ફ્રૂટ જૂસ હેલ્થ માટે જોખમી

07 November, 2011 07:33 PM IST  | 

ફ્રૂટ જૂસ હેલ્થ માટે જોખમી

 

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અને બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડડ્ર્સ (બીઆઇએસ)નાં ધોરણો અનુસાર આ આઇટમોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.


બાયોલૉજી મેટ્રોપૉલિસ હેલ્થકૅર લિમિટેડના માઇક્રોબાયોલૉજી વિભાગનાં ચીફ ડૉક્ટર શમા શેટ્યેએ કહ્યું હતું કે ‘પરીક્ષણ માટે અમે બધી જ ફૂડ-આઇટમોને ત્રણ કૅટેગરીમાં વહેંચી હતી: સ્વીકાર્ય, સંતોષકારક અને અસંતોષકારક. બધી જ ફૂડ-આઇટમોમાં મોસંબીના જૂસની અંદર સૌથી વધુ કૉલિફૉર્મ બૅક્ટેરિયા અને યીસ્ટ (આથો) જોવા મળ્યા હતા. આને લીધે મોસંબીનો જૂસ પીવાલાયક નથી ગણવામાં આવ્યો. કૉલિફૉર્મ બૅક્ટેરિયાને કારણે ડાયેરિયા જેવી ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ બીમારી થઈ શકે છે.’


હકીકતમાં છેલ્લાં ત્રણ વર્ષથી શહેરમાં ડાયેરિયાની બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ૨૦૦૮-’૦૯માં ડાયેરિયાના ૮૧,૩૨૧ કેસ નોંધાયા હતા. ૨૦૧૦-’૧૧ના માર્ચ મહિના સુધીમાં ૧.૨૫ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે.
‘મિડ-ડે’એ મહાલક્ષ્મીના હાજી અલી જૂસ સેન્ટર, ચર્ની રોડના બૅચલર્સ જૂસ સેન્ટર, વિલે પાર્લે‍ના અમર જૂસ સેન્ટર અને માટુંગાના હેલ્થ જૂસ સેન્ટરમાંથી સૅમ્પલો લીધાં હતાં. આ બધાં જ સેન્ટરો કૉલેજિયનોમાં બહુ લોકપ્રિય છે.


‘મિડ-ડે’ના રિપોર્ટરોએ પ્લાસ્ટિકના ગ્લવ્ઝ પહેરીને દરેક ફૂડ-આઇટમો ખરીદીને કન્ટેનરમાં મૂકી હતી. ત્યાર પછી એ સૅમ્પલોને આઇસ-પૅક્સ સાથેના થર્મોકોલના બૉક્સમાં મૂકીને લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેથી માર્ગમાં એની અંદર કોઈ ભેળસેળ કે બગાડ ન થાય.

સિક્કાની બીજી બાજુ


હાજી અલી જૂસ સેન્ટરના સુધાકર મન્યતે કહ્યું હતું કે ‘અમે હંમેશાં ફ્રેશ જૂસ સર્વ કરીએ છીએ. ગ્રાહક વિનંતી ન કરે તો અમે એમાં ખાંડ પણ નથી ઉમેરતા. ફ્રૂટ્સ દરરોજ વાશીની માર્કેટમાંથી ખરીદવામાં આવે છે. ફ્રૂટનો જૂસ બનાવતાં પહેલાં એને બરોબર ધોઈએ છીએ. ફળોને પકવવા માટે ખેડૂતો રસાયણો વાપરતા હોવાની વાત જાણીતી છે. એના કારણે ફળોમાં બૅક્ટેરિયા હોય એ શક્ય છે.’


અમર જૂસ સેન્ટરના માલિક તુષાર જોશીએ કહ્યું હતું કે ‘જૂસમાં અમે કોઈ ચીજ ઉમેરતા નથી. પાણી પણ નહીં અને બરફ પણ નહીં. અમારા મોટા ભાગના ગ્રાહકો કૂપર હૉસ્પિટલના દરદીઓ છે. જો અમારો જૂસ પીવાલાયક ન હોય તો એનું કારણ એ જ હોઈ શકે કે ફળોમાં કોઈક રસાયણો હશે.’


હેલ્થ જૂસ સેન્ટરના મૅનેજર શ્રીકાન્ત પાટીલે કહ્યું હતું કે ‘અમે ૫૦૦ પ્રકારના અલગ-અલગ જૂસ વેચીએ છીએ. હજી સુધી કોઈ દિવસ આ પ્રકારની ફરિયાદ નથી આવી.’
બૅચલર્સ જૂસ સેન્ટરના માલિક અરુણ અગ્રવાલે કહ્યું હતું કે ‘જૂસર તથા ફળો સાફ કરવા માટે અમે સુધરાઈનું પાણી વાપરીએ છીએ. કન્ટેમિનેશન ક્યાંથી થાય છે એ શોધવાનો અમે પ્રયાસ કરીશું. અમે કોઈ ગ્રાહકને બૅક્ટેરિયાવાળો જૂસ નહીં આપીએ.’

નિષ્ણાતો શું કહે છે?


ડૉક્ટર શેટ્યેએ કહ્યું હતું કે ‘બૅક્ટેરિયા ઍક્ઝેક્ટ્લી ક્યાં પેદા થાય છે એ જાણવાનું મુશ્કેલ છે. એ બરફ કે પાણીમાં જમા થયા હોઈ શકે. જે પાણીથી ગ્લાસ ધોવામાં આવ્યા હોય એના દ્વારા પણ બૅક્ટેરિયા જૂસમાં પ્રવેશી શકે. ફળોને કાપીને જો ખુલ્લાં રાખવામાં આવે તો એમાં આથો પેદા થઈ શકે છે.’


સિનિયર ગાયનેકૉલૉજિસ્ટ ડૉક્ટર દરુ શાહે કહ્યું હતું કે ‘મોસંબીના જૂસમાંના કૉલિફૉર્મ આંતરડાં ખરાબ કરી શકે છે, જેને કારણે લૂઝ મોશન થઈ શકે છે. પ્રેગ્નન્ટ મહિલાઓ માટે આવી સ્થિતિ જોખમકારક પુરવાર થઈ શકે છે. ધોયા વિનાનાં વાસણો વાપરવાથી બૅક્ટેરિયા પેદા થઈ શકે છે. અમે પેશન્ટોને જૂસ પીવાની સલાહ આપીએ છીએ, પરંતુ હંમેશાં ઘરે તાજો બનાવેલો જૂસ પીવાનું જ કહીએ છીએ. કોઈ પણ રેસ્ટોરાં પર ભરોસો ન કરી શકાય.’


જસલોક હૉસ્પિટલનાં ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉક્ટર આભા નાગરાલે કહ્યું હતું કે ‘ટૉઇલેટ ગયા પછી હાથ ન ધોવાથી કૉલિફૉર્મ પેદા થઈ શકે છે. માખીઓ પણ આવી ગંદકી ફેલાવે છે.’


બ્રીચ કૅન્ડી હૉસ્પિટલનાં ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર ઇલિન કૅન્ડીએ કહ્યું હતું કે ‘જૂસ કાઢવા માટે વપરાયેલાં જૂસર, ગ્રાઇન્ડર, છરી કે ફ્રૂટ કાપવા માટે વપરાયેલા ર્બોડને કારણે આવું કન્ટેમિનેશન પેદા થયું હોય એ શક્ય છે. અમે હૉસ્પિટલમાં જૂસ તૈયાર કરીએ ત્યારે પહેલાં બધાં વાસણોને સ્ટરિલાઇઝ કરીએ છીએ. ફળોમાં વપરાતાં કેમિકલ અને જૂસમાં મળી આવેલા બૅક્ટેરિયા એ બન્ને અલગ છે.’

સંકલન : પ્રિયંકા વોરા, માલીવા રિબેલો, ચેતના યેરુણકર, ફૈઝલ ટંડેલ, ડેઝી વર્મા અને નિવેદિતા દરગલકર.