મિલન સબવેનો રેલવે ઓવરબ્રિજ ફેબ્રુઆરીમાં તૈયાર થવાની શક્યતા

12 October, 2012 07:28 AM IST  | 

મિલન સબવેનો રેલવે ઓવરબ્રિજ ફેબ્રુઆરીમાં તૈયાર થવાની શક્યતા



મિલન સબવેની ઉપર બંધાઇ રહેલા ફ્લાયઓવર આડેના અવરોધ પૂરા થવાનું કામ લેતા નથી. વેસ્ટર્ન રેલવેની આડોડાઇને કારણે કામ અટકી પડતાં આ બ્રિજ ઑક્ટોબરની ડેડલાઇન પૂરી નહીં કરી શકે, પરંતુ તાજેતરમાં એમએમઆરડીએ અને વેસ્ટર્ન રેલવે વચ્ચે થયેલી મીટિંગનું ફળ મળ્યું છે. બન્ને સાંતાક્રુઝમાં આવેલા મિલન સબવે પરના ફ્લાયઓવરનું પેન્ડિંગ કામ શક્ય એટલું જલદી આટોપવા તૈયાર થયા છે. પાંચ ડેડલાઇન મિસ કર્યા પછી હવે આ ફ્લાયઓવર જાહેર જનતાના વપરાશ માટે ૨૦૧૩ના ફેબ્રુઆરી મહિનામાં ખુલ્લો મૂકવામાં આવશે.

એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ આ વિશે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું ‘આ આરઓબી માટેનું સૌથી મહત્વનું કામ છે ગર્ડર લગાવવાનું અને આ કામ ૧૫ ઑક્ટોબરથી શરૂ કરવામાં આવશે. અમને વિશ્વાસ છે કે આ આરઓબી ૨૦૧૩ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં મોટરચાલકો માટે ખુલ્લો મૂકી શકાશે.’

એમએમઆરડીએએ ૨૦૦૮માં ૪૧.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૭૦૦ મીટર લાંબા આરઓબીનું બાંધકામ હાથ ધર્યું હતું. જોકે પુન:વસન, રેલવેની પરવાનગી, રાજકીય દબાણ અને રાજ ઠાકરેના ઉત્તર ભારતીય વિરોધી કૅમ્પેન પછી મજૂરોની કમી જેવાં પરિબળોને કારણે આ પ્રોજેક્ટ સતત વિલંબમાં મુકાતો જ ગયો છે.