ગનની સામે લાકડી, રૉબર્સ ભાગી ગયા

28 May, 2023 09:40 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

મીરા રોડમાં આવેલી કોઠારી જ્વેલર્સના માલિકે દુકાન ખોલી ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને બે યુવકે હુમલો કર્યો, પણ દુકાનદારે લાકડી ફટકારીને તેમને ભગાડ્યા

લૂંટના ઇરાદે દુકાનમાં ઘૂસી આવેલા બે લૂંટારાઓનું સીસીટીવી ફુટેજ

મીરા રોડમાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરની ઑફિસ નજીકના આરએનએ બ્રૉડવે કૉમ્પ્લેક્સના મેઇન રોડ પર આવેલી એક જ્વેલરી શૉપમાં ગઈ કાલે બપોરના બે લૂંટારા ગન સાથે લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. તેમણે ગનની અણીએ દુકાન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પણ દુકાનદારે તેમને લાકડીથી ફટકારીને સામનો કર્યો હતો અને ભગાડી દીધા હતા. જોકે ભાગતી વખતે અજાણ્યા લૂંટારા દુકાનદારનો મોબાઇલ લઈને પલાયન થઈ ગયા હતા.

મીરા રોડમાં આરએનએ બ્રૉડવે કૉમ્પ્લેક્સ મેઇન રોડ છે અને અહીં કોઠારી જ્વેલર્સ છે. ગઈ કાલે બપોર બાદ ચાર વાગી ને ૧૧ મિનિટે બે લૂંટારા ગન સાથે પહોંચ્યા હતા. દુકાનદાર મોહિત કોઠારીએ બપોર બાદ હજી દુકાન ખોલી જ હતી ત્યારે આ યુવકો મોઢા પર રૂમાલ બાંધીને દુકાનની અંદર પહોંચી ગયા હતા અને તેમણે બૅગમાંથી ગન કાઢીને દુકાનદાર મોહિતને કૉલરથી પકડી લીધો હતો.

જોકે દુકાનદાર કોઈક રીતે કાઉન્ટરની નીચે ઝૂકી ગયો હતો અને નીચે રાખેલી લાકડી તેણે લીધી હતી અને બંને લૂંટારા પર લાકડીઓ ફટકારી હતી. દુકાનદારના આવા પ્રતિકારથી લૂંટારાઓ ચોંકી ગયા હતા અને તેઓ ઝપાઝપીમાં હાથ લાગેલો દુકાનદારનો મોબાઇલ લઈને પલાયન થઈ ગયા હતા.

આ આખી ઘટના દુકાનના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી અને જ્વેલર્સ અસોસિએશન ઉપરાંત સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકો ચોંકી ઊઠ્યા હતા. મેઇન રોડ પર પોલીસ કમિશનરની ઑફિસ નજીક ભરબપોરે બનેલી આ ઘટનાથી જ્વેલર્સમાં ખળભળાટ મચી ગયો હતો.

શાંતિનગર જ્વેલર્સ અસોસિએશનના સેક્રેટરી અનિલ કરાડે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઠારી જ્વેલર્સના માલિક મોહિત લંચ બાદ દુકાન ખોલીને અંદર કોઈ સાથે બ્લુટૂથથી વાત કરી રહ્યો હતો ત્યારે બે યુવક બૅગ સાથે પહોંચ્યા હતા. મોકો જોઈને બેમાંથી એક યુવકે બૅગમાંથી ગન કાઢીને મોહિતને તાબે થવા કહ્યું હતું, પરંતુ મોહિતે તાબે થવાને બદલે તેમનો સામનો કર્યો હતો અને તેમને લાકડીઓ ફટકારીને ભગાવી દીધા હતા. સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. કોઠારી જ્વેલર્સનો એક કર્મચારી વતન ગયો છે એટલે લૂંટના પ્રયાસના આ ઘટના સમયે માલિક મોહિત એકલો જ હતો.’

લૂંટના પ્રયાસની ઘટનાની જાણ પોલીસને કર્યાં બાદ સ્થાનિક પોલીસે આ સંબંધે એફઆઈઆર નોંધાવવા માટે મોહિત કોઠારીને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news mira road prakash bambhrolia