મીઠીબાઈ કૉલેજે અમુક કોર્સની ફીમાં કર્યો છે તોતિંગ વધારો

09 July, 2020 04:01 PM IST  |  Mumbai | Pallavi Smart

મીઠીબાઈ કૉલેજે અમુક કોર્સની ફીમાં કર્યો છે તોતિંગ વધારો

તમામ કોર્સની ફીમાં આડેધડ વધારો કરાયો હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. ફાઇલ ફોટોગ્રાફ

મહામારીના કારણે મોટા ભાગના લોકો નાણાકીય ભીડનો સામનો કરી રહ્યા છે ત્યારે શાળાઓ બાદ હવે કૉલેજો વિરુદ્ધ ફી વધારવા બદલ ફરિયાદો ઊઠી રહી છે. મીઠીબાઈ કૉલેજના વિદ્યાર્થીઓએ તેમના વાર્ષિક ફી માળખામાં થયેલા ધરખમ વધારા સામે અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષે કૉલેજોને ફી ન વધારવા જણાવનાર મુંબઈ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા ઘડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું આ સ્પષ્ટ ઉલ્લંઘન છે.
જૂનના છેલ્લા અઠવાડિયામાં વિલે પાર્લેસ્થિત આ કૉલેજે આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. કેટલાક અભ્યાસક્રમો માટે ફી ૫૦ ટકા કરતાં વધુ વધારાઈ છે. બાયોટેક્નૉલૉજી ડિગ્રી કોર્સની થર્ડ યરની ફી ૩૮,૦૦૦ હતી એ હવે ૬૦,૦૦૦ રૂપિયા છે. માસ્ટર ઑફ આર્ટ્સ કોર્સની ફી ૧૫,૦૦૦ રૂપિયા હતી એ હવે ૨૫,૦૦૦ રૂપિયા છે. એમએસસી કેમિસ્ટ્રીના કોર્સની ફી ૪૦,૦૦૦ રૂપિયા હતી એ હવે ૫૦,૦૦૦ રૂપિયા છે. બેચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ (બીએમએસ) અને બેચલર ઑફ બૅન્કિંગ ઍન્ડ ઇન્શ્યૉરન્સ (બીબીઆઇ)ની ફી અનુક્રમે ૨૨,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૭,૦૦૦ રૂપિયા અને ૨૯,૦૦૦ રૂપિયાથી વધારીને ૩૫,૦૦૦ રૂપિયા કરી દેવાઈ છે.
૨૬ જૂનના રોજ ઍડ્મિશન શરૂ કર્યાં બાદ અમને ૩૦ જૂન સુધીમાં સમગ્ર ફી ચૂકવવાનું જણાવવામાં આવ્યું હતું. અમારામાંથી ઘણા માટે એ અશક્ય હતું. ઘણાએ કૉલેજના પ્રિન્સિપાલને ઈ-મેઇલ્સ પાઠવ્યા અને જણાવ્યું કે અમે સૌ મહામારીના કારણે લૉકડાઉનના આર્થિક ફટકાનો સામનો કરી રહ્યા છીએ. કૉલેજના વહીવટી તંત્રએ ત્યાર બાદ સમયમર્યાદા વધારી અને અમને બે હપ્તામાં ચુકવણી કરવાની પરવાનગી આપી છે, પરંતુ એનાથી અમારી ફરિયાદ ઉકેલાતી નથી, કારણ કે આવા સમયે ફી વધારવી એ સ્વયં મુશ્કેલીજનક બાબત છે, એમ એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું.
આ મામલે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજપાલ હાંડેનો સંપર્ક સાધી શકાયો ન હતો.

pallavi smart mumbai mumbai news mithibai college