મિડ-ડે ટેસ્ટ-ડ્રાઇવ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ

02 December, 2021 08:58 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશનમાં તમારો નંબર કેમ નથી લાગતો ખબર છે? : રોજના ૧૨,૦૦૦ સ્લૉટ બુક કરવામાં આવે છે, પણ ભગવાનના નામે રોકડી કરનારા લોકો મોટા ભાગના સ્લૉટ બુક કરીને એને બ્લૅકમાં વેચવાનો ગોરખધંધો કરી રહ્યા છે

સિદ્ધિવિનાયક મંદિરની બહાર ભાવતાલ કર્યા બાદ દર્શન કરવા માટે ‘મિડ-ડે’ના રિપોર્ટરને આ દલાલે (ઉપર, ડાબે) ક્યુઆર કોડ આપ્યો હતો. (તસવીર : શાદાબ ખાન)

કોરોનાકાળ દરમ્યાન દોઢેક વર્ષ સુધી મંદિરો બંધ રહ્યા બાદ એ ફરી ખુલતા ભાવિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ભાવિકોની ભીડ ન થાય એ માટે પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરીને દર્શન કરાવવામાં આવે છે. જોકે નવાઈની વાત એ છે કે ભાગ્યે જ કોઈ ભક્તને ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવા મળે છે, કારણ કે અમુક અસામાજિક તત્ત્વો પોતે જ સ્લૉટ બુક કરાવી લે છે અને તેઓ આ સ્લૉટ બ્લૅકમાં ૨૦૦થી ૫૦૦ રૂપિયામાં ભક્તોને વેચે છે. આની તપાસ કરવા ‘મિડ-ડે’નો રિપોર્ટર ઍડ્વાન્સમાં બુકિંગ કરાવ્યા વગર એક ભક્ત તરીકે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયો તો તેને ત્યાં દર્શન માટેના જરૂરી ક્યુઆર કોડ બ્લૅકમાં વેચતા દલાલો મળ્યા હતા. થોડા ભાવતાલ બાદ ૭૦૦ રૂપિયાનો પાસ ૫૦૦ રૂપિયામાં આપવા દલાલ તૈયાર થઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે આ રિપોર્ટરને પહેલાં એન્ટ્રી ન આપનારા સિક્યૉરિટી ગાર્ડે બ્લૅકમાં ખરીદેલા આ ક્યુઆર કોડના આધારે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર એન્ટ્રી આપી દીધી હતી.  ચોંકાવનારી વાત એ છે કે સિદ્ધિવિનાયક ગણપતિ ટેમ્પલ ટ્રસ્ટ આ વાતથી બેખબર નથી અને તેમણે અમુક લોકો સામે ઍક્શન પણ લીધી છે. આમ છતાં આ ગોરખધંધો  બંધ નથી થતો. 

