મિડ-ડે ઇમ્પેક્ટ : મીરા-ભાઇંદર શિક્ષણ વિભાગ અને નગરસેવક પહોંચ્યા સ્કૂલની મુલાકાતે

29 December, 2011 07:51 AM IST  | 

મિડ-ડે ઇમ્પેક્ટ : મીરા-ભાઇંદર શિક્ષણ વિભાગ અને નગરસેવક પહોંચ્યા સ્કૂલની મુલાકાતે



મિડ-ડે LOCALના ૨૦૧૧ની ૧૫ ડિસેમ્બરના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ અને પ્રશાસનમાં હલચલ મચી ગઈ હતી. આ અહેવાલ બાદ પ્રશાસન જાગ્યું અને એણે સ્કૂલના વહીવટી તંત્ર તથા મીરા-ભાઈંદર સુધરાઈના વિવિધ વિભાગોને પાઠ પણ ભણાવ્યો.

ભાઈંદર-ઈસ્ટના નવઘર રોડ પર આવેલી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની નવઘર પ્રાથમિક શાળા ક્રમાંક-૧૩ અને નવઘર પ્રાથમિક શાળા ક્રમાંક-૨૯માં ભણતાં નાનાં બાળકો પાસે તેમને ખબર પણ ન પડે એવી રીતે બાળમજૂરી કરાવવામાં આવતી હતી. તેમને સ્કૂલમાં મળવી જોઈએ એવી કોઈ પણ પ્રકારની સુવિધા મળતી ન હોવાનું અહેવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેઓ આ સ્કૂલમાં ભણતાં બાળકો પાસેથી બપોરે તેમને આપવામાં આવતા મધ્યાહ્ન ભોજનનાં વાસણો ઉપડાવવાનું કામ કરાવતા હતા. ઉપરાંત સ્કૂલમાં પીવાના પાણીની ટાંકીઓનાં ઢાંકણાં પણ ખુલ્લાં પડ્યાં હતાં. આ જ ટાંકીઓમાંથી બાળકોને પીવાનું પાણી મળતું હતું. સ્કૂલની ટેરેસ પર ખુલ્લામાં તૂટેલી બેન્ચો, ભંગાર અને મોટા ખીલાવાળાં લાકડાંઓ પડ્યાં હતાં. સ્કૂલની કૉર્નર સાઇડનાં પગથિયાંઓ પર પણ બેન્ચો તૂટેલી-ફૂટેલી હાલતમાં પડી હતી. આ બધું ત્યાં ભણતાં બાળકો માટે ખૂબ જ ગંભીર હતું, પણ મિડ-ડે LOCALના અહેવાલ બાદ શિક્ષણ-પ્રશાસને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હતી. મીરા-ભાઈંદર સુધરાઈના શિક્ષણ વિભાગના ઉપસભાપતિ સુરેશ દળવી, એજ્યુકેશન-ઑફિસર અનિલ બાગલે, વૉર્ડક્રમાંક ૨૧ના નગરસેવક દ્રુવ કિશોર પાટીલ અને શિક્ષણમંડળના અમુક અધિકારીઓએ આ સ્કૂલની મુલાકાત લીધી હતી.

આ બધા અધિકારીઓએ સ્કૂલની દરેક જગ્યાએ જઈને તપાસ કરી હતી. સ્કૂલમાંની ગંદકી અને મિડ-ડે LOCALમાં દર્શાવવામાં આવેલી બધી જ સમસ્યાઓ પર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સ્કૂલની મુલાકાત લેવાના સમયે જ શિક્ષણમંડળના ઉપસભાપતિએ વૉટર ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સાર્વજનિક બાંધકામ વિભાગની ઝાટકણી કાઢી હતી. આ બાબતે વધુ માહિતી આપતાં તેમ જ મિડ-ડે LOCALને આ માટે ધન્યવાદ આપતાં સુરેશ દળવીએ કહ્યું હતું કે ‘મિડ-ડે LOCALમાં સ્કૂલનો અહેવાલ આવ્યા બાદ તરત જ અમે કાર્યવાહી કરી હતી અને એજ્યુકેશન ઑફિસરને ફરિયાદ મોકલી હતી. તેમણે સ્કૂલના પ્રિન્સિપાલને પણ લેખિત ફરિયાદ આપીને વૉર્નિંગ આપી હતી. આ ઉપરાંત અમે વિવિધ વિભાગોની પણ આવી લાપરવાહી બદલ ઝાટકણી કાઢી છે. મિડ-ડે મીલ આપતા કૉન્ટ્રૅક્ટરને પણ છોડ્યો નથી. ઉપરની ખુલ્લી પડેલી ટાંકીથી લઈને ગંદકી દૂર કરવાનું કામ બે દિવસ ઇન્સ્પેક્શન કરીને પૂરું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલિકા સંચાલિત બીજી બધી સ્કૂલોને વૉર્નિંગ આપવામાં આવી છે કે તેઓ સ્કૂલનાં બાળકો અને ત્યાંના વાતાવરણ પર યોગ્ય ધ્યાન આપે. હવે સ્કૂલની રજા ખતમ થયા બાદ હું જ બધી સ્કૂલોમાં સરપ્રાઇઝ વિઝિટ કરીશ.’

આ બાબતને અતિ ગંભીર હોવાનું જણાવીને વૉર્ડક્રમાંક-૨૧ના નગરસેવક દ્રુવ પાટીલે કહ્યું હતું કે ‘સ્કૂલમાં બાળમજૂરી થવી તેમ જ જરૂરી એવી સુવિધા ન હોવી ખૂબ જ અયોગ્ય બાબત છે. મેં પોતે પણ સ્કૂલની મુલાકત લીધી હતી અને નજરે જોયું હતું. બાળકોના પગમાં ચંપલ ન હોવાથી લઈને યુનિફૉર્મનાં પણ ઠેકાણાં ન હોવાની બાબતે હું પ્રશાસનને કાને વાંરવાર ફરિયાદ કરીશ. જરૂરી બધાં ઇનિશિયેટિવ સ્ટેપ્સ લઈને બાળકોને સારું ભણતર આપવાની મારી ઝુંબેશ હવે ચાલુ જ રહેશે.’