✕

૭ બિલાડી ગાયબ અને ત્રણનાં શંકાસ્પદ મોત

06 October, 2026 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડની સોસાયટીની ઘટના: અજાણ્યા માણસ સામે ઝેર આપ્યાની પોલીસ-ફરિયાદ

વિન્સ્ટોન બિલ્ડિંગ

મીરા રોડ-ઈસ્ટના બેવર્લી પાર્ક નજીક આવેલા ‌‌વિન્સ્ટોન બિલ્ડિંગમાં રહેતી ૩૨ વર્ષની પશુપ્રેમી મુનીરા અન્સારી દ્વારા જે બિલાડીઓને ખોરાક આપવામાં આવતો હતો એમાંની એક પછી એક ૩ બિલાડીનાં શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત અન્ય ૭ બિલાડીઓ ગુમ થઈ હોવાનું અને પાંચ બિલાડીઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગઈ કાલે બિઝનેસવુમન મુનીરા અન્સારીએ મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં અજાણ્યા માણસ વિરુદ્ધ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવી ઝેર આપીને મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે બિલ્ડિંગ નજીક લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને વધુ તપાસ શરૂ કરી છે.
મુનીરા અન્સારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી સોસાયટીના પરિસરમાં રહેતી ૧૫ બિલાડીને નિયમિત ખોરાક આપતી હતી. જોકે સોસાયટીના કેટલાક રહેવાસીઓને આ બાબતે વાંધો હતો. આ દરમ્યાન હું ૧૫ દિવસ માટે ફૅમિલી પ્રોગ્રામમાં અંધેરી ગઈ હતી. એ વચ્ચે ૩૦ સપ્ટેમ્બરે એક બિલાડી બીમાર પડતાં એને બોરીવલીની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. ત્યાં એનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પહેલી ઑક્ટોબરે હું પાછી આવી ત્યારે વધુ બે બિલાડી મરેલી હાલતમાં મળી આવી હતી. એથી મેં અન્ય બિલાડીઓની શોધખોળ કરી તો પંદરમાંથી ૩ બિલાડી મૃત મળી હતી, ૭ બિલાડી ગાયબ હતી અને બાકીની પાંચ બિલાડી પણ ગંભીર રીતે બીમાર હોવાનું જણાયું હતું. મેં ગંભીર હાલતમાં રહેલી તમામ બિલાડીની તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી છે તથા મૃત બિલાડીઓનું પોસ્ટમૉર્ટમ પણ કરાવવામાં આવ્યું છે. પોલીસે આ મામલે અજ્ઞાત વ્યક્તિ સામે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’

પોલીસે શું કહ્યું?
મીરા રોડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મૃત બિલાડીઓના પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. એના આધારે જ વિષારી દ્રવ્ય આપવામાં આવ્યું છે કે કેમ એ સ્પષ્ટ થશે. આ ઉપરાંત સોસાયટીના CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને તેમ જ ગુમ થયેલી બિલાડીઓની શોધખોળ કરીને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

mumbai news mumbai mira road wildlife Crime News mumbai crime news