ગોરખધંધો બંધ કરાવવાને બદલે ટેમ્પલ ટ્રસ્ટ પોતે આવક કરશે

મુંબઈ : મુંબઈના પ્રભાદેવીમાં આવેલા વિશ્વવિખ્યાત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં કોવિડને લીધે ઑનલાઇન રજિસ્ટ્રેશન દ્વારા જ ફ્રી તથા પેઈડ દર્શન કરવાની વ્યવસ્થા છે. જોકે દર ગુરુવારે અઠવાડિયા માટે ઓપન થતા રજિસ્ટ્રેશનના ગણતરીના સમયમાં જ સવારના ૭થી રાતના ૭ વાગ્યા સુધીના પ્રત્યેક કલાકના ૧૦૦૦ પાસ મુજબ દિવસના ૧૨ હજાર અને અઠવાડિયાના ૮૪ હજાર પાસ બુક થઈ જાય છે. આને લીધે હજારો ભક્તો દર્શન કરવા માગતા હોવા છતાં ગણપતિબાપ્પાના મંદિરમાં પ્રવેશ નથી મેળવી શકતા. ચોંકાવનારી વાત એ છે કે કેટલાક ભક્તો સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી જાય છે ત્યારે તેમને ૩૦૦થી ૫૦૦ રૂપિયામાં ક્યુઆર કોડ બ્લૅકમાં આસાનીથી મળી જતા હોવાની ફરિયાદો મળ્યા બાદ મંદિરના સંચાલકો ચોંકી ઊઠ્યા છે. તેમણે પાસના બ્લૅક કરનારા કેટલાક લોકો સામે કાર્યવાહી કરી છે, પરંતુ બ્લૅકમાં પાસ વેચવાનો સિલસિલો કાયમ છે.‍ સિદ્ધિવિનાયક મંદિરમાં ખરેખર આવું બની રહ્યું છે કે કેમ તેમ જ મંદિરની સિસ્ટમમાં શું ખામી છે જેને લીધે કેટલાક લોકો એનો લાભ ઉઠાવી રહ્યા છે એ જાણવા ગઈ કાલે  ‘મિડ-ડે’એ આ મંદિરની મુલાકાત કરી હતી.
અમે અમારા ફોટોગ્રાફર સાથે ગઈ કાલે બપોરે ૧.૩૦ વાગ્યે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા ત્યારે મંગળવાર હોવા છતાં સામાન્ય સંજોગોમાં હોય છે એના કરતાં ભક્તોની ઘણી ઓછી ભીડ જોવા મળી હતી. મંદિરમાં પ્રવેશ માટેના સિદ્ધિ ગેટના પહેલા એન્ટ્રી પૉઇન્ટ પર અમે અંદર જવાની કોશિશ કરી ત્યારે અહીં તહેનાત ગાર્ડે કહ્યું હતું કે ઑનલાઇન બુકિંગ કરાવ્યું હોય તો મોબાઇલમાં ક્યુઆર કોડ બતાવો. અમે કહ્યું હતું કે બુકિંગ નથી કરાવ્યું, જો સ્લૉટ ઉપલબ્ધ હોય તો મંદિરની ઍપમાંથી બુક કરાવી લઈએે. તો ગાર્ડે કહ્યું હતું કે દર્શનના કોઈ સ્લૉટ ઉપલબ્ધ નથી.
આથી અમે ઍન્ટ્રી પૉઇન્ટની આસપાસ નજર દોડાવી ત્યારે એક-બે જણે પૂછ્યું કે દર્શન કરવાં છે સર? સાંભળીને અમે ચોંકી ઊઠ્યા. અમે કહ્યું કે સ્લૉટ ગુરુવાર બપોર સુધી ફુલ છે તો તમે કેવી રીતે દર્શન કરાવશો? તો એક યુવાને કહ્યું હતું કે તમે ચિંતા ન કરો, થઈ જશે. બે વ્યક્તિના પાસ માટે ૭૦૦ રૂપિયા થશે. દર્શન તો ફ્રીમાં છે તો તમે કેમ રૂપિયા માગી રહ્યા છો? તો યુવાને કટાક્ષમાં કહ્યું કે તો તમે મોબાઇલમાં મંદિરની ઍપ ડાઉનલોડ કરીને સ્લૉટ મેળવી લો. અમને ખબર હતી કે કોઈ સ્લૉટ ઉપલબ્ધ નથી એટલે પેલા યુવાન સાથે બાર્ગેઇનિંગ કરતાં તેણે ૫૦૦ રૂપિયામાં પાસ મેળવી આપવાનું કહ્યું હતું. અમારે મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થા જોવી હતી એટલે હા પાડી હતી.
પાસ મેળવવાનો સોદો પાક્કો થયા બાદ પેલા યુવાને અમારા મોબાઇલમાં ડાઉનલોડ કરેલી સિદ્ધિવિનાયક ટેમ્પલ ઍપ ઓપન કરી હતી અને એમાં એક મોબાઇલ નંબરથી લૉગ-ઇન કર્યું હતું. લૉગ-ઇન થતાં જ ઍપમાં માય બુકિંગ્સમાં ક્યુઆર કોડ જનરેટ થયેલો જોવા મળ્યો હતો. યુવાને બાદમાં મોબાઇલ અમારા હાથમાં મૂકીને કહ્યું હતું કે હવે પહેલા ઍન્ટ્રી પૉઇન્ટ પર જાઓ. મોબાઇલમાં ક્યુઆર કોડ દેખાડશો એટલે અંદર જવા દેશે. આથી અમે ફરી ઍન્ટ્રી પૉઇન્ટ પર પહોંચ્યા હતા. થોડી મિનિટો પહેલાં જે ગાર્ડે અમને દર્શનના તમામ સ્લૉટ બુક થઈ ગયા હોવાનું કહ્યું હતું તેણે જ અમને ક્યુઆર કોડ ક્યાંથી મેળવ્યો કે કોણે આપ્યો એવી કોઈ પણ પૂછપરછ કર્યા વિના અમને આગળ જવા દીધા હતા.
