સમયસર જાગી ગઈ બીએમસી

10 June, 2023 09:40 AM IST  |  Mumbai | Rohit Parikh

‘મિડ-ડે’માં પાંચમી જૂને પ્રસિદ્ધ થયેલા અહેવાલ પછી કાંદિવલી-ઈસ્ટમાં હાઇવે પર ઠાકુર કૉમ્પ્લેક્સના સિગ્નલ બાદ બોરીવલી તરફ જતા સર્વિસ રોડ પરની ચાર ચેમ્બરનાં ઢાંકણાં રોડના લેવલમાં કરવામાં આવ્યાં

આ અહેવાલ પછી સર્વિસ રોડ પરની ચાર ચેમ્બરનાં રોડના લેવલથી નીચે ઊતરી ગયેલાં ઢાંકણાં લેવલમાં કરી લેવામાં આવ્યાં હતાં.


મુંબઈ : કાંદિવલી-ઈસ્ટમાં હાઇવે પર ઠાકુર કૉમ્પ્લેક્સના સિગ્નલ બાદ બોરીવલી તરફ જતા સર્વિસ રોડ પરની ચાર ચેમ્બરનાં ઢાંકણાં રોડના લેવલથી નીચે ઊતરી ગયાં હતાં. એને કારણે બાઇકરો અને રિક્ષાઓ માટે આ રોડ જોખમી બની ગયો હતો. આ બાબતમાં બે મહિનામાં અનેક વાર ફરિયાદો કરવા છતાં મહાનગરપાલિકાના આર-સાઉથ વૉર્ડના અધિકારીઓ દાદ આપતા નહોતા. જોકે પાંચમી જૂનના ‘મિડ-ડે’માં ‘કોઈનો જીવ જાય એ પહેલાં બીએમસી જાગી જાય તો સારું’ આ બાબતનો અહેવાલ પ્રસિદ્ધ થયા પછી કલાકોમાં જ સર્વિસ રોડ પરની ચેમ્બરનાં ઢાંકણાં મહાનગરપાલિકાએ ચેમ્બરોની આસપાસ સિમેન્ટ પૂરીને લેવલમાં કરી લીધાં હતાં. એને પરિણામે રોડ ટૂ-વ્હીલર અને રિક્ષા માટે સુરિક્ષત બની ગયો હતો.
મહાનગરપાલિકાની ત્વરિત કાર્યવાહી માટે હું ‘મિડ-ડે’નો ખૂબ-ખૂબ આભારી છું એમ જણાવીને આ રોડ પરથી અવારનવાર બાઇક પરથી પસાર થતા મીરા રોડના મેડિકલ રિપ્રેઝન્ટેટિવ પીનલ વશીએ કહ્યું હતું કે ‘બાર વર્ષ પહેલાં મારા નાના ભાઈનો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થયો હતો. એમાં તે ઈજાગ્રસ્ત થયો હતો, પણ લાંબા સમયની ડૉક્ટરોની સારવાર પછી બચી ગયો હતો. એ દિવસથી હું જાગૃત થઈ ગયો છું અને મારા ભાઈની જેમ અન્ય કોઈનો અકસ્માત ન થાય એ માટે સંબંધિત વિભાગોને જગાડતો રહ્યું છું.’
કાંદિવલી-ઈસ્ટમાં હાઇવે પર ઠાકુર કૉમ્પ્લેક્સના સિગ્નલ બાદ બોરીવલી તરફ જતા સર્વિસ રોડ પરની ચાર ચેમ્બરનાં ઢાંકણાં રોડના લેવલથી નીચે ઊતરી ગયાં હતાં એ જોયા બાદ હું સતત મહાનગરપાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટમાં આ બાબતની ફરિયાદ કરતો હતો એમ જણાવીને પીનલ વશીએ કહ્યું હતું કે ‘આ બાબતની બે મહિનામાં અનેક વાર ફરિયાદ કરવા છતાં આર-સાઉથ વૉર્ડના અધિકારીઓ હોતી હૈ, ચલતી હૈની રમત રમી રહ્યા હતા. મને ભય હતો કે ચોમાસામાં આ રોડ વધુ જોખમી બની જશે. આથી મારા જેવા હજારો બાઇકરોનો જીવ બચાવવા મેં આ સમસ્યાના નિરાકરણ માટે ‘મિડ-ડે’નો સંપર્ક કર્યો હતો. એણે મારી ફરિયાદ આર-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર લલિત તળેકરને કરી હતી. લલિત તળેકરે આ ફરિયાદની નોંધ લઈને કહ્યું હતું કે તેઓ આ બાબતની તપાસ કરીને જણાવશે. મારા આશ્ચર્ય વચ્ચે લલિત તળેકરે આ ફરિયાદને ગંભીરતાથી લઈને ચારેય ચેમ્બરોનાં ઢાંકણાં રોડ-લેવલમાં કરાવી લીધાં હતાં. હું ‘મિડ-ડે’ની સાથે આર-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર લલિત તળેકરનો પણ ખૂબ જ આભારી છું.’

mumbai news kandivli