અમે જ મારી દીધો હથોડો

02 August, 2022 09:09 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ ઍરપોર્ટના ફ્લાઇટ પાથમાં આવતાં ૪૮ ગેરકાયદે સ્ટ્રક્ચર્સમાંનાં ૩ બિલ્ડિંગની ‘મિડ-ડે’એ મુલાકાત લીધી ત્યારે રહેવાસીઓએ કહ્યું કે અધિકારીઓ તોડકામ માટે આવે એ પહેલાં જ અમે એ બાંધકામ તોડી પાડ્યું છે

વિલે પાર્લેના દીિક્ષત રોડ પર આવેલું વર્ધમાનપુરી બિલ્ડિંગ

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ઊડતાં વિમાનોને અંતરાય થઈ શકે એવાં ૪૮ ગેરકાયદે સ્ટ્રક્ચર્સ હટાવવાનો આદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિિસ મકરંદ કર્ણિકની બેન્ચે ગયા અઠવાડિયે આપ્યો હતો. એ મકાનોની યાદી બીએમસીએ હાઈ કોર્ટમાં આપી હતી અને એ પછી એ મકાનોના ગેરકાયદે માળ અથવા બાંધકામને હટાવવાનું કામ કલેક્ટરનું છે એમ હાઈ કોર્ટે નોંધ્યું હતું અને કલેક્ટર-ઑફિસને આ બાબતે ઍફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું.

આ ૪૮ ઇમારતો ક્યાં આવી છે એ જાણવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી ત્યારે જાણવા મળ્યું કે એમાં ૮ જ બિલ્ડિંગ છે અને બાકીનાં ગેરકાયદે ઊભાં કરવામાં આવેલાં નાનાં સ્ટ્રક્ચર્સ છે. જે આઠ મકાનમાં હાઇટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એમાંથી વિલે પાર્લેનાં ત્રણ મકાનોની ‘મિડ-ડે’એ મુલાકાત લેતાં જાણવા મળ્યું કે આ બિલ્ડિંગના લોકોએ તો ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન તરફથી હાઇટના ઉલ્લંઘનને લઈને સૂચવવામાં આવેલા બદલાવ ઑલરેડી કરી નાખ્યા છે, પણ સંબંધિત વિભાગે પોતાના રેકૉર્ડમાં એને અપડેટ કરવાનું બાકી છે.

ગોવર્ધન બિલ્ડિંગના પ્રેસિડેન્ટ ડૉ. સુરેશ સામ્બારીએ કહ્યું કે ‘અમને આ બાબતે એક વર્ષ પહેલાં જ નોટિસ મળી હતી. ઍરપોર્ટ ઑથોરિટી અને બીએમસીના અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ લઈને આવ્યા હતા અને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો એથી અમે એ એક જ અઠવાડિયામાં પાણીનું પ્રેશર મળી રહે એ માટે ગોઠવેલી પાણીની ટાંકી નાની કરી નાખી હતી અને ટેરેસની સાઇડ-વૉલ પણ નાની કરી નાખી છે. એના ડૉક્યુમેન્ટ્સ અને ફોટો બીએમસી સહિત સંબંધિત ડિપાર્ટમેન્ટને આપ્યા છે.’

આવો જ પ્રતિભાવ વર્ધમાનપુરીના સેક્રેટરી હિતેશ શાહે આપતાં કહ્યું હતું કે ‘અમે ટેરેસ પર પૅસેજમાં બનાવેલા પાર્ટની હાઇટ અને ટેરેસ પરની ૨.૫ ફુટની વૉલ પણ ઘટાડીને નાની કરી નાખી છે. પાણીની ટાંકી પણ કાઢી નાખી છે. અમે બે વર્ષ પહેલાં એટલે કે કોરોના પહેલાં જ એ ચેન્જિસ કરી લીધા છે અને સંબંધિત ડિપાર્ટમેન્ટને ડૉક્યુમેન્ટ્સ આપી દીધા છે.’

હનુમાન રોડ પર આવેલી શ્રી કુંજ સોસાયટીના સેક્રેટરી નીતિન પત્કીએ કહ્યું કે ‘અમે લિફ્ટ મશીનરૂમ્સની હાઇટ ઘટાડીને અન્ય ચેન્જિસ કર્યા છે અને એની જાણ બીએમસીને કરી છે. જોકે બીએમસીએ કેટલાક ડૉક્યુમેન્ટસ માગ્યા છે જે અમે તેમને ટૂંક સમયમાં આપી દઈશું.’

આમ ઍરક્રાફ્ટ ઑબ્સ્ટેકલ રૂલ્સના ભંગ બાબતે જે સુધારા કરવાના હતા અને મકાનોની હાઇટ ઘટાડવાની હતી એ વિલે પાર્લેની આ સોસાયટીએ કરી દીધું છે. જોકે સરકારી વિભાગોની ઑફિસમાં એ અપડેટ કરાયાં ન હોવાથી ફરી એક વાર ઍરપોર્ટ ઑથોરિટી અને બીએમસીના અધિકારીઓએ ગયા અઠવાડિયે આ સોસાયટીની મુલાકાત લઈને વિગતો અપડેટ કરી હતી.  

mumbai mumbai news mumbai airport bakulesh trivedi