મીરા-ભાઇંદર કૉર્પોરેશનના દાવા ફરી પાછા ખોખલા સાબિત થયા

27 September, 2012 07:34 AM IST  | 

મીરા-ભાઇંદર કૉર્પોરેશનના દાવા ફરી પાછા ખોખલા સાબિત થયા



પ્રીતિ ખુમાણ


મીરા-ભાઈંદર શહેરના કોઈ પણ રસ્તા પર ચાલવું હોય તો કેટલીયે વાર વિચારીને ચાલવું પડે એવી હાલત થઈ ગઈ છે. મીરા-ભાઈંદર શહેરમાં ગણેશોત્સવનાં મંડળોથી લઈને ઘરે બિરાજમાન કરવામાં આવતા ગણપતિની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આટલો મહત્વનો તહેવાર આવી ગયો હોવા છતાં મીરા-ભાઈંદરના રસ્તાઓ પર ખાડાઓ પુરાયા નહીં. જે રસ્તાઓ પરથી વ્યક્તિઓ ચાલી શકે નહીં એ રસ્તાઓથી રિક્ષાઓ કેવી રીતે પસાર થઈ શકતી હશે એનો અંદાજ લગાવી શકાય એમ છે. અંતે મહાનગરપાલિકાના મેયરનું આ ખાડાઓથી થતી હેરાનગતિ અને ખાસ કરીને ગણેશોત્સવ દરમ્યાન મંડળો અને લોકોને થતી હેરાનગતિ પર ધ્યાન જતાં તેમણે ૧૯ સપ્ટેમ્બર સુધીમાં રસ્તાનું કામ પૂરું કરવાનો આદેશ આપ્યો હતો. એમ છતાં અત્યાર સુધી ફક્ત ૭૦ ટકા જેટલું જ કામ પૂરું થયું છે જેથી ફરી પ્રશાસનના દાવા ખોખલા સાબિત થયા છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં નવાં મેયર કૅટલિન પરેરાએ મહાનગરપાલિકાના કમિશનર પાસેથી રસ્તાનું પૅચવર્ક કરવા ૩ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર કરાવ્યું હતું. તેમ જ અધિકારીઓને આ કામ યુદ્ધના ધોરણે થાય એવો આદેશ પણ આપ્યો હતો. અધિકારીઓને ૧૯ સપ્ટેમ્બર સુધીમાં ખાડા પૂરવાની મેયર તરફથી ડેડલાઇન મળી હતી, પણ આ ડેડલાઇનનું પણ કોઈ મહત્વ ન હોય એવું જોવા મળી રહ્યું છે.

ફરી પ્રશાસનના દાવા ખોટા નીકળ્યાં હોવાથી લોકોએ ભારે નિરાશા વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે એક તો સંખ્યાબંધ ફરિયાદો બાદ પ્રશાસનની આંખ ઊઘડી હતી અને એમાંય કોઈ કામ સમય પર થયું નથી. રસ્તા પરના ખાડાઓને કારણે ગણપતિ લાવવા-લઈ જવામાં ભારે હાલાકી થાય છે તેથી આ કામ જેટલું જલદી થાય એટલું કરવું જોઈએ જોકે જે રીતે અત્યાર સુધીમાં ફક્ત ૭૦ ટકા જેટલું કામ થયું છે એ જોઈને પ્રશાસનને આ કામનું મહત્વ સમજાતું હોય એવું લાગતું નથી.

પ્રશાસનનું શું કહેવું છે?

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કાર્યકારી અભિયંતા દીપક ખાંભિતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રસ્તાના ખાડા પૂરવાનું કામ ચાલુ છે. હાલ સુધી ૭૦ ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં બધું કામ થઈ જશે.’