ગુજરાતી વેપારીનો ચમત્કારિક બચાવ

23 May, 2022 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધારાની સાથે લિફ્ટની બહારની ગ્રિલ ખુલ્લી હોવાથી લિફ્ટ આવી હોવાનું માનીને અંદર પ્રવેશવા જતાં બીજા માળેથી નીચે લિફ્ટના ખાંચામાં પટકાયા ઃ માથા અને પગમાં થઈ ગંભીર ઈજા

ટોપ ક્લાસ બિલ્ડિંગની લિફ્ટ અને અહીંથી નીચે પટકાયા બાદ એક પ્રાઈવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અશોક દુબલ.


મુંબઈ ઃ વસઈમાં આવેલા વાલિવ ખાતે અકસ્માતની એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના બની છે. ૬૪ વર્ષના ગુજરાતી બિઝનેસમૅન લિફ્ટમાં બીજા માળેથી ઊતરવા જતી વખતે નીચે પટકાયા હતા. સાંજના સાતેક વાગ્યે થોડું અંધારું હતું અને લિફ્ટની બહારની કૉલેપ્સેબલ ગ્રિલ અડધી ખુલ્લી હતી એટલે લિફ્ટ આવી ગઈ હોવાનું માનીને વેપારી લિફ્ટના પૅસેજમાં ગયા હતા, પરંતુ લિફ્ટ ત્યાં નહોતી એટલે તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતા. આટલી ઊંચાઈએથી પડવાથી તેમને મલ્ટિપલ ફ્રૅક્ચર આવ્યાં હોવાથી તેઓ અત્યારે વસઈની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાલિવ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. સિનિયર સિટિઝન હોવાની સાથે બીજા માળ જેટલી ઊંચાઈએથી નીચે પડવું જીવલેણ બને, પણ આ વેપારી બાલબાલ બચી ગયા છે.
પોલીસના જણાવ્યા મુજબ વાલિવ વિસ્તારમાં આવેલા ટૉપ ક્લાસ બિલ્ડિંગની લિફ્ટમાં પ્રવેશવા માટેના પ્રયાસમાં ૬૪ વર્ષના અશોક ચીમનલાલ દુબલ ૧૯ મેએ સાંજે ૭ વાગ્યે બીજા માળેથી નીચે પટકાયા હતા. ડ્રેસ-મટીરિયલ પ્રિન્ટિંગનું કામકાજ કરતા અશોક દુબલે બીજા માળેથી નીચે ઊતરવા માગતા હોવાથી લિફ્ટનું બટન દબાવ્યું હતું. બીજા માળનું લિફ્ટનું બટન ગ્રીન થવાની સાથે બહારની ગ્રિલ ખુલ્લી હોવાથી લિફ્ટ આવી ગઈ હોવાનું સમજીને તેઓ અંદરની તરફ ગયા હતા અને નીચે પટકાયા હતા. અશોક દુબલ નીચે પડી ગયા હોવાની જાણ થયા બાદ આસપાસના લોકોએ તેમને બહાર કાઢીને નજીકની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. બે માળની ઊંચાઈએથી પડવાથી અશોક દુબલને માથા, ખભા અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. જોકે તેઓ ખતરાથી બહાર હોવાથી બોલી શકે છે અને આ ઘટના બાબતનું નિવેદન તેમણે પોલીસમાં નોંધાવ્યું છે. નીચે પડવાથી ઘાયલ થયેલા અશોક દુબલ વસઈ (ઈસ્ટ)માં આવેલા એવરશાઇન સિટીમાં પરિવાર સાથે રહે છે. 
વાલિવ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ સંદીપ પૈઠાણે આ મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ટૉપ ક્લાસ બિલ્ડિંગમાં લિફ્ટમાંથી અશોક દુબલ નીચે પડવાની ઘટનાનો ગુનો નોંધ્યો છે. આ બિલ્ડિંગના સેક્રેટરી અને ચૅરમૅનને બોલાવીને પૂછપરછ કરી છે. બહારની ગ્રિલ ખુલ્લી હોવા છતાં લિફ્ટ કેવી રીતે બીજા ફ્લોર પર જતી રહી એની તપાસ અમે કરી રહ્યા છીએ.’

 

mumbai news mumbai