મીરા રોડમાં સિનિયર સિટિઝન પર થયો હુમલો, પણ નીડરતાને કારણે જીવ બચ્યો

05 October, 2012 04:52 AM IST  | 

મીરા રોડમાં સિનિયર સિટિઝન પર થયો હુમલો, પણ નીડરતાને કારણે જીવ બચ્યો



પ્રીતિ ખુમાણ

મીરા રોડ, તા. ૫

મીરા રોડમાં બાવીસ વર્ષથી રહેતાં કચ્છી જૈન સિનિયર સિટિઝન દંપતી પર બુધવારે બપોરે ઘરમાં ઘૂસીને ત્રણ યુવકોએ ધારદાર શસ્ત્રોથી હુમલો કર્યો હતો, પણ તેમની નીડરતાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ લોકોની ક્યારેય કોઈ સાથે બોલાચાલી થઈ ન હોવાથી આ હુમલો કોણે કર્યો હશે એ રહસ્ય બની ગયું છે. પોલીસે પણ ઝડપી ગતિએ તપાસ શરૂ કરી દીધી છે. 

મીરા રોડના શાંતિનગરના સેક્ટર-ચારમાં સી-૧૬ બિલ્ડિંગમાં રહેતા દેરાવાસી કચ્છી જૈન સમાજના ૬૧ વર્ષના કેશવ દેવજી ગોસર અને તેમનાં ૫૧ વર્ષનાં પત્ની વર્ષા બુધવારે બપોરે જમીનને બેઠાં હતાં એ સમયે ૨૨થી ૨૩ વર્ષના ત્રણ યુવકો બેલ વગાડીને ઘરની અંદર આવ્યા હતા. અંદર આવી તેમણે ‘કેશવકાકાએ મોકલ્યા છે’ એમ કહીને વાત શરૂ કરી હતી. કેશવભાઈને તેમની હરકતથી થોડી શંકા થવા લાગી હતી. વાતચીત દરમ્યાન વર્ષાબહેન કિચનમાં ગયાં ત્યારે એક યુવકે ધારદાર કોઇતાથી તેમના માથા પર હુમલો કર્યો અને જ્યારે બીજાએ કેશવભાઈ પર હુમલો કર્યો હતો. ત્રણે યુવકો એકબીજાને ‘પૈર પે માર, ઝોર સે વાર કર’ એમ કહી રહ્યા હતા.

કેશવભાઈએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવકો અમારા પર હુમલો કરી રહ્યા હતા ત્યારે મેં એમાંથી બેને પકડીને માર માર્યો અને મારા હાથમાં જે આવ્યું એ તેમના પર ફેંક્યું તેમ જ જોરજોરથી બૂમો પાડવા લાગ્યો એટલે તેઓ ડરના માર્યા ભાગવા લાગ્યા હતા. તેઓ તેમનો સામાન, ધારદાર શસ્ત્રો, ચંપલ બધું જ છોડીને નાસી ગયા હતા. હું તેમની સામે થયો એટલે અમારો જીવ બચી ગયો હતો.’

કેશવભાઈને માથા પર પાંચથી છ ટાંકા આવ્યા છે અને આંગળીઓ પર ઈજા થઈ હતી, જ્યારે વર્ષાબહેનને માથાની પાછળની બાજુએ ભારે માર લાગ્યો છે અને તેમને આઠથી નવ ટાંકા આવ્યા છે. બન્નેને પાડોશીઓ નજીકમાં આવેલા ક્લિનિકમાં અને ત્યાર પછી મીરા રોડની ઉમરાવ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. કેશવભાઈ તેમના ઘરમાંનો એક રૂમ પેઇંગ ગેસ્ટને વાપરવા આપતા હતા. એમાં હાલમાં એક છોકરો રહે છે તેમ જ બાજુમાં પણ તેમનું ઘર છે. કેશવભાઈને બે દીકરા હતા અને બન્ને નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમની એક દીકરી અને પૌત્રી તેમની સાથે જ રહે છે.

મીરા રોડ પોલીસ-સ્ટેશનના અસિસ્ન્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સુજિત પવાર સિનિયર સિટિઝન પર થયેલા હુમલા વિશે વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ દંપતીએ તેમની કોઈની સાથે બોલાચાલી થઈ ન હોવાનું જણાવ્યું હતું એટલે આ હુમલો કોણ કરી શકે છે એ રહસ્યમય બન્યું છે. પોલીસની તપાસ શરૂ થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે.’