વરસાદ બન્યો વિલન

27 September, 2022 10:41 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

‘મિડ-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ’ના પ્લેયરનું બૅન્ગલોરમાં રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ : મીરા રોડમાં રહેતો હરેન અનુવાડિયા ઑફિસની ક્રિકેટ રમવા ઍક્ટિવા પર જતો હતો ત્યારે વરસાદને કારણે લિસ્સા બનેલા રોડ પર બ્રેક મારતાં સ્લિપ થયો અને ૩૦ ફુટ દૂર ફેંકાયો

‘મિડ-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ’ના પ્લેયર હરેન અનુવાડિયાનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું

તેનું બ્લૅડર ફાટી જતાં આખો રસ્તો લોહીલુહાણ થઈ ગયો

મીરા રોડના મંગલનગરમાં રશ્મિ કૉમ્પ્લેક્સમાં રહેતા ૪૦ વર્ષના ગુર્જર સુથાર વિશ્વકર્મા સમાજનો હરેન અનુવાડિયા બૅન્ગલોર કામે ગયેલો. રવિવારે ઑફિસની ક્રિકેટ હોવાથી સવારના સાડાછ વાગ્યે કંપનીનું ટી-શર્ટ પહેરીને ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા પહોંચે એ પહેલાં તેનો રોડ-અકસ્માત થયો હતો. વરસાદને કારણે રસ્તો લિસ્સો થઈ જતાં અચાનક ઍક્ટિવા સ્લિપ થઈ હતી અને ૩૦ ફુટ ઘસડાઈને આગળ પહોંચી હતી. આ અકસ્માતમાં હરેન અનુવાડિયાનું બ્લૅડર ફાટી જતાં રસ્તો લોહીલુહાણ થયો હતો. જોકે સમય પર કોઈ મદદ ન મળતાં તેણે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો હતો. હરેન ‘મિડ-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ’માં ગુર્જર સુથાર સમાજ તરફથી રમતો હતો અને ઑલરાઉન્ડર- વિકેટકીપર હતો. 

ત્રણ દિવસ પહેલાં જ મુંબઈમાં પરિવાર સાથે રહેવાનું તેણે નક્કી કર્યું હતું એમ જમાવીને બોરીવલીમાં રહેતી હરેનભાઈની સાળી કિંજલ અંબાસનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જીજા આ અઠવાડિયે જ બૅન્ગલોર પાછા ગયા હતા. સમાજની ચૂંટણી હોવાથી તેઓ રોકાયા હતા અને અમારી સાથે ઘણો સમય વિતાવ્યો હતો. તેઓ બૅન્ગલોરની આઇટી કંપનીમાં કામ કરતા હતા અને જૉબના ચક્કરમાં તેમણે વારંવાર બૅન્ગલોર જવું પડતું હતું. આ વખતે તેઓ મુંબઈ આવ્યા ત્યારે મારી બહેન સાથે ચર્ચા કરી હતી કે ભલે પૈસા ઓછા મળશે, પરંતુ પરિવારથી દૂર રહેવું નથી. તેમણે થોડા સમય બાદ મુંબઈમાં ઓછા પગારે પણ કામ કરવાનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ એ પહેલાં આવો બનાવ બની ગયો છે.’

હેલ્મેટ પહેરી હોવા છતાં તેમનો ચહેરો ડૅમેજ થયો હતો અને બ્લૅડર ફાટી જતાં આખો રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો એમ જણાવીને હરેનભાઈનાં પત્ની અલ્પા અનુવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈથી બૅન્ગલોર પહોંચ્યા પછી તરત ઑફિસની ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એમાં જોડાવા સવારે સાડાછ વાગ્યે નીકળ્યા હતા. વરસાદમાં બ્રેક મારતાં બાઇક સ્લિપ થતાં તેઓ ૩૦ ફુટ દૂર ફેંકાયા હતા. તેમનું બ્લૅડર ફાટી ગયું હોવાથી આખા રસ્તા પર લોહીની નદી વહી હતી. હેલ્મેટ પહેરી હતી, પરંતુ એની ક્લિપ લગાવી નહોતી કે પછી ફોર્સને કારણે હેલ્મેટ ક્યાંય ફેંકાઈ જતાં તેમનો ચહેરો ડૅમેજ થયો હતો. કંપનીનું ટી-શર્ટ જોઈને ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ તેમનું આઇડી લઈને ફોન કરીને કંપનીમાં જાણ કરી હતી. મને છ વર્ષનો એક દીકરો અને ૧૪ વર્ષની દીકરી છે. મારાં સાસુ-સસરા અમારી સાથે રહે છે. હરેન ઘરમાં એક જ કમાનાર દીકરો હતો અને તેમને કોઈ ભાઈ-બહેન નથી. એથી બધી જવાબદારી મારા પર અચાનક આવી ગઈ છે.’ 

 

mumbai mumbai news mira road bengaluru preeti khuman-thakur