સાઉથ મુંબઈમાં ૫૦ હજાર નવાં ઘરનો મ્હાડાનો પ્લાન

23 December, 2012 04:48 AM IST  | 

સાઉથ મુંબઈમાં ૫૦ હજાર નવાં ઘરનો મ્હાડાનો પ્લાન



વરુણ સિંહ

મુંબઈ, તા. ૨૨

મ્હાડાની યોજના પ્રમાણે જો બધું થાય તો સાઉથ મુંબઈમાં અંદાજે ૫૦,૦૦૦ કરતાં વધુ ઘરનું નિર્માણ થઈ શકે છે. બૉમ્બે ર્પોટ ટ્રસ્ટ (બીપીટી)ની જમીન પર મ્હાડાનાં ૧૨૦૦ બિલ્ડિંગો આવેલાં છે અને ત્યાં અત્યારે ૨૫,૦૦૦ કરતાં વધુ પરિવારો વસે છે. આ બિલ્ડિંગોની હાલત ભારે ખરાબ થઈ ગઈ હોવાથી એના તાત્કાલિક રીડેવલપમેન્ટની મંજૂરી આપવા મ્હાડાએ બીપીટીને પત્ર પણ લખ્યો છે. મ્હાડાના રિપેર ર્બોડના ચૅરમૅન પ્રસાદ લાડે કહ્યું હતું કે બિલ્ડરો પાસેથી પ્રીમિયમ લઈને રીડેવલપમેન્ટની મંજૂરી આપવા બીપીટીને અમે જણાવ્યું છે.

હાલ આ બિલ્ડિંગોમાં ૨૫,૦૦૦ પરિવારો વસે છે. જો રીડેવલપમેન્ટને મંજૂરી અપાય તો ઓપન માર્કેટમાં એના ફ્લૅટનું વેચાણ થતાં એટલા વધુ પરિવારો ત્યાં વસવાટ કરી શકશે. પ્રસાદ લાડે કહ્યું હતું કે ‘આ તમામ બિલ્ડિંગો માત્ર મ્હાડા જ રીડેવલપ કરશે. તમામને એનઓસી મ્હાડા જ આપે એમ ફરજિયાત બનાવવામાં આવશે. આ દરમ્યાન લોકોને અસ્થાયી વસવાટ બીપીટી નહીં પરંતુ મ્હાડા જ આપશે.’