પાળેલાં ઢોર વેચીને ઘરે જવા માટે પૈસા ભેગા કર્યા છતા ન જવા મળ્યું

26 May, 2020 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાળેલાં ઢોર વેચીને ઘરે જવા માટે પૈસા ભેગા કર્યા છતા ન જવા મળ્યું

સોમવારે મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી હતી (તસવીર: સતેજ શિંદે)

ઘરે જવાની આશા સાથે સોમવારે એરપોર્ટ પહોચેલા મજૂરની આશા પર પાણી ફરી વળ્યું હતું અને પૈસાનું પણ પાણી થઇ ગયું હતું. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રહેતા શ્રમિક મજૂર સોના મુલ્લા પોતાના ઘરે જવા માટે મુંબઈ એરપોર્ટ પહોચ્યો. પરંતુ ત્યાં પહોચતાની સાથે જ ઈન્ડિગો એરલાઈન્સના કર્મચારીઓએ કહ્યું કે, હમણા તેઓ પશ્ચિમ બંગાળનો પ્રવાસ નહીં કરી શકે. સોનાએ ઈન્ડિગોના કર્મચારીઓને ટિકિટ બતાવી પરંતુ ફ્લાઈટના કર્મચારીઓએ કહ્યું કે, ફ્લાઈટ રદ કરવામાં આવી છે એટલે તમે પ્રવાસ નહીં કરી શકો અને ઘરે પાછા જઈ શકો છો.

સોમવારે મુંબઈ એરપોર્ટથી 200 ફ્લાઈટ ઉપડવાની હતી. જેમાંથી 25 ટકા ફ્લાઈટ્સ છેલ્લી ઘડીએ રદ કરાઇ હતી. રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સમાં પશ્ચિમ બંગાળની પણ ફ્લાઈટ હતી. જેની ટિકિટ 45 વર્ષીય શ્રમિક મજૂર સોના મુલ્લાએ પણ બુક કરાવી હતી. ઈન્ડિગોએ ફ્લાઈટ રદ થવાની જાહેરાત કર્યા બાદ સોનાએ તેમની પાસેથી પૈસા પાછા મેળવવા માટે વિનંતી કરી હતી. સોના વારંવાર વિનંતી કરતો હતો કે તેને અને તેના સાથીઓને બીજી ફ્લાઈટ દ્વારા પણ મોકલવામાં આવે. પરંતુ કંપનીએ ઘસીને ના પાડી દીધી હતી.

સોના દાડિયા મજૂર તરીકે મુંબઈમાં કામ કરે છે. થોડાક દિવસ પહેલા તેણે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા પોતાના ગામ જવા માટે ટિકિટ બુક કરાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ટિકિટ મળી નહોતી એટલે પરિવારની સહમતિથી ફ્લાઈટ દ્વારા કલકત્તા જવાનો નિર્ણય કર્યો. સોના અને તેના બે સાથીદારોએ પૈસા ભેગા કર્યા પણ તે પુરતા નહોતા એટલે ઘરમાં પાળેલાં ઢોર વેચીને પૈસાનો બંદોબસ્ત કર્યો અને ફ્લાઈટની ટિકિટ ખરીદી હતી.

કોલકાત્તાની ટિકિટ બુક કર્યા બાદ સોના અને તેના સાથીદારોએ સોમવારે દીવાથી એરપોર્ટ જવા માટે 6,000 રૂપિયાની ટેક્સી કરી. પણ જ્યારે એરપોર્ટ પહોચ્યા ત્યારે પશ્ચિમ બંગાળ માટેની ફ્લાઈટ રદ થવાના સામચાર મળ્યા. તેમણે કંપની પાસેથી ટિકિટના 10,400 રૂપિયા રિફન્ડ આપવાની અથવા તો બીજી ફ્લાઈટ દ્વારા મોકલવાની વિનંતી કરી. પણ કંપની એકેય બાબત માટે તૈયાર ન થઈ અને સોના અને તેના સાથીદારોએ કલાકો સુધી એરપોર્ટ પર ભટકતા રહ્યાં. તેમજ જેમતેમ ભેગા કરેલા પૈસા પાણીમાં ગયા તે તો વધારાની ખોટ વેઠવી પડી.

coronavirus covid19 lockdown mumbai mumbai news mumbai airport