ઘાટકોપરની લાપતા ગુજરાતી મહિલા એક મહિને મુલુંડમાંથી મળી આવી

19 November, 2014 05:51 AM IST  | 

ઘાટકોપરની લાપતા ગુજરાતી મહિલા એક મહિને મુલુંડમાંથી મળી આવી




રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં આવેલી પ્રણય સોસાયટીમાં રહેતાં અને ૧૧ ઑક્ટોબરથી ગુમ થયેલાં ૫૭ વર્ષનાં નયના શાહ ૧૭ નવેમ્બરે રાતના દસ વાગ્યે મુલુંડમાંથી મળી આવ્યાં હતાં. તેમના ગુમ થવાથી ટેન્શનમાં રહેતી સોસાયટીની મહિલાઓ નયનાબહેન ઘરે આવતાં આનંદમાં આવી ગઈ હતી. તેમના પાછાં આવવાથી સોસાયટીમાં દિવાળીનો માહોલ બની ગયો હતો. સૌએ સાથે મળીને ફટાકડા ફોડ્યા હતા તેમ જ સોસાયટીનાં નાનાં બાળકોથી લઈને મોટી વયના સૌએ ભેગા થઈને નયનાબહેનનું આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું. સૌની આંખો હરખનાં આંસુથી ભરાઈ ગઈ હતી. આ આખી ઘટનામાં પોલીસ તરફથી કોઈ જ સાથ-સહકાર મળ્યો નહોતો.

કેવી રીતે ગુમ થયાં?


મૂળ ખંભાતનાં જૈન દેરાવાસી નયનાબહેન માનસિક રીત અક્ષમ છે. તેઓ બોલી પણ શકતાં નથી. તેઓ એકલાં રહે છે. તેમના ભાઈ ત્રણ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા છે. ૧૧ ઑક્ટોબરના સાંજના સાડાછ વાગ્યે નયનાબહેન તેમનો ફ્લૅટ બંધ કરી બહાર ગયાં હતાં. અંદાજે રાતના સાડાઆઠ વાગ્યે તેમને ઘાટકોપર (વેસ્ટ)ની સવોર્દય હૉસ્પિટલ પાસે તેમના વિસ્તારના કોઈએ જોયાં હતાં. તેમણે સોનાનાં ઘરેણાં પહેરેલાં હોવાથી સોસાયટીના રહેવાસીઓ અને નયનાબહેનના કઝિન બ્રધર કીર્તિ શાહ વધુ ચિંતિત હતા. કીર્તિભાઈ સતત એક મહિનાથી તેમની બહેનને શોધવા દોડાદોડી કરી રહ્યા હતા. સદ્ભાગ્યે નયનાબહેન એક મહિના પછી હેમખેમ ઘરે પાછાં ફરતાં સોસાયટીના સભ્યો અને કીર્તિભાઈના પરિવારના સભ્યો ચિંતામુક્ત બની ગયા હતા.

કેવી રીતે મળી આવ્યાં?

નયનાબહેનને સોમવારે સાંજના ૬.૩૦ વાગ્યે તેમની સોસાયટીની જાણીતી મહિલાએ મુલુંડ (વેસ્ટ)ની હોટેલ વિશ્વભારતી પાસે જોયાં હતાં. તે સોસાયટીના અન્ય સભ્યોને સંપર્ક કરે એ પહેલાં જ નયનાબહેન ત્યાંથી જતાં રહ્યાં હતાં. ફોનની ખબર મળતાં જ સોસાયટીના સભ્યો અને કીર્તિભાઈ તરત જ મુલુંડ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે જૈન દેરાસરોની આસપાસના વિસ્તારમાં ખૂબ જ મહેનત કરતાં રાતે દસ વાગ્યે નયનાબહેન મળી ગયાં હતાં. તેમણે પહેરેલી સોનાની ચેઇન તેમનાથી જ ખોવાઈ ગઈ હતી. આ માહિતી આપતાં નયનાબહેને તેમના કઝિન બ્રધરને સમજાવ્યું હતું કે ‘એક મહિનામાં મને કંઈ જ તકલીફ પડી નહોતી. લોકોએ ખાવા-પીવાની બધી જ મદદ કરી હતી. મને દવા પણ લોકો ખવડાવીને મારું ધ્યાન રાખતા હતા, પરંતુ બોલી નહોતી શકતી એટલે કોઈનો સંપર્ક કરી ન શકી.’

અચાનક બનેલી આખી ઘટનાથી તેઓ સૂનમૂન થઈ ગયાં હતાં.

નપાવટ પોલીસ

આ આખી ઘટનામાં આ સોસાયટીના રહેવાસીઓને પોલીસનો ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. જ્યારે નયનાબહેન ગુમ થયાં ત્યારે તેમની મિસિંગની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં કરવા ગયેલા સોસાયટીના સભ્યોને પોલીસ કહ્યું હતું કે ઇલેક્શન ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી હમણાં તેઓ નયનાબહેનને શોધવાની કાર્યવાહી કરી શકશે નહીં, જેને લીધે મહિલાઓ સહિતના તેમના પાડોશીઓ તેમને શોધવા ચારે બાજુ દોડ્યા હતા. સોમવારે પણ મુલુંડ પોલીસે સોસાયટીના સભ્યોને શોધવામાં મદદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. પોલીસે તેમને જાતે શોધી લેવાની સુફિયાણી સલાહ આપી હતી.