મીરા રોડની સોમવારી બજારના મામલે મહાભારત, પોલીસ બોલાવવી પડી

13 December, 2012 06:50 AM IST  | 

મીરા રોડની સોમવારી બજારના મામલે મહાભારત, પોલીસ બોલાવવી પડી



મીરા રોડ-ઈસ્ટના રેલવે-સ્ટેશનથી લઈને શાંતિનગરના સેક્ટર ૧, ૨, ૩, ૪, ૫ અને ૬ના ગુજરાતી પરિસરમાં બપોરે ત્રણ વાગ્યાથી દર સોમવારે લાગતા બજાર અને રોજેરોજ ગેરકાયદે રીતે બેસતા ફેરિયાઓને કારણે રહેવાસીઓના નાકે દમ આવી ગયો છે. રહેવાસીઓ અને નગરસેવકો દ્વારા ઢગલાબંધ ફરિયાદો થયા બાદ તાજેતરમાં જ મીરા-ભાઈંદર પ્રશાસન દ્વારા બોર્ડ મારીને ફેરિયાઓને સૂચિત કરવામાં આવ્યું છે કે આ ક્ષેત્રને ‘નો હૉકર્સ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. એમ છતાં ફેરિયાઓ જગ્યા પરથી હટતા નથી એટલે ફરી રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો હવે પ્રશાસન દરરોજ બેસતા ફેરિયાઓ સામે કોઈ પગલાં નહીં લે તો શિવસેના-બીજેપીના નગરસેવકોએ રસ્તા પર ઊતરીને આંદોલન કરવાની ચીમકી પ્રશાસનને આપી છે.

મીરા રોડના શાંતિનગરના સેક્ટરમાં દરરોજ બેસતા ફેરિયાઓ અને ખાસ કરીને સોમવારે ભરાતા સોમવારી બજારને કારણે ચોરીઓ અને ચેઇન-સ્નૅચિંગ જેવી સમસ્યાથી દિવસે ને દિવસે વધવા લાગી છે. સ્કૂલની બસો પણ બાળકોને છોડવા અંદરના સેક્ટરમાં આવતી નથી. અહીંના રહેવાસીઓ બજારને કારણે મહેમાનોને ઘરે આવવા આમંત્રણ આપી શકતા નથી. હાલમાં તો ફેરિયાઓની જેટલી સંખ્યા હતી એના કરતાં પણ વધુ પ્રમાણમાં ફેરિયાઓ બેસવા લાગ્યા હતા તેમ જ ફેરિયાઓમાં ગુંડાગીરીનું પ્રમાણ વધતાં રહેવાસીઓને વધુપડતી હેરાનગતિનો ભોગ બનવો પડ્યો છે. તાજેતરમાં જ પ્રશાસન દ્વારા બોર્ડ મારીને ફેરિયાઓએ અહીં બેસવું નહીં એવું જણાવવામાં આવતાં રહેવાસીઓ આનંદમાં આવી ગયા હતા. એમ છતાં ફેરિયાઓ તેમની જગ્યાએથી હટી રહ્યા ન હોવાથી રહેવાસીઓને ફરી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે આ સોમવારે સોમવારી બજાર બંધ કરવા માટે મીરા-ભાઈંદર પ્રશાસન દ્વારા પોલીસ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમ જ પ્રશાસન અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને બજારમાં એક પણ ફેરિયાને બેસવા નહોતો દીધો. આ વિશેષ ફોર્સમાં મીરા રોડ પોલીસ-સ્ટેશનના ૩૦ પોલીસ-અધિકારી, ચાર મોબાઇલ વૅન, ચાર વૉર્ડ-ઑફિસર અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગના ૫૦ કર્મચારીઓ હતા. કર્મચારીઓ દરેક વિસ્તારના ખૂણે-ખૂણે ઊભા રહ્યા હતા. આ કાર્યવાહી મીરા-ભાઈંદર  મહાનગરપાલિકાના કમિશનર વિક્રમકુમારના માર્ગદર્શન હેઠળ વૉર્ડ-ઑફિસર દાદાસાહેબ ખેત્રેએ કાર્યવાહી કરી હતી.

આ વિસ્તારમાં સોમવારી બજાર તેમ જ દરરોજ બેસતા ફેરિયાઓને હટાવવા શિવસેના-બીજેપીના નગરસેવકોએ પણ રસ્તા પર ઊતરી બજાર બંધ કરવા વિરોધ દાખવ્યો હતો. પ્રશાસન ફક્ત સોમવારી બજાર સામે જ વારંવાર ફરિયાદ બાદ કાર્યવાહી કરી રહી છે, પણ રોજ બેસતા ફેરિયાઓ વિરુદ્ધ કોઈ પગલાં લઈ રહી ન હોવાથી નગરસેવકોએ પ્રશાસનને આંદોલનની ચીમકી આપી છે. આ વિશે જણાવતાં નગરસેવક પ્રશાંત દળવીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્રશાસન પાસે જઈને તેમણે સોમવારે કાર્યવાહી કરી હતી; પણ દરરોજ બેસતા ફેરિયાઓ સામે હજી સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યાં ન હોવાથી પ્રશાસનને અમે ચીમકી આપી છે કે અમે રસ્તા પર ઊતરીને આંદોલન કરીશું, કેમ કે અહીંના રહેવાસીઓ એટલા કંટાળી ગયા છે કે એની કોઈ વાત જ કરી શકતા નથી.’

નગરસેવિકા નયના વસાણીએ આ બાબતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દરરોજ બેસતા ફેરિયાઓથી પણ રહેવાસીઓને એટલી જ તકલીફ થાય છે જેટલી સોમવારી બજારને કારણે થાય છે એટલે અમે પ્રશાસનને પણ વારંવાર કહ્યું હતું કે આ વિસ્તારમાં અમને ફેરિયાઓ જોઈતા જ નથી. સોમવારી બજારની સામે તો કાર્યવાહી થઈ, પણ રોજ બેસતા ફેરિયાઓ વિરુદ્ધ પણ પ્રશાસને કાર્યવાહી કરવી પડશે. જો દરરોજ બેસતા ફેરિયાઓ વિરુદ્ધ પ્રશાસને કોઈ કાર્યવાહી ન કરી તો હવે અમારી આક્રમક ભૂમિકા રહેશે.’