મુંબઈમાં ફરી ક્યારેય પગ નહીં મૂકીએ’: નારાજ મજૂરો

11 May, 2020 07:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં ફરી ક્યારેય પગ નહીં મૂકીએ’: નારાજ મજૂરો

દોઢ મહિનાથી થઈ રહેલી અવગણનાથી નારાજ હજારો પરપ્રાંતીયોની પગપાળા હિજરત

લૉકડાઉન બાદથી મુંબઈમાં કામકાજ બંધ થઈ ગયાં હોવાથી લાખો પરપ્રાંતીયો દોઢ મહિનાથી અટવાઈ ગયા છે. અનાજ અને પૈસા ખૂટતાં જ તેઓ વતન જવા અધીરા બન્યા હોવાથી શનિવાર સવારથી તેઓએ પગપાળા હિજરત શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર રાજ્યોમાં જવા કલાકો સુધી રજિસ્ટ્રેશન કરવાની કડાકૂડ કર્યા બાદ પણ નંબર ન આવતો હોવાથી તેઓએ દિવસ-રાત જોયા વિના પરિવાર સાથે હાઇવે પકડી લીધો છે.

દહિસરથી લઈને વિરાર સુધી હાઇવે પર બે દિવસથી આ લોકો પગપાળા અથવા કોઈક વાહન મળે તો એમાં બેસીને જઈ રહ્યા છે. સતત અવગણનાથી પરેશાન આ લોકોએ મુંબઈમાં ફરી પગ ન મૂકવાનો નિશ્ચય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

લૉકડાઉનનાં ૬ અઠવાડિયાં પૂરાં થયાં છે ત્યારે સરકાર કે પ્રશાસન દ્વારા અપૂરતી ખાવા-પીવાની વ્યવસ્થા અને વતન મોકલવામાં થઈ રહેલા વિલંબને લીધે શનિવાર સવારથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીયોએ પોતાના પરિવાર સાથે મુંબઈ, થાણે, નવી મુંબઈથી પગપાળા અથવા કોઈક વાહન મળે એમાં બેસીને હિજરત શરૂ કરી દીધી છે. દિવસે જ નહીં, શનિવારે અને ગઈ કાલે રાતે પણ આ લોકો શહેરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. મોટા ભાગના લોકો મુંબઈમાં ફરી પગ ન મૂકવાનું કહીને વતન તરફ રવાના થઈ ગયા છે.

મુંબઈ સહિતનાં શહેરોને ઊભાં કરવા માટે આ અસંગઠિત મજૂરોએ પરસેવો પાડ્યો છે. કોરોનાને લીધે આજે બધા સંકટમાં છે, પરંતુ આ લોકોની હાલત સૌથી ખરાબ છે. તેઓ જ્યાં કામ કરતા હતા એ કંપનીના માલિકો કે કૉન્ટ્રૅક્ટરો ઑફિસ બંધ કરીને પલાયન થઈ ગયા છે અને આ મજૂરોને રામભરોસે છોડી દીધા છે.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ગઈ કાલે બપોરે પરિવાર સાથે હિજરત કરતા જોવા મળેલા લોકોએ કહ્યું હતું કે ‘સરકાર એક તરફ બધાને અનાજ પૂરું પાડવાની વાત કરે છે. દોઢ મહિનામાં અમને સરકારની કોઈ મદદ નથી મળી. ઊલટું, સરકાર કે વિવિધ રાજકીય પક્ષના કાર્યકરો અમે મુંબઈ છોડીને જતા રહીએ એવું વર્તન કરી રહ્યા છે. અમે અહીં ભૂખ્યા મરીએ એના કરતાં પગપાળા ચાલી નીકળ્યા છીએ. ભગવાન ઇચ્છશે તો અમે અમારા ગામ પહોંચી જઈશું. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે હોય કે ઈસ્ટર્ન હાઇવે, બધે જ આવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. શનિવારે રાતે તો કસારા ઘાટ પર હજારોની સંખ્યામાં લોકો ચાલીને શહેર છોડીને જતા જોવા મળ્યા હતા. દિવસે ઘેટાં-બકરાંની જેમ લોકો ટ્રક-ટેમ્પોમાં બેસીને જઈ રહેલા દેખાયા હતા.

ચોંકાવનારી વાત એ છે કે લૉકડાઉનમાં રાજ્ય સરકારે દરેક જિલ્લાની બૉર્ડર સીલ કરી છે ત્યારે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત હોવા છતાં પોલીસની નજર સામે હજારોની સંખ્યામાં લોકો પગપાળા કે વાહનોમાં બેસીને જઈ રહ્યા હોવા છતાં તેમને કોઈ રોકતું નથી.

નાશિકમાં હાઇવે જૅમ

નાશિકમાંથી પસાર થતા મુંબઈ-આગરા હાઇવે પર ગઈ કાલે સવારે લૉકડાઉન પહેલાંની સ્થિતિ હોય એવો ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના હજારો લોકો પગપાળા અથવા કોઈક વાહનમાં બેસીને લૉકડાઉનના તમામ નિયમોનું ઉલ્લંઘન થાય એ રીતે પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. આવી જ રીતે નાશિક-પુણે, નાશિક-ઔરંગાબાદ હાઇવે પર અનેક લોકો ચાલવાની સાથે સાઇકલ પર જતા દેખાયા હતા. આ લોકોની હિજરતના અનેક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવાઈ રહી છે, પરંતુ હિજરતીઓની સંખ્યા ખૂબ જ મોટી હોવાથી મોટા ભાગના લોકોએ પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો રૂટ અપનાવ્યો છે.

mumbai mumbai news coronavirus