મીરા રોડમાં મધરાતે થયેલા ધડાકામાં ન ફૂટેલાં ૩૧૬ સિલિન્ડર ફાટ્યાં હોત તો

09 February, 2021 09:27 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મીરા રોડમાં મધરાતે થયેલા ધડાકામાં ન ફૂટેલાં ૩૧૬ સિલિન્ડર ફાટ્યાં હોત તો

મીરા રોડના શાંતિ ગાર્ડન પરિસરમાં રવિવારે મધરાત બાદ સિલિન્ડર-બ્લાસ્ટને કારણે આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો

મીરા રોડના શાંતિ ગાર્ડન પરિસરમાં એક ખુલ્લી જમીનમાં ગેરકાયદે પાર્ક કરવામાં આવેલી સિલિન્ડર ભરેલી ટ્રકમાં રવિવારે મધરાત બાદ બે વાગ્યે ધડાધડ આઠ ધડાકા થતાં આખું મીરા રોડ હલી ગયું હતું અને સેંકડો લોકો ડરના માર્યા રસ્તા પર આવી ગયા હતા.

રાતના બે વાગ્યાની આસપાસ લગભગ શરૂ થયેલા ધમાકા એક કલાક ચાલ્યા હતા. સ્ફોટની તીવ્રતા એટલી હતી કે પાંચ કિલોમીટર પરિસર સુધી અવાજ આવ્યો હતો. એટલું જ નહીં, ઘટનાસ્થળની આસપાસનાં બિલ્ડિંગોના વિન્ડોના કાચ તૂટી ગયા હતા. બ્લાસ્ટ જે મેદાનમાં થયો હતો એની ત્રણે બાજુ રેસિડેન્શિયલ બિલ્ડિંગ આવેલાં છે જેમાં એક બાજુ પોલીસ કમિશનરનું કાર્યાલય અને સ્કૂલ પણ છે.

ફાયરબ્રિગેડના જવાનોએ દેખાડી બહાદુરી

સિલિન્ડર ધમાકાના કારણે આગ ફાટી નીકળી હતી. રાતના અંધારામાં એના પર કાબૂ મેળવવો મુશ્કેલ હતું. આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની સાત ગાડી અને બે પાણીનાં ટૅન્કર પહોંચતાં પાણીનો મારો શરૂ કરાયો હતો. પાંચ અધિકારીઓ સહિત ફાયરબ્રિગેડના ૫૪ ફાયર-જવાનોએ અંદાજે બે કલાકથી વધુ સમય સુધી જહેમત કરી હતી. આ ભાગમાં ઇલેક્ટ્રિક સપ્લાય ખંડિત કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ બહાદુરી દેખાડતાં કુલ ૩૨૪ સિલિન્ડરમાંથી ૩૧૬ એટલે કે ૯૮ ટકા જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં રોકી લીધાં હતાં. આ વિશે ફાયરબ્રિગેડના અધિકારી પ્રકાશ બોરાડેએ જણાવ્યું હતું કે ‘આ ઘટનાને જોતાં આ આગ લગાડવામાં આવી છે, એનાથી ઇનકાર કરી શકાય એમ નથી. આ દુર્ઘટનામાં રસ્તા પર ચાલી રહેલો ૨૫ વર્ષનો કેતન સોલંકી સિલિન્ડરના પાર્ટ્સ વાગતાં જખમી થયો હોવાથી તેને પાસે આવેલી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યારે એક

ફાયર-જવાન મામૂલી જખમી થયો હતો.’

ઘટનાસ્થળે ઉપસ્થિત મીરા રોડના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ કદમે કહ્યું હતું કે આ દુર્ઘટનાની બારીકાઈથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ સાજિશનો પર્દાફાશ કરવામાં આવશે.

આસપાસનાં બિલ્ડિંગ ખાલી કરાવાયાં

આ ધમાકો જ્યાં થયો એ ઘટનાસ્થળની સામે ગૌરવ-ગૅલૅક્સી બિલ્ડિંગની સુરક્ષાને પગલે એને ખાલી કરવામાં આવ્યાં હતાં. આ બિલ્ડિંગની નીચે એલપીજી ગૅસની એજન્સી છે. એનાં સિલિન્ડરની ટ્રક રાતના સમયે મેદાનમાં ઊભી રહે છે. રાતના બે વાગ્યે ધમાકો થયો ત્યારે ડરને લીધે બિલ્ડિંગના લોકો ઊઠી ગયા હતા. ગૌરવ-ગૅલૅક્સી ફેઝ-૨, સૅન્ટ પૉલ હાઈ સ્કૂલ, નેપ્ચ્યુન-પ્લુટો, હાઇનેસ પાર્ક, શાંતિ ગાર્ડનના લોકો ઘરની બહાર આવી ગયા હતા. સવાર સુધી રહેવાસીઓ ઘરની બહાર જ રહ્યા હતા. આ ગ્રાઉન્ડથી ફક્ત ૫૦૦ મીટરના અંતરે પોલીસ કમિશનરની ઑફિસ આવી છે.

આસપાસનાં બિલ્ડિંગોના કાચ તૂટ્યા

આ ધમાકાની તીવ્રતા એટલી હતી કે એના કારણે નેપ્ચ્યુન-પ્લુટો કૉમ્પ્લેક્સના ફ્લૅટના કાચ તૂટી ગયા હતા. એના સહિત આસપાસનાં બિલ્ડિંગોની વિન્ડોના કાચ પણ તૂટ્યા હતા. નેપ્ચ્યુન-પ્લુટો કૉમ્પ્લેક્સનાં ચાર ગૅસ-સિલિન્ડરના તૂકડા થઈ ગયા હતા. આવો જ એક તૂકડો હાઈનેસ પાર્કમાં જઈને પડ્યો હતો અને એ લક્ષ્મી હાઇટ્સના એક યુવકના પગમાં વાગ્યો હતો. યુવક લોહીલુહાણ થયો અને તેને તરત જ હૉસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યાં તેની સારવાર થઈ હતી.

mumbai mumbai news mira road preeti khuman-thakur