મીરા-ભાઇંદરના જ્વેલર્સે કાળી રિબન પહેરીને કાઢ્યો મોરચો

05 November, 2012 05:13 AM IST  | 

મીરા-ભાઇંદરના જ્વેલર્સે કાળી રિબન પહેરીને કાઢ્યો મોરચો



મીરા રોડના શાંતિ પાર્કમાં આવેલી મંગલમ જ્વેલર્સ અને ક્રિષ્ના જ્વેલર્સના માલિકોની નાલાસાપોરાની પોલીસે એક કેસમાં શુક્રવારે અટક કરી હતી એટલે રોષે ભરાયેલા જ્વેલર્સ આવતી કાલ સુધી હડતાળ ઊતર્યા છે. બન્ને જ્વેલરને છોડવામાં ન આવ્યા તો તેઓ બેમુદત હડતાળ પર જશે. હડતાળના ભાગરૂપે ગઈ કાલે જ્વેલર્સે ભાઈંદર-વેસ્ટથી મોરચાની શરૂઆત કરી હતી.

મીરા-ભાઈંદર જ્વેલર્સ અસોસિએશનના અધ્યક્ષ ભંવર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવતી કાલ સુધી બન્ને જ્વેલરને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવશે એટલે અમે કાલ સુધી તો હડતાળ પર છીએ. હડતાળ દરમ્યાન અમે મોરચો અને આંદોલન દ્વારા વિરોધ-પ્રદર્શન કરીશું. ગઈ કાલે અમે મીરા-ભાઈંદરનાં બધાં પોલીસ-સ્ટેશનોમાં આવેદનપત્ર આપ્યું હતું. આ પત્ર દ્વારા અમે પોલીસને વિનંતી કરી હતી કે તેઓ જ્વેલરની યોગ્ય તપાસ કર્યા બાદ જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરે. આ માટે અમે જ્વેલર્સ અસોસિએશનના આઠથી દસ સભ્યોની એક કમિટી બનાવી છે. પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતાં પહેલાં આ કમિટી સાથે એ વિશે ચર્ચા કરીને પછી જ કોઈ ઍક્શન લેશે.’