મીરા-ભાઇંદરના જ્વેલર્સ ૬ નવેમ્બર સુધી હડતાળ પર : મનાવશે કાળી દિવાળી

03 November, 2012 10:00 PM IST  | 

મીરા-ભાઇંદરના જ્વેલર્સ ૬ નવેમ્બર સુધી હડતાળ પર : મનાવશે કાળી દિવાળી



મીરા રોડના બે જ્વેલરની ચોરીનો માલ રાખવાના કેસમાં નાલાસોપારા પોલીસે અટક કરી હોવાથી રોષે ભરાયેલા જ્વેલર્સ હડતાળ પર ગયા હતા એટલે ગઈ કાલે મીરા-ભાઈંદરના જ્વેલર્સની બધી જ દુકાનો બંધ રહી હતી. બન્ને જ્વેલર્સને ૬ નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી જ્વેલર્સ ૬ નવેમ્બર સુધી હડતાળ પર હશે અને ત્યાર બાદ પણ તેમને છોડવામાં નહીં આવે તો તેઓ બેમુદત હડતાળ પર ઊતરશે. પોલીસના અત્યાચાર સામે મીરા-ભાઈંદરના જ્વેલર્સ કાળી દિવાળી મનાવીને વિરોધ-પ્રદર્શન કરશે.

મીરા રોડના શાંતિ પાર્કમાં આવેલી મંગલમ જ્વેલર્સ અને કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાનના માલિકોની નાલાસોપારા પોલીસે એક કેસમાં શુક્રવારે અટક કરી હતી. એક કેસમાં નીલેશ ઠાકુર નામના આરોપીને નાલાસોપારા પોલીસે પકડ્યો હતો. આ આરોપીએ પોલીસને તેણે ચોરેલો માલ મીરા રોડની મંગલમ અને કૃષ્ણા જ્વેલર્સમાં વેચ્યો હોવાનું કહ્યું હતું. જોકે પોલીસે આ જ્વેલર્સ પર અગાઉ કાર્યવાહી કરી હતી, પરંતુ શુક્રવારે બન્નેની અટક કરી હતી. ર્કોટે બન્નેને ૬ નવેમ્બર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે એટલે છઠ્ઠી સુધી જ્વેલર્સ હડતાળ પર જશે અને પછી પણ જો બે જ્વેલરને છોડવામાં નહીં આવે તો તેઓ બેમુદત હડતાળ પર જશે.

મીરા-ભાઈંદર જ્વેલર્સ અસોસિએશનના અધ્યક્ષ ભંવર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ પાસે કોઈ યોગ્ય પુરાવા ન હોવા છતાં કે કોઈ માહિતી વગર જ જ્વેલર્સ વિરુદ્ધ કાર્યવાહી કરે છે. હવે પોલીસનો ત્રાસ અસહ્ય હોવાથી મીરા-ભાઈંદરના જ્વેલર્સ ૬ નવેમ્બર સુધી પોતાની દુકાનો બંધ રાખશે. દિવાળી જેવા તહેવારમાં લોકો સૌથી વધુ સોના-ચાંદીની ખરીદી કરે છે છતાં પોલીસના ત્રાસ અને અન્યાયને કારણે અમે દુકાનો બંધ રાખીને એનો વિરોધ કરી રહ્યા છીએ. જ્વેલર્સને એનાથી ભારે નુકસાન થશે, પણ પોલીસનો ત્રાસ એટલો વધી ગયો છે કે નાછૂટકે તહેવારોમાં અમારે આ પગલું ભરવું પડ્યું છે. પોલીસ અમારી સામે આવીને અમારી સાથે બરાબર વાત કરતી નથી અને મનફાવે એ રીતે કાર્યવાહી કરવા માંડે છે. બન્ને જ્વેલરને તેમની દુકાન પરથી કંઈ પણ કહ્યા વિના શર્ટનો કૉલર પકડી, ખરાબ વર્તન કરીને જેલભેગા કરવામાં આવ્યા હતા. પોલીસ જ્વેલર્સ સાથે આરોપી જેવું વર્તન કરે છે. ૬ નવેમ્બર બાદ પણ જો બન્ને જ્વેલરને છોડવામાં ન આવ્યા તો અમે બેમુદત હડતાળ પર જઈશું. પોલીસના અન્યાયને કારણે અમે આ દિવાળીને કાળી દિવાળી તરીકે મનાવીશું.’