મ્હાડાની લૉટરીમાં અરજી કરતાં પહેલાં આધાર કાર્ડ તૈયાર રાખજો

26 September, 2012 04:52 AM IST  | 

મ્હાડાની લૉટરીમાં અરજી કરતાં પહેલાં આધાર કાર્ડ તૈયાર રાખજો



જો તમે ભવિષ્યમાં મ્હાડાની લૉટરી સિસ્ટમમાં ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા હો તો તમારું આધાર કાર્ડ તૈયાર રાખજો, કારણ કે મ્હાડા હવે દરેક અરજદાર માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી દે એવી પૂરેપૂરી શક્યતા છે. મ્હાડાના અધિકારીઓને લાગે છે કે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દેવાથી લૉટરીની પ્રક્રિયા વધારે પારદર્શક બનાવી શકાશે. લૉટરીની પ્રક્રિયાને વધારે પારદર્શક બનાવવા માટે મ્હાડાએ ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીના એક સભ્ય દ્વારા જ મ્હાડાના મુંબઈ ર્બોડને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે જેમાં લૉટરી માટે અરજી કરતા દરેક અરજદાર માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. મ્હાડાના એક સિનિયર અધિકારીએ આ વાત સાચી હોવાનું જણાવીને કહ્યું છે કે અમને આ વિશેની કમિટી મેમ્બરની પ્રપોઝલ મળી ગઈ છે અને ટૂંક સમયમાં એના પર નર્ણિય લેવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી લૉટરી સિસ્ટમમાં નકલી અરજીઓનું પ્રમાણ વધી રહ્યું છે એવી માહિતી ધ્યાનમાં આવતાં એને વધારે પારદર્શક બનાવવાના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. મ્હાડાના અધિકારી જણાવે છે કે છેલ્લી લૉટરીમાં ઘણાબધા નકલી અરજદારો આવ્યા હતા એટલે આ સમસ્યાને અંકુશમાં લેવા માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવવાના વિકલ્પની વિચારણા થઈ રહી છે. ૧૨ ફેબ્રુઆરીએ ખેરવાડી પોલીસ-સ્ટેશનમાં ૧૭ પ્રૉપર્ટી એજન્ટ અને ૩૨૪ લૉટરી-વિજેતા વિરુદ્ધ ૨૦૧૧ની હાઉસિંગ લૉટરીમાં ૪૨૫ ફ્લૅટના મામલામાં હાઉસિંગ ર્બોડ સાથે છેતરપિંડી કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો.

૨૦૧૧માં મ્હાડાએ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ૪૦૩૪ ઘર માટે લૉટરી જાહેર કરી હતી. પછી મ્હાડાને ખબર પડી હતી કે આ લૉટરીમાં જીતનારા અંદાજે ૪૨૫ અરજદારો સરખું ઍડ્રેસ, સરખા ફોન-નંબર અને સરખાં બૅન્ક-અકાઉન્ટ નંબર ધરાવે છે. મ્હાડાને એવો બેનામી પત્ર પણ મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ લૉટરીમાં મોટું કૌભાંડ થયું છે. એ પછી મ્હાડામાં આંતરિક કાર્યવાહી થઈ હતી. આ ૪૨૫ વિજેતાઓને મ્હાડાએ ઇન્ક્વાયરી કમિટી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું, પણ માત્ર ૧૦૨ જણ જ હાજર રહ્યા હતા અને બાકીના અરજદારોએ કહ્યું હતું કે તેમના એજન્ટોએ તેમના ઍડ્રેસના આધારે ફૉર્મ ભર્યા હતાં.

મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી