મુંબઈ મેટ્રોનો કેબલ બ્રિજ તૈયાર : મેટ્રો રેલવે ડેડલાઇન જાળવે એવી શક્યતા

02 September, 2012 04:45 AM IST  | 

મુંબઈ મેટ્રોનો કેબલ બ્રિજ તૈયાર : મેટ્રો રેલવે ડેડલાઇન જાળવે એવી શક્યતા

વર્સોવાથી અંધેરી માર્ગે ઘાટકોપર સુધી દોડનારી મુંબઈની પહેલી મેટ્રો ટ્રેન માટે અંધેરીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાંધવામાં આવેલા કેબલ આધારિત બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે. એને કારણે માર્ચ ૨૦૧૩માં આ માર્ગે ટ્રેનસર્વિસ શરૂ થાય એવી આશા બંધાઈ છે. આ બ્રિજ અનેક રીતે અનોખો છે અને ટ્રાફિકથી ધમધમતા રહેતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની નીચેના ટ્રાફિકને જરા પણ અસર પહોંચાડ્યા વિના એને બાંધવામાં મુંબઈ મેટ્રો વનને મળેલી સફળતા એક અનોખી સિદ્ધિ છે. આ બ્રિજ બાંધવા માટે વિદેશથી નવી ટેક્નૉલૉજી પણ પહેલી વાર મગાવવામાં આવી હતી. મુંબઈ મેટ્રો વન પ્રોજેક્ટમાં આ બીજો કેબલ ધરાવતો બ્રિજ છે.

અંધેરીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના જોગ ફ્લાયઓવર પરથી પસાર થતો મુંબઈ મેટ્રો રેલવેનો આ કેબલ આધારિત બ્રિજ એશિયામાં સૌથી મોટો અને વિશ્વમાં બીજા નંબરનો છે. આ ફ્લાયઓવર પરથી રોજ આશરે ૧,૨૦,૦૦૦ વાહનો પસાર થાય છે.

આ બ્રિજ ૧૮૩ મીટર લાંબો છે. વાહનોથી ધમધમતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બ્રિજ બાંધવાની સામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરી શકાય એમ નહોતો. આથી એન્જિનિયરોએ આ બ્રિજ બાંધવા માટે ચીનથી વિશેષ પ્રકારની પદ્ધતિ આયાત કરી હતી. આવી પદ્ધતિનો પણ ભારતમાં પહેલી વાર ઉપયોગ થયો છે. આ બ્રિજની જમીનથી ઊંચાઈ ૧૯.૪ મીટર છે, જ્યારે મેટ્રો રેલવે જમીનથી ૨૧ મીટરની ઊંચાઈએ દોડશે. આ બ્રિજ બાંધવા માટે જોગ ફ્લાયઓવરની બન્ને તરફ અંગ્રેજીમાં વાય આકારના બે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે અને એમાંથી આ બ્રિજ માટેના કેબલો પસાર થાય છે. આ કેબલો કોરિયાની એક કંપની પાસેથી આયાત કરવામાં આવ્યા છે.

૧૨ સ્ટેશન હશે

વર્સોવાથી ઘાટકોપર સુધી દોડનારી ૧૧.૪ કિલોમીટર લાંબી મુંબઈ મેટ્રો રેલવેમાં કુલ ૧૨ સ્ટેશન હશે જેમાં વર્સોવા, ડી. એન. નગર, આઝાદનગર, અંધેરી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ચકાલા, ઍરપોર્ટ રોડ, મરોલ, સાકીનાકા, સુભાષનગર, જાગૃતિનગર અને ઘાટકોપરનો સમાવેશ છે. આ લાઇન પર ચાર ડબ્બાની એક એવી ૧૬ ટ્રેન હાલમાં મગાવવામાં આવી છે અને જો ભવિષ્યમાં ટ્રાફિક વધશે તો વધુ ટ્રેનો લાવવાનો પણ પ્લાન છે. દર ત્રણ મિનિટે એક ટ્રેન દોડશે અને રોજ દસ લાખ લોકો એનો ઉપયોગ કરે એવી ગણતરી છે. પીક-અવર્સમાં દર કલાકે એક દિશામાં ૪૫,૦૦૦ લોકો પ્રવાસ કરશે.