મંદિરના સિદ્ધિ ગેટ પરના મેઇન એન્ટ્રી પૉઇન્ટ પર મેટ્રો સ્ટેશનમાં છે એવા ફ્લૅપ અને બૅગ ચેક કરવા માટેનાં સ્કૅનર મૂકવામાં આવ્યાં છે. મોબાઇલના ક્યુઆર કોડને અહીંના સિક્યૉરિટી ગાર્ડ ક્યુઆર કોડ રીડર પર મૂકે છે ત્યારે ફ્લૅપ ઓપન થવાની સાથે પાંચેક ફુટ દૂર ફિક્સ કરાયેલા સિક્યૉરિટી ચેક માટેના મેટલ ડિટેક્ટરના ઉપરના ભાગમાં એક કૅમેરા છે, જેમાં દરેક આગંતુકની ઇમેજ આવી જાય છે. અમે અહીં પહોંચ્યા ત્યારે સિક્યૉરિટી ગાર્ડે અમારી પાસેની ફૂલ, પ્રસાદ અને નાળિયેર સાથેની થેલી બહાર મુકાવી દીધી હતી. તેણે આ વસ્તુઓ પર પ્રતિબંધ હોવાનું કહ્યું હતું. જોકે મંદિરની બહાર ફૂલ, પ્રસાદ કે નાળિયેર વેચનારા દુકાનદારે આવું અમને કહ્યું નહોતું એટલે એની પાછળ ખર્ચેલા રૂપિયા વેસ્ટ ગયા હતા.
સિક્યૉરિટી ચેક બાદ અમે મંદિરની અંદર ગયા ત્યારે પચીસથી ત્રીસ ભક્તો ગણપતિબાપ્પાનાં દર્શનની લાઇનમાં જોવા મળ્યા હતા. કેટલાકના હાથમાં મીઠાઈનાં બૉક્સ હતાં. અમે અંદરના ગાર્ડને પૂછ્યું કે અમને તો પ્રસાદ લાવવાની ના પાડવામાં આવી હતી ત્યારે આ લોકો કેવી રીતે મીઠાઈ સાથે અંદર આવી ગયા? તો ગાર્ડે કહ્યું હતું કે જેમણે ૧૫૦૦ રૂપિયાનો શ્રીદર્શનનો પાસ લીધો હોય તેમને પ્રસાદ ચઢાવવા દેવાય છે. પાંચ જ મિનિટમાં દર્શન કરીને અમે મંદિરના ગભારામાંથી બહાર નીકળી ગયા હતા. બહાર આવીને અમે લાઇનમાં ઊભેલા કેટલાક લોકોને પૂછ્યું હતું કે પાસ ઑનલાઇન રજિસ્ટ્રેશનથી મેળવ્યા છે કે બ્લૅકમાં ખરીદ્યા છે? તો મોટા ભાગના લોકોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન ઉપલબ્ધ નહોતું એટલે બ્લૅકમાં લેવા પડ્યા હોવાનું કહ્યું હતું.
મંદિરમાં એન્ટ્રીથી લઈને બહાર નીકળવાની આખી પ્રક્રિયામાં એક વાત ધ્યાનમાં આવે છે કે પ્રવેશ માટેના પહેલા એન્ટ્રી પૉઇન્ટ પર તહેનાત ગાર્ડ ક્યુઆર કોડ કોના નામનો છે અને ક્યારે બુકિંગ કર્યું હતું એ વિશે કંઈ જ પૂછતો નહોતો. તેની પાસે ક્યુઆર કોડ સ્કૅનર પણ નહોતું એટલે તે જાણી શકે કે મોબાઇલમાં ક્યુઆર કોડ બતાવી રહેલી વ્યક્તિ કોણ છે. કોવિડના સમયમાં મંદિરમાં ભક્તોનો એકસાથે ધસારો ન થાય એ માટે સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રસ્ટે ભીડને કન્ટ્રોલ કરવા માટે ઑનલાઇન સિસ્ટમ બનાવી છે, પરંતુ એમાં પહેલા ઍન્ટ્રી પૉઇન્ટ પર ક્યુઆર કોડ રીડ કરવાની વ્યવસ્થા ન હોવાની સાથે મેઇન એન્ટ્રી પૉઇન્ટ પર ક્યુઆર કોડ રીડર પર મૂકીને લોકોને અંદર જવા દેવાય છે ત્યારે અહીંનો સિક્યૉરિટી ગાર્ડ જે-તે વ્યક્તિનું નામ પૂછતો નથી કે આઇડેન્ટિટી કાર્ડ પણ માગતો નથી. મંદિરની સિક્યૉરિટીની આ નબળી કડી કેટલાક લોકો જાણતા હોવાને લીધે તેઓ ખુલ્લેઆમ એન્ટ્રી પાસના બ્લૅક કરી રહ્યા હોવાનું કહી શકાય છે. બીજું, ફૂલપ્રૂફ ન કહી શકાય એવી સિક્યૉરિટીનો લાભ લઈને કોઈ સમાજવિરોધી તત્ત્વો મંદિરની સલામતીની સાથે હજારો લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે.

સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા બાદ ‘મિડ-ડે’નો રિપોર્ટર પ્રકાશ બાંભરોલિયા

કેટલાક લોકોને પકડ્યા

સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રસ્ટનાં એક્ઝિક્યુટિવ ઑફિસર નંદા રાઉત-ખૂલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને કેટલાક ભક્તોની એન્ટ્રી પાસના બ્લૅક થઈ રહ્યા હોવાની ફરિયાદ મળી છે. આવું કરનારા કેટલાક લોકો સામે ઍક્શન પણ લેવામાં આવી છે. મંદિર દ્વારા દર ગુરુવારે બપોરે ૧૨ વાગ્યે આખા અઠવાડિયા માટેના સવારના સાતથી રાતના સાત વાગ્યા દરમ્યાનના કલાક-કલાકના ૧૦૦૦ દર્શનના સ્લૉટ ઓપન કરાય છે. બીજા શબ્દોમાં કહીએ તો દરરોજ ૧૨ હજાર અને અઠવાડિયે ૮૪ હજાર ભક્તો ફ્રી દર્શન કરી શકે એવી સિસ્ટમ અમે બનાવી છે. એક મોબાઇલ નંબર પરથી એક અઠવાડિયામાં એક વખત જ બુકિંગ થઈ શકે છે. જોકે ફરિયાદ મળ્યા બાદ અમે કરેલી તપાસમાં મંદિરની આસપાસના કેટલાક લોકો અસંખ્ય મોબાઇલથી સ્લૉટ બુકિંગ કરાવીને બાદમાં એનું બ્લૅક-માર્કેટિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાળાબજાર રોકવા માટે અમે ઑનલાઇન બુકિંગ કરનારાના મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડની માહિતી તથા જે મોબાઇલથી બુકિંગ કરાવ્યું હોય એમાં જ મંદિરની ઍપ ઓપન થઈ શકે એવી સિસ્ટમ બનાવી રહ્યા છીએ. આ સિવાય સામાન્ય ભક્તો ૧૫૦૦ રૂપિયાના પાસની સાથે ૨૦૦ રૂપિયાના પાસ મેળવીને પણ બાપ્પાનાં દર્શન કરી શકે એવી વ્યવસ્થા ટૂંક સમયમાં કરીશું. આનાથી પાસના બ્લૅક ઓછા થશે અને મંદિરને વધારાની આવક પણ થશે.’

૩૫૦ રૂપિયામાં દર્શન કર્યાં

દાદરમાં રહેતા ગણેશભક્ત દિલીપ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવાં હતાં, પરંતુ ઑનલાઇન સ્લૉટ ઉપલબ્ધ થતો ન હોવાથી ચાર દિવસ પહેલાં અમે કદાચ કોઈક વ્યવસ્થા થઈ જશે એવી આશાથી મંદિરે પહોંચી ગયા હતા. જોકે મંદિરના સિદ્ધિ ગેટની પહેલી એન્ટ્રીમાં જ અમને કહી દેવામાં આવ્યું હતું કે બધા સ્લૉટ ફુલ છે અને ઑનલાઇન બુકિંગ વિના કોઈને પ્રવેશ નથી અપાતો. આ સાંભળીને નિરાશા થઈ હતી. જોકે એ સમયે એક વ્યક્તિ મારી પાસે આવી હતી. તેણે કહ્યું હતું હું તમને દર્શન કરાવી શકું છું, પણ એના માટે ૩૫૦ રૂપિયા થશે. મારે બાપ્પાનાં દર્શન કરવાં હતાં એટલે આટલા રૂપિયા આપ્યા હતા. એ પછી આજે પણ હું મારા ફ્રેન્ડ સાથે ફરી સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો. આ વખતે ૨૫૦ રૂપિયામાં દર્શન થયાં હતાં. કોરોનાએ ભગવાનનાં દર્શન પણ ફ્રી રહેવા નથી દીધાં.’

 

mumbai mumbai news siddhivinayak temple prakash bambhrolia