08 July, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રોડના ગોલ્ડન નેસ્ટ સર્કલ નજીક લાગેલું આજના MNSના મોરચાનું હોર્ડિંગ (ડાબે) અને મીરા-ભાઈંદરના વેપારીઓએ ગઈ કાલે DCPને દિલગીરી વ્યક્ત કરતો પત્ર આપ્યો હતો.
મીરા રોડના મારવાડી બાબુલાલ ચૌધરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ મારઝૂડ કરી એ પછી વેપારીઓ અને મારવાડી સમુદાયે એ ઘટનાનો વિરોધ કરીને એક દિવસનો બંધ પાળ્યો હતો. એની સામે જે વેપારીને માર મારવામાં આવ્યો હતો તેમની જોધપુર સ્વીટ્સ ઍન્ડ નમકીન નામની દુકાન સામે આવેલી બાલાજી હોટેલ નજીકથી MNS આજે મોરચાનું આયોજન કરશે. આ મોરચો સવારે ૧૦ વાગ્યે બાલાજી હોટેલથી નીકળીને મીરા રોડ સ્ટેશન સુધી જશે. જોકે પોલીસે મોરચાની પરવાનગી નકારી છે. એ ઉપરાંત MNSના ૧૫૦ કાર્યકરોને નોટિસ પણ મોકલવામાં આવી છે. જોકે MNSના કાર્યકરોએ કોઈ પણ હાલતમાં મોરચો નીકળશે એવી ઘોષણા કરી છે.
MNSના થાણે-પાલઘર જિલ્લાના પ્રમુખ અવિનાશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરાઠી સમાજ સામે હજી સુધી કોઈએ મોરચો કાઢ્યો નહોતો, પણ આ હિંમત તેમણે દેખાડી છે એટલે હવે મરાઠી નાગરિકો પોતાની હિંમત દેખાડશે. વેપારીઓએ કાઢેલા મોરચામાં મરાઠી વિશે કેટલીક કમેન્ટ કરવામાં આવી હતી, જેમાં એક મહિલાએ કહ્યું હતું કે ચાર-પાંચ દિવસ દુકાન બંધ રાખીશું ત્યારે આ મરાઠીઓને ખબર પડશે. જોકે હું કહું છું કે જો અમારા મરાઠીઓ તમને સામાન આપવાનું જ બંધ કરશે તો તમારે મહારાષ્ટ્ર છોડીને પાછા વતનભેગા થવું પડશે. આ મોરચા પહેલાં અમારા કેટલાક પદાધિકારીઓને પોલીસે નોટિસ મોકલી છે. જોકે આ કાંઈ નવું નથી. મને ચાલુ પ્રેસ-કૉન્ફરન્સમાં પોલીસે નોટિસ મોકલી હતી, પણ જ્યારે મરાઠી માણૂસના સન્માનની વાત આવશે ત્યારે અમે પાછળ નહીં હટીએ. આ મોરચામાં અમારી સાથે મરાઠી ભાષાને પ્રોત્સાહન આપનાર લોકો પણ જોડાવાના છે. એ સાથે અમે મરાઠી નાગરિકોને આ મોરચામાં ભારે સંખ્યામાં હાજરી આપવાની અપીલ કરીએ છીએ.’
વેપારીઓએ દિલગીરી વ્યક્ત કરી
બાબુલાલ ચૌધરીની મારઝૂડ કર્યા બાદ ગુરુવારે કાઢવામાં આવેલો મોરચો વેપારીઓમાં જે ભયનો માહોલ સર્જાયો હતો એ માટે કાઢવામાં આવ્યો હતો એવો પત્ર ગઈ કાલે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ઝોન-એકના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) પ્રકાશ ગાયકવાડને મીરા-ભાઈંદરના વેપારીઓએ આપ્યો હતો. વેપારીઓનો હેતુ કોઈ સમાજ, પક્ષ કે કોઈ ભાષા વિરુદ્ધનો નહોતો એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. એ ઉપરાંત ભેગા થયેલા લોકો દ્વારા અને વેપારી સંઘ તરફથી કોઈની લાગણી દુભાઈ હોય તો વેપારી સંઘ વતી માફી માગવામાં આવી હતી. આ મોરચાનો હેતુ ફક્ત અને ફક્ત વેપારીઓમાં ભયનું વાતાવરણ દૂર કરવાનો અને ફરીથી આ રીતે હુમલો ન થાય એ માટેનો હતો એવું પત્રમાં જણાવવામાં આવ્યું હતું.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ઝોન-એકના DCP પ્રકાશ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉ ઍન્ડ ઑર્ડરનો પ્રશ્ન નિમાર્ણ થવાનું જોતાં અમે આજના મોરચાની પરવાનગી નકારી કાઢી હતી. એ ઉપરાંત મીરા-ભાઈંદરના MNSના ૧૫૦ જેટલા કાર્યકરોને નોટિસ મોકલીને આ મોરચામાં ભાગ ન લેવાનું પણ જણાવવામાં આવ્યું છે. એ સાથે અમે મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં ઍડિશનલ ફોર્સ વાપરીને પોલીસ-બંદોબસ્ત રાખ્યો છે. જો મોરચો નીકળશે તો અમે એમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશું.’