22 June, 2024 07:04 AM IST | Mumbai | Bakulesh Trivedi
સ્ટન્ટ
પુણે-સાતારા હાઇવે પર થોડે જ દૂર આવેલા અવાવરું રિસૉર્ટની છત પરથી જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટનો વિડિયો બનાવનાર ૨૪ વર્ષનો મિહિર ગાંધી અને ૨૧ વર્ષની મીનાક્ષી સાળુંખે ઍથ્લીટ્સ હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમણે કરેલો સ્ટન્ટ જોખમી હોવાથી સોશ્યલ મીડિયાથી લઈને બધે તેમની ટીકા કરવામાં આવી રહી છે. આ જ કારણસર વાઇરલ થયેલા આ વિડિયોની દખલ પુણે પોલીસે લઈને તેમની સામે ગુનો દાખલ કર્યો છે. ગઈ કાલે બન્નેને પોલીસે બોલાવ્યાં હતાં અને તેમની અરેસ્ટ પણ કરી હતી. જોકે તેમની સામે નોંધાયેલા ગુના અંતર્ગત છ મહિના સુધીની જ સજા હોવાથી તેમને કસ્ટડીમાં નહોતાં મોકલવામાં આવ્યાં.
અમે એ વિડિયો કોણે અપલોડ કર્યો હતો એની ટેક્નિકલ ડીટેલ્સ કઢાવીને તેમના સુધી પહોંચ્યા હતા અને તેમને પૂછપરછ માટે પોલીસ-સ્ટેશન આવવા કહ્યું હતું એમ જણાવીને ભારતી વિદ્યાપીઠ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર દશરથ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે બન્ને મંગળવારે રાતે પોલીસ-સ્ટેશને આવ્યાં હતાં. અમે તેમની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે તેઓ બન્ને ઍથ્લીટ્સ છે અને અલગ-અલગ પ્રકારના સ્ટન્ટ કરતાં રહે છે. મિહિર ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર અનેક વિડિયો છે, જ્યારે મીનાક્ષી પણ ઇન્સ્ટા પર ઍક્ટિવ છે. અમે તેમને જાનના જોખમે વિડિયો ન બનાવવા સમજાવ્યાં હતાં. તેમને કહ્યું હતું કે આમ કરીને તમે તમારો અને અન્યનો જીવ જોખમમાં મૂકો છો.’
મિહિર અને મીનાક્ષી એકલાં જ પોલીસ-સ્ટેશને આવ્યાં હતાં એમ જણાવીને કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તેમનાં સ્ટેટમેન્ટ્સ નોંધ્યાં હતાં. જોકે આ સ્ટન્ટ કરીને તેમણે જીવ જોખમમાં મૂક્યો છે એવું તેમને નથી લાગતું. અમે તેમને નોટિસ મોકલી છે અને સોમવારે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.’
વિદેશમાં લોકપ્રિયતાને વરેલી ‘પાર્કુર’ ગેમ, જેમાં અલગ-અલગ હર્ડલ્સ બહુ જ સિફતથી અને સ્પીડમાં પાસ કરવાનાં હોય છે એના મિહિર અને મીનાક્ષી પ્રોફેશનલ ખેલાડી છે એમ જણાવતાં તેમના કોચે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોથ આર પ્રોફેશનલ. આ તેમનું પૅશન છે. આ ગેમમાં ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ બન્નેનો સમન્વય હોય છે. આ વિડિયો બાબતે લોકોની જે પ્રતિક્રિયા આવી છે એ સમજી શકાય એમ છે. જોકે આ રીલ તેમણે પ્રોફેશનલ કારણસર બનાવી હતી, નહીં કે લાઇક્સ મેળવવા. આ તેમનું રૂટીન છે. વિડિયો જોઈને કોઈને પણ એવું થાય કે બહુ ઊંચા બિલ્ડિંગ પરથી આ કરવામાં આવ્યું છે, પણ ઍક્ચ્યુઅલમાં એવું નથી. મીનાક્ષી જ્યાં લટકી છે એ જગ્યાએથી પહેલો ડ્રૉપ માત્ર ૨૦ ફુટ નીચે છે અને આ પ્રકારના સ્ટન્ટ કરવા તેઓ વેલ-ટ્રેઇન્ડ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ડ્રૉપથી નીચે પડાય એવું નથી. એ સાથે જ તેમણે એ પણ કાળજી લીધી હતી કે એે વિડિયો અપલોડ કરીને લખ્યું હતું કે આ સ્ટન્ટ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવ્યો હોવાથી કોઈએ જાતે એ કરવાની કોશિશ ન કરવી. જોકે લોકોએ તેમના એ પ્રયાસને ખોટી રીતે લીધો. ધે આર ક્વાઇટ કેપેબલ. આ ઘટનાને કારણે તેમની કરીઅરને અવળી અસર ન થવી જોઈએ. બન્ને તેમની આ એબિલિટીને કારણે કમાન્ડો બની શકે છે અને સૈન્યમાં પણ જોડાઈ શકે છે.’