30 January, 2025 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાઈંદરની એક સ્લમમાં ડૉક્યુમેન્ટ્સ ચકાસી રહેલી પોલીસની એક ટીમ.
મુંબઈ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બંગલાદેશી રહેતા હોવાની માહિતી મળતાં તેમને શોધી કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસે મીરા રોડ અને ભાઈંદરમાં રહેતા ગેરકાયદે વિદેશીઓને પકડવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લઈને પોલીસની ૩૦ ટીમ બનાવી છે, જે દરરોજ જુદાં-જુદાં સ્થળોએ જઈને બંગલાદેશ, નાઇજીરિયા અને મ્યાનમાર વગેરે દેશના નાગરિકોને શોધી રહી છે.
મીરા-ભાઈંદરમાં ભોલાનગર, સુભાષચંદ્ર બોઝ મેદાનની પાસેની સ્લમ, એસ. એન. કૉલેજ પરિસર, તપોવન સ્કૂલ પાસે, જૈનનગર અને પ્રમોદ મહાજન ગ્રાઉન્ડ પાસેની સોસાયટીઓમાં ગેરકાયદે બંગલાદેશીઓ રહેતા હોવાની માહિતી પોલીસને મળી છે. આથી આ સ્થળોએ જઈને પોલીસ દ્વારા લોકોનાં આધાર કાર્ડ, પૅન કાર્ડ, પ્રૉપર્ટીના ડૉક્યુમેન્ટ્સ વગેરે તપાસવામાં આવી રહ્યાં છે. ઉપરાંત ખબરીઓની મદદથી પાનના ગલ્લા, ભાજીવાળા, ફેરિયા વગેરેની માહિતી મેળવવાના પ્રયાસ પોલીસ કરી રહી છે.
મીરા-ભાઈંદર ક્ષેત્રના ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રકાશ ગાયકવાડે કહ્યું હતું કે ચાર દિવસથી આ કૉમ્બિંગ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક શંકાસ્પદ વિદેશીઓ મળી આવ્યા છે. આ લોકો ભારતમાં ગેરકાયદે રહેતા હોવાનું જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.