મુંબઈ ​: મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ આજથી અમલમાં

01 October, 2020 07:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ ​: મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ આજથી અમલમાં

મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના પહેલા કમિશનર આઇપીએસ ઑફિસર સદાનંદ દાતે.

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ શરૂ થવાનો દિવસ આખરે આવી ગયો છે. આજે મીરા રોડના રામનગરમાં આવેલી પાલિકાની ઇમારતમાં આ ઑફિસની શરૂઆત થશે. થાણે અને પાલઘર ગ્રામીણમાં અત્યારે કાર્યરત મીરા રોડથી વિરાર સુધીનાં ૧૩ પોલીસ સ્ટેશનો આજથી મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની અંદર કામકાજ કરશે અને આ ઑફિસના પહેલા કમિશનર આઇપીએસ અધિકારી સદાનંદ દાતે હશે. કમિશનર ઉપરાંત એક ઍડિશનલ કમિશનર, પાંચ ડીસીપી અને ૩૪૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીની અહીં મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા નિયુક્તિ કરાઈ હોવાનું જાહેરનામું ગઈ કાલે બહાર પાડ્યું હતું.

પહેલા કમિશનર તરીકે ૧૯૯૦ની બેચના આઇપીએસ ઑફિસર સદાનંદ દાતે અને ઍડિશનલ કમિશનર તરીકે એસ જયકુમારની નિયુક્તિ કરાઈ છે. મીરા-ભાઈંદર ઝોન માટે ૧ ડીસીપી, નાયગાંવ-વસઈ માટે ૧ ડીસીપી, નાલાસોપારા-વિરાર માટે ૧ ડીસીપી, ક્રાઇમ માટે ૧ ડીસીપી અને ટ્રાફિક વિભાગ માટે ૧ ડીસીપી મળીને કુલ પાંચ ડીસીપીના હાથ નીચે અત્યારે ૩૪૦૦ જેટલા પોલીસ કામ કરશે.

કમિશનર સદાનંદ દાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧ ઑક્ટોબરથી રાજ્યના ગૃહ વિભાગે મીરા- ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટને મંજૂરી આપી દીધી હોવાથી હું અમારી ટીમ સાથે આજે ચાર્જ સંભાળીશ. મીરા રોડથી વિરાર સુધીના વિસ્તાર માટે અલાયદું પોલીસ કમિશનરેટ મળવાથી આ વિસ્તારમાં ક્રાઇમમાં ઘટાડો થવાની સાથે લોકોને થાણે કે પાલઘર સુધી જવું પડતું હતું એમાં રાહત મળશે. કમિશનરેટ ઑફિસ શરૂ થઈ ગયા બાદ નવા ૭ પોલીસ સ્ટેશન પણ ઝડપથી બનાવી દેવાશે. રાજ્ય સરકારે કુલ ૪૭૦૦ પોલીસની સ્ટ્રેન્થ આપવાનું વચન આપ્યું છે એટલે થોડા સમયમાં વધુ પોલીસની ભરતી પણ થઈ જશે.’

mumbai mumbai news thane vasai virar mira road bhayander brihanmumbai municipal corporation