મુંબઈ: અબ્દુલ રહેમાન સ્ટ્રીટના શૉપિંગ કૉમ્પ્લેક્સની આગમાં ભારે નુકસાની

23 April, 2019 11:25 AM IST  |  મુંબઈ | જયેશ શાહ

મુંબઈ: અબ્દુલ રહેમાન સ્ટ્રીટના શૉપિંગ કૉમ્પ્લેક્સની આગમાં ભારે નુકસાની

ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના કૉમ્પ્લેક્સમાં પ્રથમ ફ્લોર પર આગ બુઝાવવાની કામગીરી કરી રહેલા ફાયર-ફાઇટરો.

પાયધુની નજીકની અબ્દુલ રહેમાન સ્ટ્રીટના સુપર શૉપિંગ સેન્ટરમાં ગઈ કાલે સવારે ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા પછી ફાયર-બ્રિગેડ ૨૦ મિનિટ પછી આવી હતી જેને લીધે આગ આજુબાજુની અનેક દુકાનોમાં પ્રસરી જતાં લાખો રૂપિયાનો માલસામાન બળી ગયો હતો. આ કૉમ્પ્લેક્સમાં ત્રણ મહિના પહેલાં પણ આગ લાગી હતી, પરંતુ સંબંધિત તંત્રએ એ ઘટના બાદ બિલ્ડિંગમાં જરૂરી ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફાયર-સેફ્ટી માટે કોઈ પગલાં ન ભયાંર્ એટલે ફરી પાછી એક શૉપમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

ઘટનાસ્થળે હાજર અનેક લોકોએ આ કૉમ્પ્લેક્સમાં આગ લાગવાના કારણ વિશે ‘મિડ-ડે’ને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘આ કૉમ્પ્લેક્સ એક ટ્રસ્ટનું હોવાથી ઇલેક્ટ્રિક વાયરિંગ માટેના પ્લાનિંગ કે રિપેરિંગ માટે કોઈ તૈયાર થતું નથી. સંબંધિત તંત્ર દ્વારા ફાયર-સેફટી માટે આંખમિચામણાં થતાં હોવાથી અહીં વારંવાર આગ લાગવાની શક્યતા હોવા છતાં દુર્ઘટના બાદ બધું ભીનું સંકેલી લેવામાં આવે છે. કોઈને મોટી દુર્ઘટના થવાની કે એને લીધે જાનહાનિ થવાની કશી પડી નથી. સૌકોઈને પોતાની દુકાન લાંબા સમય સુધી બંધ ન રહે એ માટે ગમે તેમ કરીને આગની ઘટના બાદ તરત ભીનું સંકેલી લેવા સંબંધિત તંત્રના અધિકારીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગવા માટે પ્રયાસ કરવામાં આવે છે.’

આગ કઈ રીતે લાગી હતી?

આગ લાગી હતી એ શૉપમાં ગુજરાતી માલિક બિઝનેસ માટે વિદેશ ગયા છે અને આ શૉપ સવારે ૧૦ વાગ્યે ખોલવામાં આવી એ પછી ૩૦ મિનિટમાં જ આગ એક ઍરકન્ડિશનરમાં લાગી હોવાનું જણાતાં શૉપમાં રખાયેલા ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ ઓલવી નાખવામાં આવી હતી, પરંતુ એ દરમ્યાન આગના ઊડેલા તણખાથી વાયર ગરમ થઈ જતાં આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગ આસપાસની દુકાનોમાં પ્રસરવા માંડી હતી. એ દરમ્યાન સુપર શૉપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર ફ્લોર પર ખીચોખીચ આવેલી ૨૦૦થી વધુ દુકાનોના માલિકો ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે કૉમ્પ્લેક્સમાંથી તાત્કાલિક તમામ લોકો બહાર દોડી જતાં જાનહાનિ ટળી હતી.

