ધારાવીમાં હવે મિશન ઝીરો

09 July, 2020 08:10 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

ધારાવીમાં હવે મિશન ઝીરો

મુંબઈમાં કોરોનાની સંખ્યા વધી રહી છે ત્યારે ધારાવીમાં ગઈ કાલે માત્ર એક કોરોના સંક્રમિત કેસ મળ્યો હતો. ધારાવી વિસ્તારમાં કોરોના પર નિયંત્રણ આવતાં પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. ધારાવીમાં કોરોનાના કેસ પર લગામ આવવાથી કોરોના પેશન્ટ્સ માટેના ૧૦૦૦ રિઝર્વ બેડને ઓછા કરી અન્ય જગ્યાએ એ બેડનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે. ધારાવીમાં કોરોના કેસ ઝીરો કરવા મેયર કિશોરી પેડણેકરે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં નીચે મુજબ સ્ટ્રૅટેજી કહી હતી.
નિયમિત ધોરણે ડોર ટુ ડોર સ્ક્રીનિંગ એનજીઓ તેમ જ વિવિધ સંસ્થાઓ, સોશ્યલ વર્કર દ્વારા મળીને નિયમિત ધોરણે ડોર ટુ ડોર સ્ક્રીનિંગ કરીએ છીએ જેથી કોઈ શંકાસ્પદ કેસ મળે તો તરત જ તેને સારવાર આપવામાં આવતી હતી. આ ઉપરાંત કમ્યુનિટી ટૉઇલેટને નિયમિત ધોરણે સૅનિટાઇઝ કરાય છે. કોવિડ-19ની ઓપીડી પણ ચલાવી હતી.
ક્વૉરન્ટીન પર ફોક્સ વધાર્યું
સર્વેક્ષ્ણ કરતાં કોરોનાનાં સામાન્ય લક્ષણ જણાય તો પણ તેને ક્વૉરન્ટીન કરી દેતા અને પેશન્ટ જેના સંપર્કમાં આવ્યો હોય એવા નજદીકના લોકોને પણ ક્વૉરન્ટીન કરી દેતા અને ૧૦ દિવસ સુધી તેમના પર વૉચ રખાતી. જો કોરોનાનાં લક્ષણો દેખાય તો સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવતા હતા. કોરોનાનાં લક્ષણો દેખાય નહીં તો તેમને છુટા કરી દેતા હતા. આમ કરવાથી કોરોનાની ચેઇનને તોડવામાં સફળતા મળી હતી. ધારાવીના અલગ-અલગ વિસ્તારમાં બીએમસીએ ક્વૉરન્ટીન સેન્ટર બનાવ્યાં હતાં, જેમાં કુલ ૩૮૦૦ બેડ મુકાયા હતા. ધારાવીમાં કેસ ઓછા થઈ જવાથી આમાંથી ૧૦૦૦ બેડનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવાનો વિચાર ચાલી રહ્યોછે.

ધારાવીના લોકોએ પ્રશાસનને આપ્યો સહકાર
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે પેશન્ટોએ પણ સારો સહકાર આપ્યો હતો. ક્વૉરન્ટીન સેન્ટરમાં પ્રશાસન તરફથી જે પણ ખાવા-પીવાનું આપવામાં આવતું એનો સ્વીકાર કર્યો હતો અને પ્રશાસને પણ ધારાવીના લોકોની પૂરતી સંભાળ લીધી હતી. ધારાવીના લોકોએ પોતાને ઇમ્પ્રૂવ કર્યું છે, અમારાં નાનાં ઘર છે એમ કરીએ તેઓ રડતા નહોતા. પોતે જ પોતાને ઘરમાં ક્વૉરન્ટીન કરી દેતા હતા, હાથને વારંવાર સૅનિટાઇઝ કરતા, માસ્ક લગાવતા. એક ઘરમાં ચાર વ્યક્તિ રહેતી હોય તો પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ મેઇન્ટેઇન કર્યું હતું. કોરોના વાઇરસથી કેમ બચીને રહેવું એ તેઓ શીખી ગયા હતા.
ધારાવીમાં કેસ ઝીરો કરવાનો ફ્યુચર પ્લાન શું છે એ બાબતે ‘જી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ધારાવીમાં સ્ક્રીનિંગ ચાલુ જ રાખીશું. આ ઉપરાંત ફીવર કૅમ્પ, ફીવર ટેસ્ટિંગ કરીશું, જેથી જો કોઈ શંકાસ્પદ કેસ હોય તો એ તરત સામે આવી જાય અને તેની તરત જ સારવાર થઈ શકે. ધારાવીમાં માત્ર એક કેસ મંગળવારે મળતાં એમ ન કહીં શકાય કે હવે નવો કેસ મળશે જ નહીં. અમારા હાથમાં એ નથી કે કોરોનાના કેટલા કેસ હાથમાં આવશે, પરંતુ કોરોનાનાં સામાન્ય લક્ષણ દેખાતાં વ્યક્તિને સાચા સમયે શોધીને તેની ટેસ્ટ કરાવવી જેથી કોરોનાને વધારે ફેલાતો અટકાવી શકાય.’

ક્યારે કેટલા નવા કેસ?
તારીખ નવા મળેલા કેસ કુલ કેસ
૨ જુલાઈ ૧૯ ૨૩૦૧
૩ જુલાઈ ૦૮ ૨૩૦૯
૪ જુલાઈ ૦૨ ૨૩૧૧
૫ જુલાઈ ૧૨ ૨૩૨૩
૬ જુલાઈ ૧૧ ૨૩૩૪
૭ જુલાઈ ૦૧ ૨૩૩૫
૮ જુલાઈ ૦૩ ૨૩૩૮

ધારાવીમાં માત્ર એક કેસ મંગળવારે મળતાં એમ ન કહી શકાય કે હવે નવો કેસ મળશે જ નહીં. અમારા હાથમાં એ નથી કે કોરોનાના કેટલા કેસ સામે આવશે, પરંતુ કોરોનાનાં સામાન્ય લક્ષણ દેખાતી વ્યક્તિને સાચા સમયે શોધીને તેની ટેસ્ટ કરાવવી જેથી કોરોનાને વધારે ફેલાતો અટકાવી શકાય. - કિરણ દિઘાવકર, ‘જી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર

mumbai mumbai news dharavi urvi shah-mestry