સ્ટેટમેન્ટ હતું. જોકે તેમની એ જાહેરાતમાં કાંઈ ખોટું નથી. રાજ્યમાં અને કેન્દ્રમાં અમારી સરકાર આવે તો અમે લાઉડસ્પીકર ૧૨ વાગ્યા સુધી વગાડવા માટે જે ૧૫ દિવસ છે એમાં થોડા દિવસ વધારીને ૩૦ દિવસ કરવા બાબતે ચોક્કસ વિચારીશું અને એમાં કાંઈ ખોટું પણ નથી.  મુંબઈ કોસ્મોપૉલિટન સિટી છે અને અનેક ધર્મના લોકો અહીં રહે છે તે તમામ લોકોના તહેવાર ઊજવવા માટે આટલા દિવસ તો જોઈએ જ.’

આવાઝ ફાઉન્ડેશન શું કહે છે?
વર્ષના ૩૬૫ દિવસ રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપવાની યોગેશ સાગરની જાહેરાત એ એક નર્યો પૉલિટિકલ સ્ટન્ટ છે એવું બોલતાં નૉઇઝ પોલ્યુશન સામે વર્ષોથી લડી રહેલા આવાઝ ફાઉન્ડેશનના સ્થાપક સુમેરા અબ્દુલ અલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં સુધરાઈની ચૂંટણી નજીક આવી રહી હોવાથી તેમનું આ સ્ટેટમેન્ટ એનો જ એક ભાગ લાગે છે. રાજ્યમાં તેમની સરકાર આવે તો પણ તેમણે કરેલી જાહેરાતનો અમલ કરાવવાનું તેમની સરકાર માટે એટલું સરળ નથી. રાતે ૧૨ વાગ્યાની ડેડલાઇન વર્ષના ૩૬૫ દિવસ માટે કરાવવી હોય તો એને માટે કાયદામાં અમેન્ડમેન્ટ લાવવાની સત્તા ફક્ત મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ ઍન્ડ ફૉરેસ્ટ (એમઓઈએફ) ડિપાર્ટમેન્ટને જ છે. જોકે તેમને માટે પણ આ કાયદામાં ફેરફાર લાવવો એટલો સરળ નથી, કારણ કે સુપ્રીમ ર્કોટના આદેશ મુજબ વર્ષના ફક્ત ૧૫ દિવસ જ રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાય છે અને સુપ્રીમ ર્કોટના આદેશની વિરુદ્ધ જવું શક્ય નથી.’

કૉન્ગ્રેસ શું કહે છે?
સુમેરા અબ્દુલ અલી સાથે સહમત થતાં નૉર્થ મુંબઈના સંસદસભ્ય અને મુંબઈ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રવક્તા સંજય નિરુપમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમની આ જાહેરાત એકદમ વાહિયાત છે. તેઓ આવી જાહેરાત કરીને સુપ્રીમ ર્કોટના આદેશનું અપમાન કરી રહ્યા છે.’