મેટ્રો બધાના ખિસ્સાને પરવડનારી હશે: ઉદ્ધવ ઠાકરે

30 January, 2021 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ્રો બધાના ખિસ્સાને પરવડનારી હશે: ઉદ્ધવ ઠાકરે

ગઇકાલે ચારકોપ મેટ્રો ડેપોમાં ડ્રાઇવરલેસ મેટ્રોના કોચનું ઉદ્દઘાટન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલી રહેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (તસવીરઃ સૈયદ સમીર અબેદી)

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ચારકોપ (કાંદિવલી) મેટ્રો ડેપો ખાતે પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો કોચનું ઉદ્ઘાટન કર્યું હતું. એ કોચનો ઉપયોગ દહિસર-ડી. એન. નગર મેટ્રોલાઇન 2-A અને દહિસર-અંધેરી (ઈસ્ટ) મેટ્રોલાઇન-7ના રૂટ્સમાં કરવામાં આવશે. બન્ને રૂટ્સ આવતા મે-જૂન મહિના સુધીમાં શરૂ થવાનો અંદાજ છે. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મુંબઈગરાઓ માટે આજે આ ડ્રાઇવરલેસ મેટ્રોના કોચનું ઉદઘાટન કરવું એ મારા માટે ગર્વની વાત છે. આ મેટ્રો તેમના માટે રોજિંદા પ્રવાસનું સાધન બનવાનું છે. આ જ કારણ સર એ બધાને પરવડે એનું અમે ધ્યાન રાખીશું. જોકે, આની સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે કોઈ પણ પ્રવાસી એમાં સાયકલ પણ લઈ જઈ શકશે. ઘણા લોકો અમે કંઈ કામ નથી કરતા એવી નિંદા કરે છે, પણ મારે એટલું જ કહેવું છે કે આગામી ત્રણ-ચાર વર્ષમાં મેટ્રોના ઘણાં રૂટ શરૂ કરવામાં આવશે.’

ડ્રાઇવરલેસ મેટ્રો કોચના ઉદ્ઘાટન  પ્રસંગે નગર વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદે, પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે, મુંબઈ શહેર ક્ષેત્રના પાલક પ્રધાન અસલમ શેખ, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકર અને મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર ઉપસ્થિત હતાં. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય પ્રધાન સહિત મહાનુભાવોને મેટ્રો રેલવે વિશે ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

mumbai mumbai news mumbai metro uddhav thackeray