મીરા-ભાઇંદર, વસઈ-વિરારમાં થર્ટીફર્સ્ટની ઉજવણી રદ્દ, ગૅન્ગ-રેપ પીડિતાને શ્રદ્ધાંજલિ અપાશે

31 December, 2012 05:39 AM IST  | 

મીરા-ભાઇંદર, વસઈ-વિરારમાં થર્ટીફર્સ્ટની ઉજવણી રદ્દ, ગૅન્ગ-રેપ પીડિતાને શ્રદ્ધાંજલિ અપાશે



મીરા રોડમાં આવેલા બાપા સીતારામ મંદિરમાં દર વર્ષે ઘણા લોકો થર્ટીફર્સ્ટની ઉજવણી માટે આવે છે. મંદિરમાં સવારથી મોડી રાત સુધી જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમતની ઍક્ટિવિટી અને બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે; પણ આ વખતે બધી જ ઉજવણી કૅન્સલ કરવામાં આવી છે. એની જગ્યાએ હવે આજે સાંજે લોકો મંદિરમાં ભેગા થઈ કૅન્ડલ સળગાવીને પ્રાર્થના કરશે તેમ જ શાંતિપૂર્વક સાંજથી રાત સુધી ભજન-ર્કીતન દ્વારા યુવતીને શ્રદ્ધાંજલિ આપશે.

સાઇલન્ટ મોરચો


મીરા રોડનાં ગુજરાતી નગરસેવિકા નયના વસાણીની સાથે મીરા રોડની મહિલાઓ, યુવકો તેમ જ સિનિયર સિટિઝનો ભેગા થઈને આજે સાંજે સાઇલન્ટ મોરચો કાઢશે. મીરા રોડના સેક્ટર નંબર સાતથી રેલવે-સ્ટેશન અને ત્યાર પછી ઉમાકાંત મિશ્રા ચોક પર પહોંચીને મોરચો પૂરો કરશે. ત્યાં કૅન્ડલ પ્રગટાવીને રેપનો ભોગ બનેલી યુવતી માટે પ્રાર્થના કરવામાં આવશે. આ મોરચો ખાસ સાંજના સમયે એટલા માટે રાખવામાં આવ્યો છે કે થર્ટીફર્સ્ટની ઉજવણી સાંજના સમયથી જ શરૂ થાય છે એટલે ઉજવણીની જગ્યાએ લોકો અને ખાસ કરીને મહિલાઓ આવા કૃત્યનો શાંતિપૂર્વક વિરોધ કરશે અને યુવતીને શ્રદ્ધાંજલિ આપશે.

મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના કેટલાય કાર્યકરો સ્ટેશનની બહાર સાંજના સમયે ઊભા રહીને પ્રોટેસ્ટ કરશે. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના આ વિસ્તારના હજારો કાર્યકરોમાંથી એક પણ કાર્યકર થર્ટીફર્સ્ટની ઉજવણી નહીં કરે, પણ જુદા-જુદા વિસ્તારોમાં જઈને શાંતિપૂર્વક એનો વિરોધ કરશે.

વસઈના અંબાડી રોડ પર આવેલી અમુક સોસાયટીઓ નાના પાયે થર્ટીફર્સ્ટની ઉજવણી કરતી હતી. આ સોસાયટીઓ પણ આ વખતે કૅન્ડલ પ્રગટાવીને મૃત્યુ પામેલી યુવતીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે અને ઉજવણીનો એક પણ કાર્યક્રમ નહીં કરે.