ઑફિસ તોડવાની નોટિસ કાઢનારાને નહીં બોલાવો તો જોવા જેવી થશે

01 February, 2023 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના નેતા અનિલ પરબની ગેરકાયદે ઑફિસ મ્હાડાએ તોડી પાડ્યા બાદ આક્રમક થઈને મ્હાડાની ઑફિસનો કર્યો ઘેરાવ : કિરીટ સોમૈયાને બિલ્ડરના દલાલ કહીને સામે આવવા પડકાર્યા

બાંદરા-પૂર્વમાં મ્હાડાનાં ગાંધીનગર ખાતેનાં બિલ્ડિંગ ૫૭ અને ૫૮ વચ્ચેની ખુલ્લી જગ્યામાં આવેલી ઑફિસને ગઈ કાલે તોડી પાડવામાં આવી હતી. તસવીર: આશિષ રાજે

મુંબઈ : બાંદરા-પૂર્વમાં મ્હાડાનાં ગાંધીનગર ખાતેનાં બિલ્ડિંગ ૫૭ અને ૫૮ની વચ્ચેની ખુલ્લી જગ્યામાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના માનીતા નેતા અનિલ પરબની ગેરકાયદે ઑફિસને સોમવારે સાંજે તોડી પડાયા બાદ ગઈ કાલે બપોરે અનિલ પરબ સેંકડો શિવસૈનિક સાથે મ્હાડાની ઑફિસ તરફ ધસી ગયા હતા. તેમણે મ્હાડાની ઑફિસની બહાર જ મ્હાડાના સીઈઓને ચેતવણી આપી હતી કે તોડકામની નોટિસ મોકલનારા અધિકારીને અહીં નહીં બોલાવો તો જોવા જેવી થશે. આ સમયે અનિલ પરબે બીજેપીના નેતા કિરીટ સોમૈયાને પણ હિંમત હોય તો ઑફિસમાં આવશો તો શિવસૈનિકો એમની સ્ટાઇલમાં મહેમાનગતિ કરશે એવું કહ્યું હતું. અનિલ પરબે મ્હાડાની ઑફિસનો ઘેરાવ કર્યો હતો ત્યારે પોલીસને પણ વચ્ચે આવશો તો અમે જવાબદાર નહીં રહીએ એમ કહીને રીતસરની ધમકાવી હતી. જોકે બાદમાં પોલીસે શિવસૈનિકોને મ્હાડાના ગેટ પાસેથી દૂર કરી દીધા હતા.

મ્હાડાની જગ્યામાં ગેરકાયદે બનાવવામાં આવેલી ઑફિસને તોડી નાખવામાં આવ્યા બાદ શિવસેનાના નેતા અનિલ પરબ ગઈ કાલે ભારે આક્રમક બની ગયા હતા. આ જગ્યાએ બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ ૧૨.૩૦ વાગ્યે આવવાના હતા એને પડકાર ફેંકવા માટે અનિલ પરબ સેંકડો શિવસૈનિકો સાથે મ્હાડાની ઑફિસે પહોંચ્યા હતા અને મ્હાડાના સીઈઓને કહ્યું હતું કે ઑફિસ તોડવાની નોટિસ જારી કરનારા અધિકારીને બહાર નહીં બોલાવો તો જોવા જેવી થશે. આટલું કહીને તેઓ મ્હાડાની ઑફિસમાં ગયા હતા અને શિવસૈનિકોને ગેટ પર આંદોલન જારી રાખવાની સૂચના આપી હતી.

શું છે મામલો?

ગાંધીનગરમાં આવેલાં મ્હાડાનાં બે બિલ્ડિંગની વચ્ચેની ખાલી જગ્યામાં અનિલ પરબે ગેરકાયદે ઑફિસ બનાવી હોવાની ફરિયાદ વિલાસ શેલગે નામના એક રહેવાસીએ ૨૦૧૯માં મ્હાડામાં કરી હતી. આથી મ્હાડાએ અનિલ પરબને ૨૦૧૯ની ૨૭ જૂને નોટિસ મોકલી હતી. ૨૦૨૧ની બીજી સપ્ટેમ્બરે લોકાયુક્તે ઑફિસ તોડવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં મ્હાડાએ ૨૦૨૧ની ૨૫ ઑક્ટોબરે તોડકામની નોટિસ પાઠવી હતી. આમ છતાં કંઈ ન થતાં કિરીટ સોમૈયાએ આ વર્ષે પાંચમી જાન્યુઆરીએ મ્હાડાને આ સંબંધે રિમાઇન્ડર મોકલ્યું હતું. આથી મ્હાડાએ પોલીસની સુરક્ષા માગીને સોમવારે ઑફિસ તોડી પાડવાની તૈયારી કરી હતી. જોકે મ્હાડાની ટીમ પહોંચે એ પહેલાં જ અનિલ પરબના માણસોએ ઑફિસ તોડી નાખી હતી.

કિરીટ સોમૈયાને દલાલ કહ્યા

અનિલ પરબે ગઈ કાલે મ્હાડાના સીઈઓ મિલિંદ બોરીકરને તતડાવ્યા હતા અને કહ્યું હતું કે તોડી પાડવામાં આવેલી ઑફિસ સાથે પોતાનો શું સંબંધ છે? નોટિસ મોકલનારા અધિકારીને હાજર નહીં કરો ત્યાં સુધી હું અહીંથી હટીશ નહીં એવું પણ તેમણે કહ્યું હતું. અનિલ પરબે કિરીટ સોમૈયા બિલ્ડરના દલાલ હોવાનો આરોપ કરીને તેમને પડકાર ફેંક્યો હતો કે હિંમત હોય તો મારી ઑફિસ તરફ આવો, શિવસૈનિકો તમારો એમની સ્ટાઇલમાં સત્કાર કરશે.

પોલીસે કિરીટ સોમૈયાની કાર અટકાવી

અનિલ પરબની ઑફિસ તૂટ્યા બાદ કિરીટ સોમૈયાએ જાહેરાત કરી હતી કે તેઓ આજે બપોરના ૧૨.૩૦ વાગ્યે અહીં આવશે. આ જાણીને અનિલ પરબના સમર્થકો આક્રમક બની ગયા હતા અને કિરીટ સોમૈયા અહીં આવશે તો તેમને જોઈ લઈશું એવો સૂત્રોચ્ચાર કર્યો હતો. બીજી તરફ કિરીટ સોમૈયા બીકેસી તરફથી ગાંધીનગર બાજુએ બપોરના આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની કારને રોકી દીધી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે અનિલ પરબની ઑફિસ પાસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 

mumbai mumbai news