દુકાનદારો સાથે સીધી વાત

સુપર કૉમ્પ્લેક્સના પ્રથમ ફ્લોર પર પીપલ ટ્રી નામની હૅન્ડિક્રાફટ અને બૅગની શૉપ-નંબર ચારમાં આગ લાગી હતી એ વિશે દુકાનનાં સંચાલક બિના સામાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ભગવાનનો આભાર માનું છું કે આગ લાગ્યાની ઘટના બાદ જાનહાનિ થઈ નથી. આ આગને પગલે ૧૫ લાખથી વધુ રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. હજી હમણાં જ દુકાનમાં નવા માલનો સ્ટૉક લવાયો હતો.’

લકી સ્ટોરની દુકાનના સંચાલક મનસુખ પટેલે કહ્યું કે ‘અમારી બોલપેનની શૉપ છે. આગ બુઝાવવા ફાયર-ફાઇટરોએ કરેલા પાણીના છંટકાવને કારણે અમુક માલ ભીનો થઈ ગયો છે. હાલમાં કેટલું નુકસાન થયું છે એ વિશે કશું કહી શકાય એમ નથી.’

આગ લાગી એ શૉપની બાજુમાં આવેલી કોહિનૂર બેલ્ટની શૉપના સંચાલક સુનીલ સુમાનીએ કહ્યું કે ‘આગની ગરમીને કારણે લેધરના બેલ્ટ બળી ગયા છે. હાલમાં જ આગ બુઝાઈ છે એટલે ચોક્કસ નુકસાનીનો આંકડો જાણી શકાયો નથી.’

ત્રીજા માળ પર ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુનું રિપેરિંગ કરતા અમરતભાઈ મારવાડીએ જણાવ્યુ઼ં કે આગને કારણે કાળી કાળી રાખ લગભગ મોટા ભાગની દુકાનમાં ઘૂસી ગઈ છે. આ રાખ મારી શૉપની ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓના પાર્ટમાં ઘૂસી ગઈ છે. આ બધું ક્લિયર થતાં હજી બે-ત્રણ દિવસ લાગશે.

આ કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી તે શૉપની નીચેના ભાગમાં આવેલી દુકાનો ફાયર ઓલાવવા સમયે બંધ કરી દીધી હતી. એથી એ દુકાનોના સંચાલકોને તેની શૉપમાં કેટલું નુકસાન થયું તે જાણી શકાયું નથી. કારણકે આગ બુઝાવવાનું કામ સાંજ સુધી ચાલું હતું અને કૉમ્પ્લેક્સમાં વીજળી કાપી નાખવામાં આવી છે, એટલે હજી તમામ વેપારીઓને નુકસાનીનો આંકડો જાણવામાં એકાદબે દિવસનો સમય લાગશે એમ હાજર વેપારીઓએ જણાવ્યું હતું.’

ફાયર-બ્રિગેડે શું કહ્યું?

ફાયરબ્રિગેડના આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઑફિસર આર. વી. ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ કૉમ્પ્લેક્સના વહીવટકર્તાઓને ફાયર સેફટી નહીં જાળવવા વિશે નોટિસ આપીશું.

આ પણ વાંચો : વાલીઓની પોલીસમાં ફરિયાદ: દહિસરની સ્કૂલમાં ફી-વધારાનો મામલો વધુ વકર્યો

ભીંડીબજારના ફાયર સ્ટેશન ઑફિસર એ. બી. પવારે કહ્યું કે અમને ફાયરનો કોલ ૧૦.૪૭ મળતા અમે ઘટના સ્થળે ૧૦.૫૭ વાગ્યે પહોંચ્યા હતા અને ચારે તરફથી આગને બપોરે ૧૨.૦૫ વાગ્યે કાબૂમાં લીધી હતી. તેમ જ બપોરે ૧.૧૫ વાગ્યે સંપૂર્ણ આગ બુઝાવી દીધી હતી. જોકે મોડી સાંજ સુધી એક ફાયર ટેન્કરથી પાણીનો છંટકાવ ચાલુ રાખવામાં આવ્યો હતો. એચ. એ કરોળિયા ટ્રસ્ટ સંચાલિત આ કૉમ્પ્લેક્સમાં રહેલા તમામ લોકોને સહીસલામત બહાર કાઠવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પાયધુની પોલીસની મદદથી બિલ્ડીંગમાં કોઇ ઇજાગ્રસ્ત છે કે નહીં તે તપાસ કરાઈ હતી.’

mumbai news