મુલુંડ : ગાયબ થયેલો રાજ જોશી ઘરે પાછો ફર્યો, રહસ્ય અકબંધ

06 December, 2012 07:03 AM IST  | 

મુલુંડ : ગાયબ થયેલો રાજ જોશી ઘરે પાછો ફર્યો, રહસ્ય અકબંધ




મુલુંડ (વેસ્ટ)ના એલબીએસ માર્ગ પર આવેલા વીણાનગરની સુમંગલ સોસાયટીમાં રહેતો અને મુલુંડની સેન્ટ જ્યૉર્જ હાઈ સ્કૂલનો એસએસસીનો ૧૫ વર્ષનો વિદ્યાર્થી રાજ જોશી બે દિવસથી ગુમ થયા પછી ગઈ કાલે સવારે સાડા છ વાગ્યે ઘરે પાછો ફર્યો હતો. રાજ જોશી સોમવારે સાંજે તેના ઘરેથી ૧૦૦ મીટરના અંતરે આવેલા ટ્યુશન ક્લાસિસમાંથી છૂટ્યા પછી ઘરે પાછો ફર્યો નહોતો એને લીધે તેના પરિવારે પોલીસ-ફરિયાદ કરી હતી. ગઈ કાલે સવારે રાજ પાછો ફરતાં જોશીપરિવારમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. જોકે રાજ જોશી ટ્યુશન ક્લાસિસમાં લેવાયેલી પરીક્ષામાં ત્રણેક વિષયોમાં ઓછા માર્ક આવતાં ડિપ્રેશનમાં આવીને ઘર છોડી ગયો હતો કે તેને કોઈક ઉપાડી ગયું હતું એ રહસ્ય હજી અકબંધ છે.

સોમવારે સાંજથી ક્લાસિસમાંથી ઘરે ન પહોંચતાં તેના પરિવારે ચિંતાતુર થઈ મુલુંડની આસપાસના વિસ્તારોમાં અને તેના મિત્રોના ઘરે રાજની તપાસ કરી હતી. આમ છતાં તે ન મળતાં પરિવારે મુલુંડ પોલીસ અને ક્રૉફર્ડ માર્કેટ પોલીસ-હેડક્વૉર્ટરના મિસિંગ ડિપાર્ટમેન્ટમાં રાજના ગુમ થયાની ફરિયાદ કરી હતી. પરિવારને રાજને પરીક્ષામાં ઓછા માર્ક મળ્યા છે એ વાતની જાણકારી તે ગુમ થયા પછી તેના ટ્યુશન ક્લાસિસના શિક્ષકો પાસેથી મળી હતી. દસમા ધોરણનો વિદ્યાર્થી છે.

ગઈ કાલે સવારે સાડા છ વાગ્યે રાજ તેની મેળે જ ઘરે પાછો ફર્યો હતો. જોકે તેના પરિવારે રાજ વધુ ડિપ્રેશનમાં ન આવી જાય એટલે બે દિવસ તે ક્યાં હતો એ બાબતની કોઈ જ પૂછપરછ કરવાનું ટાળ્યું હતું. જોકે રાજના પિતા મનોજ જોશીના એક મિત્રે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહેલી સવારે પાછા ફરેલા રાજે તેના ઘરે આવીને ફિલ્મી સ્ટાઇલની સ્ટોરી બનાવીને કહ્યું હતું કે મને માથામાં કોઈકે બામ્બુથી માર મારીને ટ્રેનમાં સુવડાવી દીધો હતો, જેનાથી હું અમદાવાદ પહોંચી ગયો હતો અને ત્યાંથી હું મારી મેળે મુલુંડ પાછો આવી ગયો હતો. આ સ્ટોરીમાં કેટલું સત્ય છે એ તો રાજ તેના પરિવાર સાથે શાંતિથી વાત કરશે ત્યારે જ ખબર પડશે.’

મનોજ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસ પછી ઘરે પાછા ફરેલા રાજને અમે હજી સુધી કોઈ જ સવાલ પૂછ્યા નથી. તે પાછો આવી જતાં અમારા ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે.’

એલબીએસ = લાલ બહાદુર શાસ્ત્રી, એસએસસી = સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