બે હિન્દુ સિક્યૉરિટી ગાર્ડ કલમા ન પઢી શક્યા એટલે કરવામાં આવ્યા ચાકુના વાર

28 April, 2026 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડના નયાનગરની ઘટના : હુમલાખોરની ધરપકડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મીરા રોડના નયાનગર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. એમાં એક વ્યક્તિએ બે સિક્યૉરિટી ગાર્ડને તેમના ધર્મ વિશે પૂછપરછ કર્યા પછી તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બન્ને સિક્યૉરિટી ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલામાં ઘવાયેલા બન્ને સિક્યૉરિટી ગાર્ડને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ પહેલાં બન્નેને તેમના ધર્મ વિશે પૂછ્યું હતું અને હિન્દુ હોવાની જાણ થવા છતાં તેમને ૩ વખત કલમા પઢવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તે બન્ને કલમા ન બોલી શક્યા ત્યારે આરોપીએ તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો જેનાથી તે બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી એટલે નયાનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. એ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજના આધારે પોલીસે આરોપીને ઓળખીને તેની ધરપકડ કરી હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીનો જન્મ મુંબઈના કુર્લા વિસ્તારમાં થયો હતો અને તે મીરા રોડમાં એકલો રહેતો હતો. તે ૨૦૦૦માં ભણવા માટે અમેરિકા ગયો હોવાનું કહેવાય છે અને ૨૦૧૯માં ભારત પાછો ફર્યો હતો.

ATS તપાસમાં જોડાઈ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) પણ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ આરોપીની માનસિક, સામાજિક અને ગુનાહિત બૅકગ્રાઉન્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ચાકુ હુલાવી દેવાની આ ઘટના બાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું અને રમખાણ ન ફાટી નીકળે એ માટે પોલીસે સાવચેતીનાં પગલાં તરીકે બંદોબસ્ત વધારી દીધો હતો.

mira road hinduism islam murder case Crime News mumbai crime news mumbai police mumbai mumbai news