૪૦થી વધુ વેપારીને છેતરનારો ‘મિસ્ટર નટવરલાલ’ પકડાયો

14 December, 2012 05:52 AM IST  | 

૪૦થી વધુ વેપારીને છેતરનારો ‘મિસ્ટર નટવરલાલ’ પકડાયો



કંગાળ થઈ ગયેલા એક બિઝનેસમૅને છેતરપિંડી કરીને છેલ્લાં ચાર વર્ષમાં અનેક હોલસેલરોને છેતર્યા હતા. આખરે સોમવારે ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૨એ તેની તેના સાથીદાર સાથે ધરપકડ કરી હતી. પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘૪૦ વર્ષના પુરણચંદ જૈને છેલ્લાં ચાર વર્ષમાં ૪૦ કરતાં વધારે બિઝનેસમેન સાથે છેતરપિંડી કરી હતી. તેની સામે એલ. ટી. માર્ગ, પાયધુની અને અંધેરી પોલીસ-સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે. અમે આ કામમાં તેને મદદ કરનાર સાગરીત કિશનસિંહ રાજપૂતની પણ ધરપકડ કરી છે.’

આરોપીની ગુનો કરવાની પદ્ધતિ વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘પુરણચંદ હાર્ડવેરના બિઝનેસમાં કાર્યરત હતો, પણ એમાં નિષ્ફળતા મળતાં કંગાળ થઈ ગયો હતો. જોકે તેને હાર્ડવેર સેક્ટર સાથે જોડાયેલી બાબતોનો ખ્યાલ હોવાથી તે હોલસેલરોને ફોન કરીને તેમને લગભગ બે લાખ રૂપિયાની કિંમત સુધીનો બલ્કમાં ઑર્ડર આપતો હતો.  એક વખત માલ ડિલિવર થઈ જાય એ પછી આરોપી કોઈ પેમેન્ટ કર્યા વગર એને લઈને ભાગી જતો હતો.’

ભારે પ્રયાસ પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આખરે સોમવારે તેના બોરીવલીના રહેઠાણનો પત્તો મેળવવામાં સફળ થયા હતા.

એલ. ટી. = લોકમાન્ય તિલક