મેટ્રો કાર-શેડનો મુદ્દો સંવાદ દ્વારા ઉકેલી શકાય : ઉદ્ધવ ઠાકરે

21 December, 2020 08:32 AM IST  |  Mumbai | Agencies

મેટ્રો કાર-શેડનો મુદ્દો સંવાદ દ્વારા ઉકેલી શકાય : ઉદ્ધવ ઠાકરે

વેબકાસ્ટના માધ્યમથી જનતાને સંબોધન કરી રહેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે.

કાંજુરમાર્ગ મેટ્રો કાર-શેડનો મુદ્દો સંવાદ દ્વારા ઉકેલી શકાય એમ હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. ગઈ કાલે વેબકાસ્ટ દ્વારા મહારાષ્ટ્રની જનતાને સંબોધતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કાંજુરમાર્ગમાં મેટ્રો કાર-શેડને મુદ્દે કેન્દ્ર સરકારે અદાલતમાં જવાનું પસંદ કર્યું એ ખેદજનક બાબત છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘અમારી પાસે એ જમીન રાજ્ય સરકારની હોવાના દસ્તાવેજી પુરાવા છે. જમીનની માલિકી વિશે કોઈ વિવાદ કે મતભેદ હોય તો એ ચર્ચા-વાટાઘાટ દ્વારા ઉકેલી શકાય એમ છે. ફક્ત માલિકીના વિવાદને કારણે એ જમીન જવા દેવી જોઈએ કે બિલ્ડરોને સોંપી દેવી જોઈએ.’
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ‘કાંજુરમાર્ગનો મુદ્દો મારા અહમ કે જિદનો નથી. એ રીતે એ વિષય તમારે માટે પણ અહમ કે જિદનો વિષય ન હોવો જોઈએ. અનેક લોકોના વિરોધ છતાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં સૌથી મોંઘી જમીન કેન્દ્ર સરકારની બુલેટ ટ્રેન યોજના માટે ફાળવી હતી. તેમાં અમે કોઈ અવરોધ પેદા કર્યો નહોતો. તમે કાંજુરમાર્ગમાં અવરોધ પેદા કરો અને અમે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં અવરોધ પેદા કરીએ, એ રીતે સામસામે નડવાની રીત નિરર્થક ગણાય. સમૃદ્ધિ એક્સપ્રેસ વે કોરિડોરમાં પણ વિરોધ હતો. એ વાંધા-વિવાદો પણ સંવાદ-ચર્ચા દ્વારા ઉકેલાયા હતા. વિકાસકાર્યોમાં ઉતાવળ વાજબી નથી. કાંજુરમાર્ગ પ્રોજેક્ટ આવતાં ૫૦થી ૧૦૦ વર્ષ ઉપયોગી રહી શકે એમ છે.

નાઇટ કરફ્યુ લાગુ કરવામાં નહીં આવે

મુખ્ય પ્રધાને વેબકાસ્ટ દરમ્યાન જણાવ્યું હતું કે ‘કોરોના રોગચાળા વિશે નિષ્ણાતો જોડે નિયમિત ચર્ચા-મંત્રણા ચાલે છે. એ મંત્રણા દરમ્યાન નિષ્ણાતોએ રોગચાળા પર નિયંત્રણ માટે નાઇટ કરફ્યુની ભલામણ કરી હતી, પરંતુ હું નાઇટ કરફ્યુની તરફેણમાં નથી. કેટલાક નિષ્ણાતોએ ફરી લૉકડાઉન લાગુ કરવાની પણ ભલામણ કરી હતી, પરંતુ હું લૉકડાઉનની પણ તરફેણમાં નથી. કારણ કે લોકોમાં માસ્ક પહેરવા અને ફિજિકલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોમાં નોંધપાત્ર જાગૃતિ જણાતી હોવાથી લૉકડાઉન કે નાઇટ કરફ્યુ લાગુ કરવા જેવાં પગલાં જરૂરી લાગતાં નથી. હવે સાર્વજનિક સ્થળો પર ૭૫ ટકાથી વધારે લોકો માસ્ક પહેરેલા જોવા મળે છે.’

હજી છ મહિના જાહેરમાં માસ્ક ફરજિયાત

સોશ્યલ મીડિયાના માધ્યમથી જનતાને સંબોધન દરમ્યાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘હજુ આવતા છ મહિના સુધી જાહેરમાં નીકળનારા લોકો માટે માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. બીમારીની સારવાર લેવા કરતાં પ્રતિકારક પગલાં લેવાં વધુ યોગ્ય ગણાય. તેથી આવતા છ મહિના માટે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરીને નીકળવાની આદત પાડવી જરૂરી છે.’

મેટ્રો કાર-શેડની જમીન વિશેની ટિપ્પણીઓ ગેરમાર્ગે દોરનારી : ફડણવીસ

મેટ્રો કાર-શેડ આરે કૉલોનીથી કાંજુરમાર્ગ શિફ્ટ કરવાનું ઔચિત્ય દાખવતી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણીઓ જનતાને ગેરમાર્ગે દોરનારી હોવાનું બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. મેટ્રો કાર-શેડનું સ્થળ આરે કૉલોનીથી કાંજુરમાર્ગ શિફ્ટ કરવાથી મેટ્રો લાઇન્સ માટે આવશ્યક જમીનની ઉપલબ્ધતા સહિતની ભવિષ્યની અનેક જરૂરિયાતો પૂરી થઈ શકે એમ હોવાના ઉદ્ધવ ઠાકરેના દાવા ખોટા હોવાનું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મેટ્રો-થ્રી પ્રોજેક્ટ સાઇટ બદલવાની ‘નાણાકીય જવાબદારીઓ’ વિશે મહાવિકાસ આઘાડીની સરકારે જ નિયુક્ત કરેલી ઉચ્ચ સત્તાધારી સમિતિનો અહેવાલ ઉદ્ધવ ઠાકરેએ વાંચ્યો હોય એવું લાગતું નથી. એ અહેવાલ રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાને જનતાને ઉપલબ્ધ કરાવવો જોઈએ. આરે કૉલોનીમાં મેટ્રો કાર-શેડ બાંધીએ તો વધુ જમીનની જરૂર પડે એમ હોવાનું અને કાંજુરમાર્ગમાં કાર-શેડ બાંધવામાં આવે તો ૫૦થી ૧૦૦ વર્ષ ઉપયોગિતા વધવાના મુખ્ય પ્રધાનના દાવા ખોટા છે.

mumbai mumbai news uddhav thackeray devendra fadnavis