મીરા-ભાઇંદર પાલિકાની શૌચાલય-રૂમમાં ઘોટાળો?

02 December, 2020 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઇંદર પાલિકાની શૌચાલય-રૂમમાં ઘોટાળો?

આ સાર્વજનિક શૌચાલયના સફાઈ-કર્મચારીની રૂમ ભાડા પર અપાઈ છે

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં શૌચાલયોની ઉપર સફાઈ-કર્મચારીને રહેવા માટે રૂમ બનાવવામાં આવી છે, પરંતુ આ રૂમ શૌચાલયના કૉન્ટ્રૅક્ટર ભાડા પર આપતા હોવાની બાબત સામે આવી છે. સફાઈ-કર્મચારીની રૂમ મહિને ૧૦,૦૦૦માં ભાડે અપાતી હોવાની ફરિયાદ મળી છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા નિર્મલ ભારત યોજના હેઠળ સ્વચ્છતાને લઈને અને એમાં સુધારો કરવા માટે ઝૂંપડપટ્ટી અને અન્ય ભીડભાડવાળા પરિસરમાં અંદાજે ૧૮૪ સાર્વજનિક શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ શૌચાલય ચલાવવા માટે અને દરરોજની સાફસફાઈ અને મેઇન્ટેનન્સ માટે કૉન્ટ્રૅક્ટરોની નિયુક્તિ કરવામાં આવી હતી. શૌચાલયની દરરોજની સફાઈ કરવા માટે કર્મચારીઓને શૌચાલયની ઉપર જ રૂમ બનાવીને આપવામાં આવી છે. 

ભાઈંદર-વેસ્ટના ગણેશ દેઓલ નગરમાં આવેલા શૌચાલયની યોગ્ય સફાઈ ન થતી હોવાની ફરિયાદ સ્થાનિક નગરસેવકને મળી હતી. તપાસમાં જણાયું હતું કે શૌચાલયની ઉપર સફાઈ-કર્મચારીની રૂમમાં સફાઈકામ કરતા કર્મચારીને બદલે કોઈક વર્ષા મલિક નામની મહિલા રહે છે. તેણે નગરસેવકને કહ્યું હતું કે તે કૉન્ટ્રૅક્ટરને ૧૦,૦૦૦ રૂપિયા મહિને ભાડું આપીને અહીં રહે છે. આ ચોંકાવનારી માહિતી મળતાં નગરસેવકે કૉન્ટ્રૅક્ટરને બ્લૅક લિસ્ટ કરવાની માગણી કરતી ફરિયાદ મહાનગરપાલિકાના કમિશનરને કરી હોવાનું જાણવા મળ્યું હતું.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સાર્વજનિક બાંધકામ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દીપક ખાંભિતનું કહેવું છે કે ‘આ પ્રકરણ અતિ ગંભીર હોવાથી કમિશનર સાથે ચર્ચા કરીને બધાં સાર્વજનિક શૌચાલયની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. નાગરિકોની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ રીતે રૂમ ભાડા પર આપવી અયોગ્ય છે.’

mumbai mumbai news mira road bhayander