માનવસેવા બની આશીર્વાદરૂપ

21 February, 2021 09:34 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

માનવસેવા બની આશીર્વાદરૂપ

કારનો આગળનો ભાગ અકસ્માતને કારણે કચડાઈ ગયો હતો

મુંબઈ જ નહીં, આખા કચ્છમાં જાણીતા વડાલા (ઈસ્ટ)માં ઍન્ટૉપ હિલમાં રહેતા એકાવન વર્ષના પીડિયાટ્રિક ઑર્થોપેડિક ડૉક્ટર તરલ નાગડા અને તેમનાં રેડિયોલૉજિસ્ટ પત્ની ડૉ. પુનિતા નાગડા માનવસેવામાં તત્પર રહેતાં હોવાથી એના આશીર્વાદરૂપે વલસાડ હાઇવે પર થયેલા ભીષણ અકસ્માતમાં તેમની કાર કચડાઈ ગઈ હોવા છતાં ચમત્કારિક બચાવ થતાં નવજીવન મળ્યું છે. ગંભીર અવસ્થામાં ડૉક્ટર દંપતીને પારડીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ડૉ. પુનિતાને એ જ હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જ્યારે ડૉ. તરલને હિન્દુજાની હૉસ્પિટલમાં શિફ્ટ કરીને ઑપરેશન કર્યું હોવાથી બન્ને હાલમાં આઇસીયુમાં સારવાર લઈ રહ્યાં છે, પરંતુ ગંભીર હાલતમાંથી બહાર આવ્યા છે.

મૂળ કચ્છ માંડવી તાલુકાના વીઢ ગામના કચ્છી વીસા ઓસવાળ સમાજના ડૉ. તરલ અને ડૉ. પુનિતા નાગડા અઠવાડિયા પહેલાં રાજસ્થાનની ટૂર પર ગયાં હતાં. જોધપુરથી મુંબઈ આવતી વખતે શુક્રવારે સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ લાલ કલરની એમએચ-૧૫એચજી૫૯૪૫ નંબર ધરાવતી મહિન્દ્ર જીપ ડ્રાઇવ કરીને બન્ને પાછા ઘરે આવી રહ્યાં હતાં. એ વખતે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વલસાડના પારડી ગામ નજીક શુગર ફૅક્ટરી પાસેથી પસાર થતી વખતે હાઇવેના ડિવાઇડર સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત વિશે જાણ થતાં વલસાડ ગ્રામીણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. કારને એક નજરે જોતાં એવું લાગી રહ્યું હતું કે કારમાં બેસેલા લોકોનો કદાચ જ જીવ બચી શકે, પરંતુ કારમાં રહેલી ઍર-બૅગ અકસ્માત વખતે ખૂલી જતાં તેમનો જીવ બચી ગયો હતો.   

વડાલામાં રહેતા કચ્છી દંપતી ડૉ. તરલ નાગડા અને તેમનાં પત્ની ડૉ. પુનિતા નાગડાનો ભીષણ અકસ્માત થતાં ચમત્કારિક બચાવ થયો હતો 

માનવસેવા એ જ પ્રભુસેવા એવું માને છે

મુલુંડમાં રહેતા ડૉ. તરલના કાકા નરેન્દ્ર ગડાએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નાનાં બાળકોના ઑર્થોપેડિક રીતે કામ કરતો તરલ ઘણી માનવસેવા કરે છે. તરલ, પુનિતા અને અમારો આખો પરિવાર પહેલેથી જ માનવસેવા એ જ પ્રભુસેવા છે એવું માને છે. એ જ કારણસર આટલો ભયાનક અકસ્માત થવા છતાં બન્ને બચી ગયાં હતાં અને તેમને નવજીવન મળ્યું છે. પુનિતાને પેટમાં માર લાગ્યો હોવાથી તેને પારડીની હૉસ્પિટલમાં જ દાખલ કરીને ઑપરેશન કરવામાં આવ્યું હતું. તરલને સ્પાઇનમાં માર લાગ્યો હોવાથી તેનું હિન્દુજામાં ગઈ કાલે ઑપરેશન કરવામાં આવ્યું હતું. બન્ને આઇસીયુમાં સારવાર લઈ રહ્યાં છે, પરંતુ હાલમાં આઉટ ઑફ ડેન્જર છે.’

અનેક મેડિકલ ટ્રસ્ટ સાથે જોડાઈને સેવાનાં કામ કરે છે

મુંબઈથી ઇન્દોર શિફ્ટ થયેલા ડૉ. તરલના કાકા અને ખાસ મિત્ર રમેશ નાગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગુજરાતી મીડિયમમાં ભણેલો તરલ અનેક મેડિકલ ટ્રસ્ટ સાથે જોડાઈને સેવાનાં કામ કરે છે. હાજી અલીની એનએચ એસઆરસીસી ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ, જ્યુપિટર, હિન્દુજા અને સૈફી હૉસ્પિટલમાં તે કન્સલ્ટન્ટ છે. તરલ ભીદડા સર્વોદય ટ્રસ્ટ, ભોજાય સર્વોદય ટ્રસ્ટ, વાગડ સર્વોદય ટ્રસ્ટ જેવા મેડિકલ ટ્રસ્ટમાં અગ્રેસર રહીને સેવા આપે છે. કચ્છમાં ભૂંકપ આવ્યો ત્યારે તરલે એક મહિનો ત્યાં રહી મુખ્ય ચાર્જ સંભાળીને જબરદસ્ત કામ કર્યું હતું. ઑપરેશન કરાયેલા ભૂંકપના ૬૦૦ લોકોને તેણે છ મહિના બાદ ફરી ચેક કર્યા હતા. આદિવાસી ક્ષેત્રમાં છેલ્લાં દસ વર્ષથી નાનાં બાળકોના પગ અને ઘૂંટણનો ઇલાજ કરવા જેવી સેવા પણ આપે છે. એની સાથે તે યુવાનોને ટ્રેઇનિંગ પણ આપે છે જેથી યુવાનો જ્યાં રહેતા હોય એ ગામમાં રહીને મેડિકલ સેવા આપી શકે. આખા દિવસમાં બન્ને પાસે અનેક દરદીઓ આવતા જ હોય છે જેઓ ઇલાજ કરવા સક્ષમ હોતા નથી. એવા લોકોની સેવા પણ તેઓ ઉત્સાહભેર કરે છે.’

mumbai mumbai news antop hill preeti khuman-thakur