બેસ્ટે લીધી બેસ્ટ ઍક્શન

01 December, 2021 08:07 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

છેલ્લાં બે વર્ષથી બોરીવલીના લિન્ક રોડ પર આવેલા બેસ્ટના ડેપોમાં ચાલતું કારની લે-વેચનું કામ ‘મિડ-ડે’ના અહેવાલના ગણતરીના કલાકમાં રોકવામાં આવ્યું. જોકે હવે આ કાર લિન્ક રોડની ફુટપાથ પર પાર્ક કરવામાં આવતાં લોકોની વધી મુસીબત

વાહનો હટાવ્યા બાદ બોરીવલીના લિન્ક રોડ પર આવેલો બેસ્ટનો ડેપો. નિમેશ દવે

બેસ્ટ વહીવટી તંત્ર દ્વારા તરત કાર્યવાહી હાથ ધરાતાં બોરીવલીમાં લિન્ક રોડ પર આવેલા બેસ્ટ ડેપોમાં આવેલી ગ્રેવિટી મોટર્સ દ્વારા લે-વેચ માટે પાર્ક કરવામાં આવેલી કારને પબ્લિક પાર્કિંગ લૉટમાંથી હટાવી લેવામાં આવી હતી. ગઈ કાલના ‘મિડ-ડે’માં આ બાબતનો અહેવાલ આવ્યા બાદ પ્રશાસને કાર્યવાહી કરી હતી. જોકે આ બધી કારને હવે ડેપોની બહાર આવેલી ફુટપાથ પર પાર્ક કરવામાં આવતાં વ્યસ્ત લિન્ક રોડની ફુટપાથ પરથી જતા નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. 
સુધરાઈ દ્વારા વિનંતી કરવામાં આવતાં બેસ્ટે પોતાના ડેપોમાં પબ્લિક પે ઍન્ડ પાર્કની સુવિધા શરૂ કરી હતી. ત્યારે એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ સ્થળનો ઉપયોગ કમર્શિયલ હેતુ માટે કરવા દેવામાં નહીં આવે. બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે લોકોની ફરિયાદને અમે હંમેશાં આવકારીએ છીએ તેમ જ જો કોઈ ગરબડ નજરે પડે તો તરત કાર્યવાહી પણ કરીએ છીએ.
 બોરીવલીનાં ઍડ્વોકેટ મંજુલા બિશ્વાસે ગયા સપ્તાહે આ સંદર્ભે બેસ્ટના વહીવટી તંત્રને પત્ર લખીને ફરિયાદ કરી હતી. ડીલર છેલ્લાં બે વર્ષથી આ જગ્યાનો ઉપયોગ કરતો હતો તેમ જ બેસ્ટ તેની પાસેથી એનું ભાડું પણ વસૂલ કરતી હતી. 
મંજુલા બિશ્વાસે કહ્યું કે ‘તરત કાર્યવાહી કરવા બદલ હું બેસ્ટના વહીવટી તંત્રની આભારી છું, પરંતુ હવે આ વાહનો ડેપોની બહાર પાર્ક કરવામાં આવ્યાં છે એને કારણે લોકોની મુશ્કેલી વધી છે. જો લોકો ફુટપાથને બદલે રસ્તા પર ચાલશે તો ગંભીર અકસ્માતનો ભોગ પણ બની શકે છે. ઘણા બધા સેકન્ડહૅન્ડ કાર-ડીલર બેસ્ટના ડેપોનો આવો જ ઉપયોગ કરી રહ્યા છે. ટ્રાફિક-પોલીસે આ મામલે વિશેષ અભિયાન હાથ ધરીને આવા ડીલરોને દંડ ફટકારવો જોઈએ, કારણ કે કેટલાક દિવસો કે ઘણી વખત કેટલાક કલાકો બાદ બધું અગાઉની જેમ જ ફરી ચાલુ થઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સિનિયર પોલીસ અને ટ્રાફિક અધિકારીઓએ સુધરાઈ સાથે મળીને ચોક્કસ યોજના બનાવવી જોઈએ.’ 

Mumbai mumbai news sanjeev shivadekar